બેન્કો સામે કાર્યવાહીની ગ્રાહકોની સેવા પર કોઇ અસર નહીં
ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર બેંકો પર કાર્યવાહી કરી છે. બેંકે 4 સહકારી બેંકો પર 44 લાખ રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો છે. નિયમોનું પાલન ન કરવાના કારણે બેંકે આ કાર્યવાહી કરી છે. આમાં ચેન્નઈની તમિલનાડુ સ્ટેટ એપેક્સ કો-ઓપરેટિવ બેંક પર 16 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય રિઝર્વ બેંકે વધુ 3 બેંકો પર દંડ ફટકાર્યો છે.
- Advertisement -
બેંકો આરબીઆઇએ કહ્યું હતું કે, કેન્દ્રીય બેંકનો ઉદ્દેશ્ય એ છે કે બેંકો દ્વારા રિઝર્વ બેંકના તમામ નિયમોનું પાલન કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ બેંકે અગાઉ પણ નિયમોની અવગણના કરવા બદલ કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જે સહકારી બેંકોને દંડ કરવામાં આવ્યો છે તેમાં બોમ્બે મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંકનો પણ સમાવેશ થાય છે. આ બેંક પર 13 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બેંક નિર્ધારિત સમયગાળામાં ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડનું ભંડોળ ટ્રાન્સફર કરી શકી નથી. રિઝર્વ બેંકે પુણેની જનતા સહકારી બેંક પર 13 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. ડિપોઝિટ રેટ પર યોગ્ય સમયે વ્યાજ ન ચૂકવવા બદલ આ દંડ લગાવવામાં આવ્યો છે.
તમિલનાડુ સ્ટેટ એપેક્સ કોઓપરેટિવ બેંક પણ ડીઇએએફ ના ભંડોળને સમયસર ટ્રાન્સફર કરી શકી નથી. આ સાથે, બેંકે નાબાર્ડને યોગ્ય સમયે થયેલા છેતરપિંડીના વ્યવહાર વિશે જાણ કરી ન હતી. આવી સ્થિતિમાં રિઝર્વ બેંકે આ બેંક પર 16 લાખ રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો છે. આ સિવાય બારન નાગરિક સહકારી બેંક, રાજસ્થાનને પણ 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. નિયમોની અવગણના કરવા બદલ બેંક પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
- Advertisement -
આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આરબીઆઈ દ્વારા ચાર બેંકો પર લગાવવામાં આવેલા 44 લાખના દંડની બેંકના ગ્રાહકો પર શું અસર થશે? આ દંડને બેંકના ગ્રાહકો સાથે કોઈ લેવાદેવા નથી. બેંકો પર કામગીરી પૂર્ણ ન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. બેંકના ગ્રાહકોના ખાતાના ટ્રાન્જેક્શન સાથે તેને કોઈ લેવાદેવા નથી.