ઓછા ઉત્પાદન વચ્ચે ઊંચા ભાવ મળતાં ખેડૂતો ખુશ
ખાસ-ખબર સંવાદદાતા
વંથલી યાર્ડમાં રાવણાની હરાજી શરૂ થઇ છે. ગઇકાલે રાવણાનાં વિક્રમજનક ભાવ રહ્યાં હતાં. એક કિલોનાં 730 રૂપિયા સુધીનાં ભાવ બોલાયા હતાં. ઓછા ઉત્પાદન વચ્ચે સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થઇ ગયા છે. ફળોના હબ કહેવાતા વંથલીમાં હાલ રાવણા એટલે કે જાંબુની સીઝન ચાલી રહી છે. વંથલી ઉપરાંત શાપુર, નાના કાજલિયાળા, વિજાપુર, પ્લાસવા તેમજ મેંદરડા તાલુકામાંથી ખેડૂતો હરાજી માટે વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે. ત્યારે હરાજીમાં 1 કિલોના 730 ઉપજતા રાવણાના ભાવ કાજુ સમકક્ષ થઈ ગયા છે. ઓછા ઉત્પાદનમાં પણ વિક્રમજનક ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઈ છે.
- Advertisement -
ગયા વર્ષે વાવાઝોડું, અનિયમિત વાતાવરણના કારણે કેરીની જેમ રાવણાના પાકને પણ ભારે નુકશાન પહોંચતાં દર વર્ષ કરતા આ વખતે માત્ર 30 ટકા જેટલું ઉત્પાદન થવાનો અંદાજ છે.આ અંગે વંથલી ફ્રુટ માર્કેટના કમિશન એજન્ટ દિનેશભાઇ કાનગડે જણાવ્યું હતું કે હું 22 વર્ષથી ફ્રુટ માર્કેટ સાથે સંકળાયેલ છુ ત્યારે ચાલુ વર્ષે હરાજીમાં ખેડૂતોને 1 કિલો રાવણાના વિક્રમજનક ભાવ રૂ.730 ઉપજતા ઓછા ઉત્પાદન વચ્ચે ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે.