ભાવનગરમાં બેવડી હત્યાનાં કેસનાં નમૂનેદાર તપાસ કરતા પસંદગી થઇ
ખાસ-ખબર સંવાદદાતા
ભારત સરકાર દ્વારા દેશના જુદા જુદા રાજ્યની પોલીસ દ્વારા કરવામાં આવતી પોલીસ તપાસ સારી રીતે કરવામાં આવે તે હેતુથી ખૂબ જ સારા ઇન્વેસ્ટિગેશન માટે પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા મેડલ આપી સન્માનિત કરવામા આવે છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ભાવનગર શહેર ખાતે 2012ની સાલમાં બનેલા ડબ્બલ મર્ડરના કેસમાં નમૂનેદાર પોલીસ તપાસ કરી હતી. ટ્રાયલ દરમિયાન ભાવનગર સેસન્શ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા કરી હતી.
- Advertisement -
ગૃહ મંત્રાલય દ્વારા 2018 ના વર્ષ માટે યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન આપી સૌપ્રથમ સન્માનિત કારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ભાવનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 2012 ની સાલમ દાખલ થયેલ ચકચારી બેવડી હત્યાના ગુન્હાની તપાસમાં ગુન્હો શોધી કાઢવા ઉપરાંત સાયન્ટિફિક પુરાવાઓ, સાયોગિક પુરાવાઓ, વિગેરે પુરાવાઓ આધારે તપાસ કરી હતી. આરોપી સુધીશ દયાશંકર દ્વિવેદીને આજીવન કેદની સજા કરાવનાર ભાવનગરના તત્કાલીન પોલીસ ઇન્સ. અને હાલના જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 2018 ના વર્ષ માટે યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન માટે પસંદગી કરવામાં આવી હતી.
વર્ષ 2018ની સાલમાં આ મેડલ માટે આખા ગુજરાત રાજ્યમાંથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા અને સીઆઈડી ક્રાઇમના ડીવાયએસપી એ.એ.સૈયદ એમ બે અધિકારીની સૌપ્રથમ પસંદગી થઇ હતી. આવતીકાલ તા. 29 મે 2022 ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પોલીસ આવાસના લોકાર્પણ સમારોહ કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે મેડલ અનાયત કરવામાં આવશે.