ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના શનાળા બાયપાસ પાસે આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી તલવાર અને ધોકાની અણીએ કેટલાક શખ્સોએ રોકડા રૂપિયા 1.19 કરોડની લૂંટ કરી હોવાની ઘટના બની હતી. આ ઘટનામાં જે તે સમયે મોરબી અને રાજકોટ ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન કરી જાવીદ અલ્લારખાભાઇ ચૌહાણની ટીપની આધારે લૂંટને અંજામ આપનાર તેના ભાઈ અને મુખ્ય સૂત્રધાર મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લારખાભાઇ ચૌહાણ, સવસીભાઇ હકાભાઇ ગરાંમડીયા અને સુરેશ મથુરભાઇ ગરાંભડીયાને ઝડપી લીધા હતા. આ ઉપરાંત આ ગુનામાં થયેલ લુંટની રકમ પણ જે તે વખતે રીકવર કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછ દરમિયાન વિનોદ ઉર્ફે દેવો ઉર્ફે દેવરાજ ખેંગાર મંદુરિયાનું નામ પણ ખુલ્યું હતું જોકે આરોપી પોલીસને ચકમો આપી ઘણા સમયથી ફરાર હતો.

આ આરોપી વિરદ્ધ જસદણ પોલીસ મથકમાં પણ મારામારીનો ગુન્હો નોંધાયેલ હોય અને તેમાં પણ નાસતો ફરતો હતો જેથી પોલીસે આરોપીને ઝડપી લેવા બાતમીદારો સક્રિય કર્યા હતા તે દરમિયાન આ શખ્સ રાજકોટની ગઢડીયા ચોકડી પાસે હોવાની રાજકોટ એસઓજીની ટીમને બાતમી મળતા એસઓજીની ટીમે વોચ ગોઠવી ગઢડીયા ચોકડીએથી વિનોદ ઉર્ફે દેવો ઉર્ફે દેવરાજ ખેંગાર મંદુરિયાને ઝડપી લીધો હતો. આ આરોપી વિરુદ્ધ બોટાદ, જસદણ, અમદાવાદ ગ્રામ્ય ધોલેરા, સાયલા અને પાળીયાદ પોલીસ સ્ટેશનમાં 10 જેટલા ગુન્હાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.