સરગમ ક્લબ, બ્રહ્માકુમારીઝ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઇસ્કોન રાજકોટ અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આરોગ્ય રથ ચાલુ કરવામાં આવશે


ઝૂમ એપ વડે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ સંસ્થાઓના કોવિડ કોઓર્ડીનેટર સાથે કાલે સાંજે ૪.૦૦ વાગ્યે બેઠકનું આયોજન

રાજકોટ શહેરમાં સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ કોરોના વાયરસની મહામારી સામે વિવિધ મોરચે સરકારી તંત્ર અને સામાજિક સંસ્થાઓ સાથે મળીને લડત ચલાવી રહયા છે અને જુદાજુદા કર્યો કરવામાં આવી રહયા છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાને શહેરની જુદીજુદી સામાજિક સંસ્થાઓનો ઉમદા સહયોગ પ્રાપ્ત થઇ રહયો છે. આજે આ સંસ્થાઓ સાથે મહાનગરપાલિકામાં યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકના પરિણામ સ્વરૂપે જુદીજુદી સંસ્થાઓ દ્વારા મહાનગરપાલિકાના ધનવંતરી રથની માફક જ પોતાના “આરોગ્ય રથ” શરૂ કરવામાં આવશે, અને આ કાર્યમાં મનપા સહયોગ આપશે. દરમ્યાન ઝૂમ એપ વડે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ સંસ્થાઓના કોવિડ કોઓર્ડીનેટર સાથે કાલે સાંજે ૪.૦૦ વાગ્યે બેઠકનું આયોજન તેમ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
આજે તા. ૧૮-૯-૨૦૨૦ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયેલી આ સંસ્થાઓ સાથેની બેઠકમાં સરગમ ક્લબના પ્રમુખ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, બ્રહ્માકુમારીઝ સંસ્થા વતી શ્રી નીતિનભાઈ ડોરાસીયા, બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ વતી ડૉ.ચેતન મિસ્ત્રી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વતી શ્રી રણછોડભાઈ અકબરી, શ્રી નવજીવન ટ્રસ્ટ વતી શ્રી સાહીલભાઈ સંધિ, પૂ. શ્રી રણછોડદાસ બાપૂ આશ્રમ વતી શ્રી શાંતિલાલ અને શ્રી નિલેશભાઈ, પ્રગતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વતી શ્રી હિતેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વતી શ્રી કાંતિલાલ ભૂત, શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ ઉપાધ્યાય અને ઇસ્કોન રાજકોટ વતી શ્રી અંતરયામી ક્રિશ્નદાસ સહિતની સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહયા હતાં.
આ બેઠકમાં સિનિયર આઈ.એ.એસ. અધિકારી શ્રી મિલિન્દ તોરવણે અને મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ દ્વારા સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓને સમગ્ર પરિસ્થિતિ સમજાવી હતી. શહેરમાં કોરોના વાયરસના સંક્રમણની ચેઈન તોડવા માટેના પ્રયાસોના ભાગરૂપે જનજાગૃતિ, મેડિકલ સ્ક્રિનિંગ, ટેસ્ટિંગ, સારવાર અને મોનિટરિંગ સહિતના પગલાંઓ લેવામાં આવી રહયા છે. હવે લોકોનો સંપૂર્ણ સાથસહકાર પ્રાપ્ત થાય અને શકય તેટલી ઝડપથી કોરોનાના ચેપની કડી તોડવામાં પૂર્ણ સફળતા મળે તે માટેસામાજિક સંસ્થાઓનો વધુ ને વધુ સહયોગ ખુબ આવશ્યક અને ઇચ્છનીય બન્યો છે. આ સંજોગોમાં સામાજિક સંસ્થાઓ તરફથી લોકોને સ્વચ્છતા જાળવવા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જાગૃત કરવા, કોવિડ કોઓર્ડીનેટર નિયુક્ત કરવા, ગ્રુપ કે સમાજ માટે કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવા, અને સંસ્થાઓ દ્વારા આરોગ્ય રથ શરૂ કરવા માટે સહયોગ પ્રાપ્ત થાય એવો અનુરોધ કર્યો હતો.
આ અપીલના પગલે સરગમ ક્લબના પ્રમુખ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, બ્રહ્માકુમારીઝ સંસ્થા વતી શ્રી નીતિનભાઈ ડોરાસીયા, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વતી શ્રી રણછોડભાઈ અકબરી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વતી શ્રી કાંતિલાલ ભૂત અને ઇસ્કોન રાજકોટ વતી શ્રી અંતરયામી ક્રિશ્નદાસ દ્વારા આરોગ્ય રથની સેવા શરૂ કરવાની તૈયારી બતાવી હતી. અન્ય સંસ્થાઓ પણ આ દિશામાં આગળ ધપી રહી છે. આ આરોગ્ય રથમાં તબીબ, પેરામેડીક સ્ટાફ, દવા અને ટેસ્ટિંગ કિટ સહિતની સેવાઓ ઉપલબ્ધ બનશે.
રાજકોટ મહાનગરપાલિકાએ આ સંસ્થાઓને શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિના કોવિડ આઇસોલેશન સેન્ટરની માફક પોતાની સંસ્થાના કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવાની વિનંતી પણ કરી હતી અને જેના પગલે વિવિધ સંસ્થાઓએ આ વિષયમાં પોતાની સંસ્થામાં ચર્ચા વિચારણા કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ખાતરી આપી હતી.