પાટીલે કાર્યકરોને કહ્યું,”કહી ન શકો તો વિચારો લેખિતમાં આપો”

ગુજરાત ભાજપના નવા પ્રમુખ સી.આર. પાટીલે તેમના રાજકોટ આગમનપુર્વે રાજકોટના કાર્યકરોને એક પત્ર લખ્યો છે જેને લઈને કાર્યકરોમાં વિવિધ પ્રત્યાઘાતો પડ્યા છે.પાટીલે કાર્યકરોને જો તેમને તેમના વિચારો અને સૂચનો રૂબરૂ કહેવાની તક ન મળે તો લેખિતમાં આપવા સૂચવ્યું છે.
સી.આર. પાટીલ આવતીકાલ તા.20ના રોજ રાજકોટ આવી રહ્યા છે.ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ અને અન્ય વિસ્તારોની તેમની મુલાકાતનો મુખ્ય હેતુ પક્ષની વાસ્તવિક સ્થિતી જાણવાનો છે.પક્ષમાં ચાલતી જુથબંધી, મુઠ્ઠીભર નેતાઓનું વર્ચસ્વ, વફાદાર કાર્યકરો અને નેતાઓની અવગણના,કથિત ભ્રષ્ટાચારો વગેરે બાબતે હાઇકમાન્ડ ચિંતિત હોવાનું ચિત્ર ઉપસ્યું છે.પક્ષના પાયાના પથ્થરો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. મુખ્યમંત્રીના શહેર રાજકોટમાં પણ પક્ષની અંદર અનેક જૂથો હોવાનું કોઈનાથી અજાણ નથી.
પક્ષના સાનિષ્ઠ કાર્યકરોમાં એવો કચવાટ છે કે પક્ષમાં લાંબા સમયથી સતા ભોગવતા નેતાઓના અહમ, અભિમાન અને તુમાખીભર્યા વહેવારને કારણે ઉપર ઉપરથી શક્તિશાળી દેખાતું ભાજપનું સંગઠન ધીમે ધીમે ખોખલું થઈ રહ્યું છે.
પક્ષના ટોચના નેતાઓ પણ માને છે કે મોદી અને અમિત શાહના નામે દરવખતે સતા નહીં મેળવી શકાયુ.ભાજપની સાચી તાકાત તેના કાર્યકરો અને તેની સંગઠન શક્તિ છે.એ સંગઠનને નબળું પડતું અટકાવવું હોય તો કાર્યકરોનો વિશ્વાસ જીતવો પડશે.
પક્ષના કેટલાક કાર્યકરોના મતે તેમની વાત કોઈ સાંભળતું નથી.ઉલટાનું રજુઆત કે ફરિયાદ કરનારને સહન કરવાનું આવે છે.
ચર્ચાતી વિગત મુજબ પાટીલ આ સ્થિતીથી સુપેરે માહિતગાર છે.અને એટલે જ તેમણે કાર્યકરોને તેમના વિચારો અને સૂચનો લેખિતમાં આપવા જણાવ્યું છે. પાટીલે આ સૂચન દ્વારા બની બેઠેલા સૂબાઓને ગર્ભિત સંદેશો આપી દીધો છે એવું પણ અર્થઘટન થઈ રહ્યું છે.તેમના આ એક સુચનને પગલે એક ચોક્કસ જૂથમાં મુંજારો શરૂ થયો છે.જ્યારે કેટલાક ચહેરા ઉપર મલકાટ રમતો હોવાની ભાજપ કાર્યકરોમાં ચર્ચા શરૂ થઈ છે.