દર વર્ષે તા. ૮ મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે આજ રોજ રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે નારી અસ્મિતાની ખરી ઓળખ આપતા પ્રદર્શનનો “શક્તિ રૂપેણ સંસ્થિતા” નો કલેકટરશ્રી રેમ્યા મોહને રીબીન કાપીને શુભારંભ કરાવ્યો હતો.
નારી સન્માન, ગૌરવ અને અસ્મિતાની ખરી ઓળખ આપતું પ્રદર્શન “શક્તિ રૂપેણ સંસ્થિતા” કલેકટર તથા અન્ય મહાનુભાવોએ નિહાળ્યું હતું. આ પ્રદર્શનીમાં વિવિધ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી ભારતની મહિલાઓ એવી અપર્ણા પોપટ, કિરણ બેદી, પાઈલોટ પ્રિયા જિજ્ઞાન, ભારતીય સશસ્ત્ર દળની પહેલી મહિલા લેફ્ટનન્ટ જનરલ પુનિતા અરોરા, રમત-ગમત જગતની વિરાંગનાઓ સાનિયા મિર્ઝા-સાક્ષી મલીક-સાન્યા નહેવાલ, કસ્તુરબા ગાંધી, મૃદુલાબેન સારાભાઈ, વિદુષીઓ મૈત્રી-ગાર્ગી-લોપામુદ્રા, લેખક-વક્તા-શિક્ષણવિદ એની બેસંટ, નવલકથાકાર અને કવિયત્રી અમ્રિતા પ્રિતમ સહિત અનેક મહિલાઓની ગાથા રજુ કરવામાં આવી હતી. જેની જિલ્લા કલેકટર અને ઉપસ્થિત મહાનુભાવોને ઘનશ્યામ ગઢવીએ સચિત્ર માહિતી આપી હતી.
- Advertisement -
આ તકે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પુર્વસંધ્યાએ રાજકોટ જિલ્લાની મહિલા અને બાળ વિકાસ કચેરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના સંયુકત ઉપક્રમે “બેટી બચાવો-બેટી પઢાઓ” થીમ આધારીત યોજાયેલ રંગોળી સ્પર્ધા, ચિત્રસ્પર્ધા, સ્લોગન રાઇટીંગ સ્પર્ધા અને મહેંદી સ્પર્ધાના કુલ ૧૨ વિજેતાઓને ઈનામ અને પ્રમાણપત્ર આપીને કલેક્ટરશ્રી રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસિયા, કુલપતિ ડો.નિતિનભાઇ પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણીએ સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ, દહેજ પ્રતિબંધક અધિકારી કિરણબેન મોરીયાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ, ડો. ધારા દોશી, ડો. ડિમ્પલ રામાણી સહિતના અન્ય મહાનુભાવો અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.


