કેન્દ્ર સરકારના બજેટમાં અપાયેલી રાહતને રાજય સરકાર અનુસરશે
દશેરા – દિવાળી આસપાસ જાહેરાતની શકયતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં જંત્રીદરમાં ફરી વધારો થવાની આશંકાને પગલે કેટલાંક દિવસોથી રાજકોટ સહિતના શહેરોમાં મિલકત દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ વધી ગયુ છે. ત્યારે રાજય સરકાર મિલકતો પરનાં ઉંચા ટેકસભારણમાં રાહત આપવા વિચારણા કરી રહી છે.
સ્ટેમ્પ ડયુટી તથા રજીસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવાના ચક્રો ગતિમાન થયા છે. કેન્દ્ર સરકારનાં બજેટમાં રાજયોને મિલ્કત વ્યવહારોની સ્ટેમ્પ ડયુટી તથા રજીસ્ટ્રેશન ફીમાં શકય હોય તો ઘટાડો કરવાની સલાહ આપવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખીને ગુજરાતના મહેસુલ તથા નાણાં વિભાગે આ દિશામાં વિચારણા શરૂ કરી છે. ગુજરાતના એપ્રિલ 2023 માં જંત્રીદર ડબલ કરી દેવાયો હતો. ઉપરાંત પ્રોપર્ટીનાં ભાવ પણ સતત વધી રહ્યા છે. ત્યારે મિલ્કત ખરીદનારાઓને આંશીક રાહત થાય તે માટે સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવાની વિચારણા છે. રાજય સરકારના વિશ્ર્વાસપાત્ર સુત્રોએ કહ્યું કે આવતા બે મહિનામાં આ નિર્ણય લઈ લેવામાં આવશે.
ગુજરાતમાં હાલ મિલકત વ્યવહારમાં 4.9 ટકા સ્ટેમ્પ ડયુટી તથા 1 ટકા રજીસ્ટ્રેશન ફીની વસુલાત થાય છે. જોકે, મહિલાના નામે મિલકત ખરીદીમાં એક ટકા રજીસ્ટ્રેશન ફીની છુટ છે.
- Advertisement -
રાજયના નાણા અને મહેસુલ વિભાગ હવે સ્ટેમ્પ ડયુટી તથા રજીસ્ટ્રેશન ફીમાં ઘટાડાની શકયતા ચકાસીને મુખ્યમંત્રીને રિપોર્ટ કરશે. રાજયમાં પ્રોપર્ટીના વધતા ભાવ તથા જંત્રીદરમાં વધારા બાદ રીયલ એસ્ટેટ સંગઠનોએ રજીસ્ટ્રેશન ફી તથા સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો કરવા માટે રાજય સરકાર પાસે એકથી વધુ વખત માંગ કરી હતી.
સ્ટેમ્પ ડયુટી તમામ શ્રેણીમાં 50 ટકા ઘટાડવા તથા 25 થી 75 લાખ સુધીનાં એફોર્ડેબલ હાઊસીંગમાં વધુ ઘટાડો કરવાની માંગ છે. સંગઠન દ્વારા એકથી વધુ વખત વારંવાર આ પ્રકારની માંગ કરવામાં આવી છે.
કોરોના કાળ બાદ ગુજરાતનો આર્થિક રોડમેપ તૈયાર કરવા હસમુખ અઢીયાનાં વડપણ હેઠળ નિયુકત કરાયેલી કમીટી દ્વારા પણ અર્થતંત્રને વેગ આપવા માટે પ્રોપર્ટીનાં રજીસ્ટ્રેશન ફી તથા સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો કરવાનું સૂચન કર્યું હતું. રાજયની સ્ટેમ્પ ડયુટી-રજીસ્ટ્રેશન ફીની આવક 13771.63 કરોડ હતી.
જેમાં આગલા વર્ષની સરખામણીમાં 60 ટકાનો વધારો હતો. 2023-24 માં 1826 લાખ પ્રોપર્ટી દસ્તાવેજ નોંધાયા હતા તે પણ આગલા વર્ષ કરતાં 35 ટકા હતું.આવકમાં છ ટકાના વધારા પાછળનુ કારણ 15 એપ્રિલ 2023 થી વધારાયેલા જંત્રીદરનું છે.