કોળી સમાજ આકરાં પાણીએ: સસ્પેન્શન સિવાય કશું જ મંજૂર નહીં
પોલીસ ખાતાંને લાંછન લગાડતા જેતપુર P.I. કરમુર કોળી સમાજ વિરૂદ્ધ કરેલી ગંદી ટિપ્પણીનાં ઘેરા પડઘાં પડશે
જેતપુર સિટી પોલીસનાં પીઆઈ જે.બી. કરમુર આરોપી જેટલા જ કુખ્યાત બની ચૂક્યા છે. ખુદને દબંગ પોલીસ અધિકારી સમજતા ને ગણાવતા જે.બી. કરમુર પોતાના કારનામાઓથી સમગ્ર પોલીસ વિભાગમાં પંકાઈ ગયા છે. આ માથા ફરેલા જેતપુર સિટી પી.આઈ કરમુરથી ફક્ત જેતપુરની જનતા જ નહીં પરંતુ પોલીસો, પત્રકારો પણ તોબા પોકારી ગયા છે. અવારનવાર સત્તાનો દુરુપયોગ કરી ચર્ચામાં રહેતા મથ્યા કરતા જે.બી. કરમુર વિરુદ્ધ ભૂતકાળથી લઈ આજ સુધીમાં ઘણી ફરિયાદો થતી આવી છે છતાં પણ હજુ સુધી તેના વિરુદ્ધ કોઈ ખાતાકીય તપાસ કે પગલાં ભરવામાં આવ્યા નથી તેથી જે. બી. કરમુરને કોનું પીઠબળ છે એ ચર્ચાનો વિષય છે સાથે જ કરમુરથી ક્યારે જેતપુરથી લઈ સમગ્ર પોલીસખાતાને છુટકારો મળશે એ પણ ચર્ચાઈ રહ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સત્તાધીશો પર લોકોનો વિશ્ર્વાસ અકબંધ રહે તે માટે જે.બી. કરમુર જેવા પોલીસવાળા પર પગલાં ભરવામાં આવવા જોઈએ એવી લોકમાંગણી છે. પોલીસ ખાતાને લાંછન લગાડતાં જેતપુર પી.આઈ. કરમુરે કોળી સમાજ માટે કરેલી ગંદી ટીપ્પણીનાં વિરૂદ્ધમાં કાલથી કોળી સમાજ દ્વારા એસ.પી. ઓફિસે ધરણાં પ્રદર્શન કરી પી.આઈ. કરમુરને સસ્પેન્ડ કરવાની તીવ્ર માંગણી કરશે.
P.I. કરમુરની માનસિક સ્થિતિની ચકાસણી થવી જોઈએ
જેતપુર પી.આઈ. કરમુર પ્રજા, પત્રકારો, સહકર્મીઓ સાથે જે પ્રકારે વર્તન કરે છે- તે જોતાં તેઓ હતાશા-ડિપ્રેશનમાં હોય તેવું લાગ્યા વગર ન રહે. પોલીસ અને પ્રજાનાં હિતમાં તેમનું સાઈકિયાટ્રિસ્ટ પાસે માનસિક પરિક્ષણ કરાવવું જોઈએ. જો તેઓ કોઈ મનોરોગનો શિકાર હોય તેવું જાણવા મળે તો તેમને પોલીસ વેલફેર ફંડમાંથી સારવાર કરાવવી જોઈએ અને આ સારવારનાં એકાદ વર્ષ દરમિયાન તેમને રજા પર ઉતારી દેવા જોઈએ, જેથી તેઓ ઝડપભેર સાજા થઈ જાય.
- Advertisement -
P.I. કરમુરને કોનું પીઠબળ?
કરમુર વિરુદ્ધ અનેક ફરિયાદો છતાં હજુ સુધી સસ્પેન્ડ કેમ નથી કરાયા?
કરમુરની ક્રૂરતા સામે આરોપી લોહીલુહાણ હાલતે કરગરતો રહ્યો હતો

સપ્ટેમ્બર 2020માં જેતપુરમાં જુગાર રમતા લોકોની રાજકોટ એલસીબીએ ધરપકડ કરી હતી. બાદમાં તે તમામને જેતપુર પોલીસને સોંપવામાં આવ્યા હતા. જેતપુર સિટી પોલીસના પી.આઈ. જે.બી. કરમુરે એવું કહ્યું હતું કે, આ લોકોને મારવાના છે છોડવાના નથી. અત્યારે છૂટવું હોય તો પૈસાનો વહીવટ કરવો પડશે અને મારવાની બીકમાંને બીકમાં છૂટવા માટે આ લોકોએ 2 લાખ 80 હજાર આપ્યા હતા. અને બાદમાં બીજા 3 લાખ માંગ્યા હતા જે ન આપતા ઢોર માર મારવામાં આવ્યો હતો. જે.બી. કરમુરનાં મારથી ઘવાયેલા વ્યક્તિઓ પૈકીના એક વ્યક્તિ લલિતભાઈ અઢીયાને ગોંડલ સારવારમાં મોકલવામાં આવ્યા હતા. જેમણે સારવાર દરમિયાન જણાવ્યું હતું કે, મારા કાન પર 30 જેટલા બેલ્ટના ફટકા માર્યા છે. કરમુરના પિતાની ઉંમર જેટલી મારી ઉંમર છે. મને એક કાનમાં પણ સંભળાતુ નથી. મેગવ્હિલ એક હાથમાં મારતા ફ્રેક્ચર થઈ ગયું છે. બીજો ઘા મારા પેટના ભાગે માર્યો છે. સાથળ અને પીઠના ભાગે પણ મને બહુ માર્યુ છે. આના કરતા તો રાક્ષસ પણ સારો હોય. અમે ત્રણ લાખ આપવાની ના પાડતા કરમુરે ક્રૂરતા દાખવી ઢોર મારવાનું ચાલુ કર્યુ હતું. જોકે આ બનાવના પગલે ભારે ઉહાપોહ થતા જે.બી. કરમુર રજા પર ઉતરી ગયો હતો અને બાદમાં આ મામલો શાંત પડી ગયો હતો. જે.બી. કરમુર વિરુદ્ધ કોઈ તપાસ થઈ કે પગલાં ભરવામાં આવ્યા નહતા.
પોલીસ થઈ કરમુરનું ડોન જેવું વર્તન

- Advertisement -
જેતપુર સિટી પોલીસના પી.આઈ. જે.બી. કરમુર વિરુદ્ધ ભૂતકાળમાં મહિલાઓ તેમજ અન્ય વ્યક્તિઓને પણ ગોંધી રાખીને મારકૂટ કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. આ ઉપરાંત થોડાથોડા દિવસે જે.બી. કરમુર દ્વારા સત્તાના દુરુપયોગની તથા અસભ્ય વર્તન અને ગાળાગાળી કરી ખોટી રીતે માર માર્યા કે ડરાવ્યા-ધમકાવ્યાની પણ ફરિયાદો ઉઠતી રહે છે. કરમુરની ઓળખ એક માથા ફરેલા તુંડમિજાજી પોલીસવાળાની બની ગઈ છે. ખાખીના નશામાં ચૂર પી.આઈ. જે.બી. કરમુર પોલીસ થઈ અત્યંત ખરાબ વર્તન કરી રહ્યા હોવા છતાં આજ સુધી જે.બી. કરમુર વિરુદ્ધ કોઈ ખાતાકીય તપાસ કે પગલાં ભરવામાં કેમ આવ્યા નથી એ અનેક શંકાઓ અને સવાલો જન્માવનાર બાબત છે.
કરમુરે પત્રકારને ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી
ફેબ્રુઆરી 2022માં ગોંડલના રહેવાસી અને વ્યવસાયે પત્રકાર રવિ રામાણીએ નૈતિક ફરજનાં ભાગરૂપે પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી હતી તેના બદલામાં જેતપુર પોલીસ ઈનસ્પેકટર જે.બી. કરમુરે પત્રકાર રવિ રામણીને ધમકી લભર્યો ફોન કરીને ખોટા ગુનામાં ફીટ કરવાની ગર્ભિત ધમકી આપી હતી તેમજ અસભ્ય વર્તન સાથે પત્રકારને હા, સમજાય ગયું, સમજી લેજો જેવા શબ્દો ઉચ્ચારીને પોતાની વરદીનો ખોટો ઉપયોગ કર્યો હતો. પત્રકારે પોતાની સાથે થયેલા ગેરવર્તનને કારણે એસ.પી. કચેરીમાં આવેદન પત્ર પાઠવીને યોગ્ય કાર્યવાહી કરીને ન્યાયની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે જેતપુર પોલીસ અને પત્રકાર વચ્ચે ફોનમાં થયેલી વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો છતાં જાગૃત પત્રકાર આ આવેદન પત્રના આધારે પણ પી.આઈ. કરમુર વિરુદ્ધ કોઈ તપાસ થઈ કે પગલાં ભરવામાં આવ્યા નથી.
કરમુરે કોળી સમાજને દલાલ કહી કોળી સમાજનું અપમાન કર્યું
હાલમાં જ કોળી સમાજને દલાલ કહેવા બદલ કોળી સમાજ દ્વારા જેતપુર સિટી પોલીસના પી.આઈ. જે. બી. કરમુર વિરૂદ્ધ રેલી કાઢી જેતપુર મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું છે. કોળી સમાજને દલાલ કહી પી.આઈ. કરમુરે સમગ્ર કોળી સમાજનું અપમાન કર્યું છે. કોળી સમાજના આગેવાન એક સામાજિક રજૂઆત બાબતે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં કોળી સમાજના આગેવાનનું જે. બી. કરમુરે અપમાન કર્યું હતું જે અંગે કોળી સમાજમાં રોષ ફેલાયો હતો. જે.બી કરમુરે કોળી સમાજના આગેવાનને તમે કોળી લોકો દલાલનું કામ કરો છો કહી અપમાન કર્યું હતું. જે અંગે કોળી સમાજે પી.આઈ. કરમુર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી અને જેતપુર ડિવિઝનના એ.એસ.પી. દ્વારા પી.આઈ.ના ગંભીર વર્તનની નોંધ લેવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી હતી.


