માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં 24 ફોર્મ ઉપડ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ લોકસભા બેઠક માટે ગઇકાલ બીજા તબક્કાની ચૂંટણી માટે જાહેરનામુ પ્રસિઘ્ધ થયુ હતુ તેની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ થયો હતો પરંતુ પ્રથમ દિવસે જૂનાગઢ લોકસભા બેઠકમાં કોઇ ઉમેદવારી પત્ર ભરાયા ન હતા પણ પ્રથમ દિવસે 3ર ઉમેદવારી પત્રો ઉપડ્યા હતા. લોકસભા બેઠક માટે પ્રથમ દિવસે 3ર ફોર્મ ઉપડ્યા તેમા ભાજપના બે વ્યક્તિ 10, કોંગ્રેસના બે વ્યક્તિ આઠ, લોગ પાર્ટીના એક વ્યક્તિ પાંચ, સત્યવાદી રક્ષક પાર્ટીના એક વ્યક્તિ બે, બસપાના એક વ્યક્તિ પાંચ અને અપક્ષના બે વ્યક્તિ બે ફોર્મ લઇ ગયા હતા. ભાજપના ઉમેદવાર રાજેશભાઇ ચુડાસમા તા.16ના અને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઇ જોટવા તા.18ના પોતાની ઉમેદવારી નોંધાવશે. દરમિયાન માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ આજથી ફોર્મ ભરાવાનો પ્રારંભ થયો છે પ્રથમ દિવસે માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે 24 ફોર્મ ઉપડ્યા હતા.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી ફરજ પરના કર્મીઓની અવર-જવર માટે 49 બસ ફાળવવા તજવીજ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જિલ્લા તંત્ર અને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીને લગતી તમામ તૈયારીઓ પૂર જોશમાં કરવામાં આવી રહી છે. રાજયમાં તા.7મેના રોજ મતદાન થશે ત્યારે ચૂંટણીની કામગીરી માટે વાહનોને હસ્તગત કરવામાં આવે છે જે અંતર્ગત આરટીઓ દ્વારા 192 વાહનો કબ્જો લઇ ચૂંટણી કામગીરી માટે ફાળવણી કરવામાં આવી છે. જૂનાગઢમાંથી 95, માંગરોળ 40, વિસાવદર 22, માણાવદર 15 અને કેશોદમાં 20 વાહનો ચૂંટણીની પ્રક્યિા પૂર્ણ ન થાય ત્યાં સુધી હસ્તગત કરવામાં આવ્યા છે.
એસટી નિગમના જૂનાગઢ ડિવીઝનમાંથી અંદાજિત 49 બસ ફાળવવાની તૈયારીઓ હાથ ધરાઇ રહી છે. જૂનાગઢ એસટી વિભાગીય નિયામકના જણાવ્યા મુજબ જૂનાગઢ ડિવીઝન દ્વારા હાલ વિવિધ રૂટો પર દૈનિક 550થી વધુ સબ દોડાવવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીને લઇ જિલ્લા કલેકટર તંત્રએ આગામી તા.6 અને 7ના રોજ ચૂંટણી ફરજના કર્મચારીઓની અવર-જવર માટે એસટી તંત્ર પાસે 49 બસ ફાળવવાની માંગણી મુકી છે તા.6 અને 7ના રોજ ચૂંટણીમાં ફરજ બજાવનાર સ્ટાફને બુથ સુધી મુકવા અને ત્યાંથી લેવા માટે એસટી બસ ફાળવવામાં આવશે.