મુખ્યમંત્રી દ્વારા સૈધાંતિક મંજૂરી અપાતા ગ્રામજનોની સુવિધાઓમાં થશે વધારો : મંત્રી ભાનુબેન બાબરીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના રાજકોટ તેમજ કોટડાસાંગાણી તાલુકા વિસ્તાર હેઠળના જુદા જુદા ગામોને જોડતા મેજર અને માઈનર બ્રીજ બનાવવા માટે મુખ્યમંત્રીએ મંજૂરી આપી હતી. જેના પરિણામે રાજકોટ શહેરને જોડતા રાજકોટ અને કોટડાસાંગાણી તાલુકાઓના ગામ્ય વિસ્તારમાં ચોમાસાના ભારે વરસાદના પરિણામે પડતી અગવડતા તેમજ ટ્રાફિક સમસ્યા આગામી સમયમાં હળવી બની જશે. રાજકોટ અને કોટડાસાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા રોડ રસ્તાઓ પરના બ્રીજની હાલત ઘણા સમયથી ખરાબ હતી તેમજ સ્થાનિકે વાહનોની અવર જવર પણ વધુ પ્રમાણમાં રહેતી હતી.
- Advertisement -
તેથી સ્થાનિક પ્રજાજનોને આ બાબતે ઘણી બધી હાલાકી ભોગવવી પડતી હતી. આથી ગ્રામ પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓ દ્વારા આ નવા બ્રીજનું બાંધકામ કરવા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાને રજૂઆત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વગ્રાહી વિકાસની નેમ સાથે લોક પ્રજાજનોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરતા શહેરો અને ગામડાઓના વિકાસ અને સમસ્યાઓને નિવારવા તાત્કાલિક વિકાસના કામો હાથ પર લઈને રાજકોટ તાલુકાના ત્રંબા-વડાળી રોડ પરનો મેજરબ્રીજના બાંધકામ માટે રૂ.6.00 કરોડ તેમજ કોટડા સાંગાણી તાલુકાના 1) શાપર વેરાવળ પડવલા રોડ પરના 2-બ્રીજના બાંધકામ માટે રૂ.2.40 કરોડ 2) એસ.એચ. ટુ રામોદ મોટા માંડવા રોડ પરના 3-માઇનોર બ્રીજના બાંધકામ માટે રૂ.6.50 કરોડ 3) ભાડવા દેવાળીયા પાંચતલાવડા જુના રાજપીપળા રોડ પરના માઈનોર બ્રીજના બાંધકામ માટે રૂ.2.00 કરોડ 4) કરમાળ પીપળીયા બગદડીયા દેવરીયા રોડ પરના માઈનોર બ્રીજના બાંધકામ માટે રૂ.2.00 કરોડ એમ મળી કુલ 8-બ્રીજના બાંધકામ માટે રૂ.18.90 કરોડની સૈધાતિંક મંજુરી આપવામાં આવી છે. ઉકત મંજુરી મળતા મંત્રી ભાનુબેન બાબરીયા સર્વે રાજકોટની શહેરની જનતા વતી મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો