ખાસ-ખબર સંવાદદાતા
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મોડી રાત્રે ભીષણ આગ લાગી ગઈ હતી. આ આગમાં 4 સગી બહેનોના સળગી જવાથી મોત થઈ ગયા હતા. બીજી તરફ આ દુર્ઘટનામાં અડધા ડઝનથી વધુ લોકો દાઝી ગયા હતા. ઘટના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના રામદયાલુની છે. ત્યાં સોમવારે મોડી રાત્રે ત્રણ ઘરોમાં ભીષણ આગ લાગી ગઈ હતી. ઘટના સમયે તમામ લોકો સૂઈ રહ્યા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મોડી રાત્રે એક ઘરમાં આગ લાગી ગઈ હતી અને સૂતેલા લોકોને તેની જાણ ન થઈ. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સુપ્તવસ્થામાં 4 સગીર બહેનોના મોત થઈ ગયા. ચારેય એક જ રૂમમાં સૂતા હતા. બીજી તરફ આજુ-બાજુના રૂમમાં સૂઈ રહેલા અડધા ડઝનથી વધુ લોકો દાઝી ગયા હતા. આ ઘટનામાં મૃતકોમાં નરેશ રામની ચાર પુત્રીઓ સોની (12), શિવાની (આઠ), અમૃતા (પાંચ) અને રીટા (ત્રણ) સામેલ છે. નરેશ રામ બીજા રાજ્યમાં રહે છે અને મજૂરી કામ કરે છે. તેમને ઘરમાં પત્ની, પાંચ દીકરીઓ અને એક નાનો દીકરો હતો. ઘટના સમયે મહિલા તેના નાના પુત્ર સાથે ઘરની બહાર સૂતી હતી.
મુઝફ્ફરપુર: 3 ઘરમાં ભીષણ આગ, 4 સગી બહેન જીવતી ભૂંજાઈ
