સૌથી વધુ મહિલાઓને રોજગારી આપતા ઉદ્યોગના કાંટા ધીમા પડ્યા
આ સીઝનમાં ઘરાકી ન નીકળતાં ઉદ્યોગકારોને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરની ઓળખ ઘડિયાળ નગરી તરીકે વર્ષોથી થતી આવી છે. છેલ્લા પાંચ દાયકા કરતા પણ વધારે સમયથી મોરબીમાં ઘડિયાળનું ઉત્પાદન કરતો આ ઉદ્યોગ હાલ ભયંકર મંદીનાં ખપ્પરમાં હોમાઈ રહ્યો છે. નોટબંધી, જીએસટી, કોરોના સહિતની અનેક આફતો બાદ આ ઉદ્યોગને તેની ગંભીર અસર પહોંચી છે. દરેક આફતમાં ઉદ્યોગકારો એવું વિચારીને નુકશાન સહન કરે છે કે આ વર્ષ નબળું છે, આવતું વર્ષ સારું જશે પરંતુ દર વર્ષે સ્થિતિ કથળતી જઈ રહી છે. આ વર્ષે સ્થિતિ એટલી હદે ખરાબ થઇ ચૂકી છે કે આ ઉદ્યોગ માટે સૌથી સારી સીઝન તરીકે ગણવામાં આવતા તહેવારો જન્માષ્ટમીથી દિવાળી સુધીના સમયમાં પણ હાલ ડીમાન્ડ તળીયે છે અને દર વર્ષની લગ્નની સીઝનો કરતા આ સીઝનમાં ડિમાન્ડ 60 ટકા જેટલી ઘટી ગઈ છે જેના કારણે ઉદ્યોગકારો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. મોરબીના ઉદ્યોગકારોના મતે જન્માષ્ટમીથી દિવાળી સુધી તેમના ઉદ્યોગમાં સૌથી વધુ ડીમાન્ડ રહેતી હતી. ભૂતકાળમાં એવા દિવસો હતા કે, સપ્તાહના તમામ દિવસ કામ કરવા છતા સમયસર ઓર્ડર પુરા થઇ શકતા ન હતા અને કારીગરોને રાત્રે બોલાવવા પડતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ડીમાન્ડ પ્રતિ વર્ષ ઘટી રહી છે. હવે સ્થિતિ એવી છે કે, તેઓને એક્સ્ટ્રા ઓર્ડર તો દૂર રેગ્યુલર ડિમાન્ડ પણ રહી નથી અને સપ્તાહમાં 2 થી 3 દિવસ નાછૂટકે ઉદ્યોગ બંધ રાખવો પડી રહ્યો છે. દીવાળી બાદ લગ્ન કે શુભ પ્રસંગે ભેટમાં આપવા માટે ઘડિયાળ લોકો ખરીદતા થાય અને ઘરાકી નિકળે તેવી આશા ઉદ્યોગકારો સેવી રહ્યા છે.
દિવાળીની સીઝનમાં રિકવરીની આશા: એસોસિએશન પ્રમુખ
ઘડિયાળ અને ગિફ્ટ આર્ટીકલનો ઉદ્યોગ લગ્નની સીઝન વખતે સારો ખીલે છે. લગ્નની સિઝન જેટલી લાંબી ચાલે તેટલી ડિમાન્ડ વધુ નીકળતી હોય છે પરંતુ લગ્નની આ સીઝનમાં ડિમાન્ડ 60 ટકા જેટલી ઘટી ગઈ છે ત્યારે હવે દિવાળીની સીઝનમાં રિકવરીની આશા ઉદ્યોગકારોમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત હાલ દરેક સેક્ટરમાં ઓછા વધતા પ્રમાણમાં મંદી હોવાથી વેપારીઓ પણ હાલ નવા ઓર્ડર આપવામાં ખચકાઈ રહ્યા છે. આ બંને કારણસર નવી ડિમાન્ડ ન હોવાથી ઉદ્યોગને અસર પહોંચી છે તેમ કલોક એન્ડ ગિફ્ટ આર્ટીકલ મેન્યુફેક્ચરિંગ એસોશિએશનના પ્રમુખ શશાંકભાઈ દંગીએ જણાવ્યું હતું.