પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ મનુ ભાકર આજે દિલ્હી આવી ત્યારે એરપોર્ટ પર તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપ જીતીને આવી ત્યારે જેવો માહોલ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, એવો જ માહોલ મનુ ભાકર દેશ પરત આવી તો જોવા મળ્યો છે. જુઓ વીડિયો.
ભારતની ડબલ મેડલ વિજેતા શૂટર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યા બાદ આજે 7 ઓગસ્ટના રોજ સ્વદેશ પરત ફરી છે. તે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ટર્મિનલ 3ના વીઆઈપી ગેટથી બહાર આવ્યા બાદ તેનું ઉષ્માભર્યું સ્વાગત થયું. આ દરમિયાન તેના કોચ જસપાલ રાણા પણ તેની સાથે જોવા મળ્યા. ચાહકોએ બંનેને ફૂલોના હાર પહેરાવ્યા.
- Advertisement -
દરમિયાન લોકોએ મનુના સ્વાગત માટે નારેબાજી પણ કરી. ઢોલ-નગારાના તાલે લોકો મનુ ભાકરના મેડલ જીતવાની ઉજવણી કરતા જોવા મળ્યા. આ દરમિયાન મનુએ પેરિસ ઓલિમ્પિકમાં જીતેલા બંને બ્રોન્ઝ મેડલ પણ મીડિયાને બતાવ્યા. દેશમાં કદાચ આવું દ્રશ્ય ક્રિકેટ સિવાય ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે મનુ ભાકર મેડલ જીતીને દેશ પરત ફરી ત્યારે એવું જ દ્રશ્ય જોવા મળ્યું, જેવું ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપ જીતીને આવી ત્યારે જોવા મળ્યું હતું.
રવિવારે ઓલિમ્પિક ગેમ્સના સમાપન સમારોહમાં ભાગ લેવા મનુ ભાકર આ અઠવાડિયે પેરિસ પાછી જશે. મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક 2024ના સમાપન સમારોહ દરમિયાન ભારતની ધ્વજવાહક હશે. 22 વર્ષની મનુએ ઓલિમ્પિક શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે.
મનુએ પેરિસમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. આ પછી તેણે સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તે ત્રણ ઓલિમ્પિક મેડલ જીતનારી એકમાત્ર ભારતીય બનીને ઇતિહાસ રચવાની અણી પર હતી, પરંતુ મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ખૂબ જ ઓછા અંતરથી ચૂકી ગઈ.