392 ટુ વ્હિલરના વીમા કંપનીના ખોટા બિલ બનાવી પૈસા ઉઘરાવી લીધાની ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના કુવાડવા રોડ પર રણછોડનગરમાં આવેલા ટુ વ્હિલરના સર્વિસ સ્ટેશનમાં નોકરી કરતાં શખ્સે વીમા કંપનીના ખોટા બિલ બનાવી રૂ.9.26 લાખની ઉચાપત કરી હતી ભાંડો ફૂટતાં કર્મચારી ભૂગર્ભમાં ઉતરી જતાં વાવડીમાં રહેતા અને નાનામવા સર્કલ પાસેના આન ગ્રૂપની હેડ ઓફિસમાં ફરજ બજાવતા શાહનવાઝભાઇ હારૂનભાઇ શમા ઉ.38એ ઉચાપત અંગે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સતિષ દીપક મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની કંપની દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું જેમાં કર્મચારી સતિષ મકવાણાએ ઉચાપત કર્યાનું સ્પષ્ટ થયું હતું. તેમના સર્વિસ સ્ટેશનમાં આવતા ટુ વ્હિલર વાહનોના એક્સિડૅન્ટલ ક્લેમ કે રિપેરિંગ મુજબ જોબર કાર્ડ બનાવી વીમા કંપની પાસેથી એપ્રુઅલ મેળવી વાહનોનું રિપેરિંગ કરી બિલ બનાવી વીમા કંપની પાસેથી રકમ ઉપરાંત વધારાની રકમ ગ્રાહક પાસેથી મેળવવાની હોય છે ઓડિટ દરમિયાન જાણવા મળ્યું હતું કે, 392 ટુ વ્હિલરના બિલના હિસાબમાં ગફલા કરવામાં આવ્યા હતા. કર્મચારી સતિસ મકવાણાએ વીમા કંપનીના ખોટા બિલ બનાવી તેમજ ગ્રાહકો પાસેથી નાણાં ઉઘરાવી તે રકમ કંપનીમાં જમા કરાવી નહોતી અને કુલ રૂ.9.26 લાખની ઉચાપત કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.