જો ભાજપ ઉમેદવાર બદલે તો અમારા દિલમાં પણ કમળ, રાષ્ટ્રને આ ડાઘવાળું કમળ અર્પણ નહીં કરીએ
જૂનાગઠ બેઠક પર અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવવા માગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.03
ગીર સોમનાથના વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે તે જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમાને ભાજપ દ્વારા ફરી રિપીટ કરાતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. ગત રાત્રિના લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી સમાજની આક્રોશ સાથે બેઠક યોજાઇ હતી. તો સામે સમાજની બેઠકના બે કલાક પૂર્વે સ્વ.ડો.ચગના પુત્ર હિતાર્થે પત્રકાર પરિષદ યોજીને સુખદ સમાધાન થયાનો ખુલાસો કર્યો હતો. તેમજ ચૂંટણી સમયે ડો.ચગના નામનો ઉપયોગ કરી કોઈ મિટિંગ કે સંમેલન ન કરવા પણ અપીલ કરી હતી. જેથી લોહાણા સમાજ વધુ લાલઘૂમ બન્યો છે.
આ બેઠકમાં લોહાણ સમાજે કહ્યું હતું કે જો ભાજપ ઉમેદવાર બદલે તો અમારા દિલમાં પણ કમળ જ છે. રાજેશ ચૂડાસમાની ઉપર ડો.ચગના આપઘાતનો ડાઘ લાગેલો છે અને અમે રાષ્ટ્રને આ ડાઘવાળું કમળ અર્પણ નહીં કરીએ. રઘુવંશી લોહાણા સમાજની માત્ર એક જ માગ છે કે રાજેશ ચુડાસમાની ટિકિટ રદ કરવામાં આવે. આમ છતાં જો ભાજપ તેમને જ લડાવશે તો કારમો પરાજય આપવા માટે સમાજની મિટિંગમાં આગેવાન સહિત ઉપસ્થિત લોકોએ રણ ટંકાર કર્યો હતો. ત્યારે હવે જોવાનું રહ્યું કે જૂનાગઢ બેઠક પર ભાજપ ઉમેદવાર બદલે છે કે પછી રાજેશ ચુડાસમાને જ ચૂંટણી લડાવશે.
- Advertisement -
રાજકોટ બાદ ગીર-સોમનાથ જિલ્લામાં પણ ભાજપના ઉમેદવાર સામે આક્રોશ ભભૂકી ઊઠ્યો છે. વેરાવળના જાણીતા તબીબ ડો.અતુલ ચગ આપઘાત કેસમાં જેમના પર આરોપ લાગ્યો એવા રાજેશ ચુડાસમાને ભાજપે લોકસભાની જૂનાગઢ-ગીર સોમનાથની બેઠક ઉપર ચૂંટણી લડવા માટે ટિકિટ ફાળવતા રઘુવંશી સમાજમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો છે.
જાણીતા સેવાભાવી તબીબને આપઘાત માટે મજબૂર કરનાર અને ડો.ચગની સુસાઈડ નોટમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનું નામ છે, જેથી તેના બદલે અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવવા રઘુવંશી સમાજની માગ ઊઠી છે. આ ગુનાની ઋઈંછમાં સાંસદ રાજેશ ચુડાસમાનું નામ છે. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે છતાં પાર્ટી દ્વારા તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત ગુજરાતના 30 લાખથી વધુ રઘુવંશી પરિવારોને ઊંડો આઘાત લાગ્યો હોવાનું રઘુવંશી અગ્રણી રાકેશ દેવાણી સહિતના આગેવાનોએ સૂર વ્યક્ત કર્યો હતો.