સરકારી શાળાનું સંચાલન જે.એચ.પી. એજ્યુકેશન ફાઉન્ડેશનને આપ્યું છે અને બોર્ડ ગેલેક્સી એજ્યુકેશન સિસ્ટમ, એસએનકે ગ્રુપના મારેલા છે!
પંડિત-પરમારે કિરણ પટેલની સંસ્થા સાથે સમજૂતી કરાર રિન્યુ કર્યા છે કે નહીં તે પણ કોઈ જાણતું નથી
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક પછી એક સરકારી શાળાનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓને ખાનગી સંસ્થાઓ સાથે એમઓયુ કરી સોંપી દેવામાં આવી રહી છે. હાલમાં આવી કેટલીક શાળાઓ વિવાદમાં આવી છે ત્યારે વધુ એક સરકારી શાળા ખાનગી સંસ્થાને સોંપવા અંગે અને સમજૂતી કરાર બાદ પણ ખાનગી સંસ્થા સરકારી શાળા સંચાલન કરતી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે જે પાછળ શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારીની મેલીમુરાદ જણાઈ આવે છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 18/03/2016ના રોજ એક સમજૂતી કરાર કરી સાધુ વાસવાણી રોડ પાસે આવેલી રવીન્દ્રનાથ ટાગોર શાળા નંબર. 64-બી જે.એચ.પી. એજ્યુકેશન ફાઉન્ડેશનને પાંચ વર્ષ માટે સોંપી દેવામાં આવી હતી. પાંચ વર્ષ બાદ આ સમજૂતી કરાર પૂર્ણ થયા બાદ હજુ પણ અહીં જે.એચ.પી. એજ્યુકેશન ફાઉન્ડેશન શાળાનું સંચાલન કરી રહ્યુ છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે.એચ.પી એજ્યુકેશન ફાઉન્ડેશન સાથે પાંચ વર્ષ માટે થયેલો સમજૂતી કરાર વર્તમાન ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમાર દ્વારા રિન્યુ કરવામાં આવ્યો નથી કે સમિતિના સભ્યો તથા શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓને આ અંગે જાણ કરી કરવામાં આવી નથી એ અંગે અસ્પષ્ટતા છે. મનસ્વી રીતે અતુલ પંડિત અને કિરીટ પરમારે કિરણ પટેલની ધી ગેલેક્સી એજ્યુકેશન સિસ્ટમ અંતર્ગત આવેલી ખાનગી સંસ્થા જે.એચ.પી. ફાઉન્ડેશનને શાળા નંબર 64-બીમાં શાળા સંચાલન સોંપી દીધું છે. આ અંગે શિક્ષણ સમિતિ સાથે કે આ શાળાઓ સાથે સંકળાયેલા કોઈને જાણ કરવામાં આવી નથી ઉપરાંત અંદરખાને શું રંધાયું છે તે પણ પંડિત અને પરમાર જ જાણે છે.
પંડિત અને પરમાર શિક્ષણ સમિતિની શાળાઓનું ખાનગીકરણ કરવા મેદાને
શિક્ષણ સમિતિના ચેરમેન પંડિત અને શાસનાધિકારી પરમાર કોર્પોરેશન અંતર્ગત આવેલી સરકારી પ્રાથમિક શાળાઓનું ખાનગીકરણ કરવા મેદાને પડ્યા છે. શહેરના હાર્દસમા વિસ્તારોમાં મોકાની જગ્યાઓ પર આવેલી સરકારી શાળાઓનું સુકાન ખાનગી સંસ્થાઓને સોંપી પંડિત અને પરમાર પોતાના ખીસ્સાઓ ભરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શિક્ષણ સમિતિના ઓઠા હેઠળ અતુલ પંડિત અને કિરીટ પરમાર એમઓયુ કરી સરકારી જમીન અને મિલ્કતો ખાનગી સંસ્થાઓને મનફાવે તેમ સોંપી રહ્યા છે. ખાનગી સંસ્થાઓ પણ આ જગ્યાઓ પર શિક્ષણની ઓછી અને વ્યવસાયલક્ષી પ્રવૃતિઓ વધુ કરે છે તેમજ ધીમેધીમે પોતાનો કાયમી કબજો જમાવતી જાય છે.
કિરણ પટેલને સરકારી શાળાનું સૂકાન શા કારણે સોંપાયું?
સાધુ વાસવાણી રોડ પર આવેલી શાળા નં. 64-બી રવીન્દ્રનાથ ટાગોર શાળાનું સૂકાન કિરણ પટેલની ધી ગેલેક્સી એજ્યુકેશન સિસ્ટમ હેઠળ આવેલા એસએનકે ગ્રુપની જે.એચ.પી. ફાઉન્ડેશનને ક્યાં કારણોસર સોંપાયું છે તેની ચર્ચા શિક્ષણજગતમાં ચાલી રહી છે. કિરણ પટેલ અને તેની શૈક્ષણિક સંસ્થા જો શિક્ષણની સેવાના હેતુસર કંઈક કરવા ઈચ્છે છે તો તેઓ પોતાની જ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણની સેવા કરી શકે છે. નવી શાળાઓ પણ બનાવી કરી શકે છે અને મફતમાં શિક્ષણ પણ આપી શકે છે. સરકારી શાળાઓનું સંચાલન હાથમાં લેવાની તેમને શું જરૂર પડી? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરોડપતિઓની સંસ્થાઓને અબજોની સરકારી શાળાઓનું સંચાલન સોંપી સરકારી માલ-મિલ્કતનો માત્રને માત્ર દુરુપયોગ જ કરવામાં આવી રહ્યો છે.