લોકઅપમાં આરોપીઓનાં મૃત્યુનાં કિસ્સાઓ ઓછા પડતા હોઈ તેમ વૃદ્ધને ફટકાર્યા: આ પુર્વે પણ પિઆઈ દ્વારા મહિલા સહિત અન્ય આરોપીઓને માર મારવાની સુત્રોની માહિતી

શહેરમાં લેઉવા પટેલ સમાજ પાસે આવેલા જીતેન્દ્રભાઈ મગનભાઈ રામાણીના મકાનમાં ગઈકાલે સોમવારે રૂરલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો. આ મકાનમાં 6 શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. ક્રાઈમ બ્રાન્ચે તમામ 6 જુગારીઓ અને 1 લાખ 38 હજાર રોકડા કબ્જે કરી જેતપુર પોલીસને સોંપ્યા હતા. જેમાં લલિત અઢીયા (ઉં.વ.70)ને જેતપુર પોલીસે 50થી 60 પટ્ટાના ફટકા માર્યા હોવાનો આક્ષેપ પુત્રએ કર્યો છે. આરોપી લલિત અઢીયાને સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આરોપીના પુત્ર દિપેશ અઢીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે મારા પિતા અને તેમના મિત્રો સાથે જેતપુરમાં જુગાર રમતા હતા ત્યારે રાજકોટ LCBએ તમામની ધરપકડ કરી હતી. બાદમાં તમામને જેતપુર પોલીસને સોંપી દીધા હતા. જેતપુર પોલીસ સ્ટેશનના PI કરમુરે કહ્યું હતું કે, આ લોકોને મારવાના છે છોડવાના નથી. અત્યારે છૂટવું હોય તો પૈસાનો વહીવટ કરવો પડશે અને મારવાની બીકમાંને બીકમાં છૂટવા માટે આ લોકોએ 2 લાખ 80 હજાર આપ્યા હતા. બાદમાં છૂટ્યા પછી પણ 3 લાખ પહોંચાડવાની બીકમાંને બીકમાં મારા પિતાને બ્લડ પ્રેશર વધી ગયું હતું.

પીઆઈ કરમુર (જેતપુર શહેર પોલીસ)

દીપેશ અઢીયાએ વધુમાં જણાવ્યું હતું કે, મને પોલીસ સ્ટેશન બોલાવી મને કહેવામાં આવ્યું કે, તારા પપ્પાને મેડિકલમાંથી બ્લડ પ્રેશરની દવા લઈ આવી દે. પરંતુ રાતના મોડુ થતા એક પણ મેડિકલ ખુલ્લું નહોતું અને પોલીસ સ્ટેશન ગયો અને કહ્યું તો પોલીસે કહ્યું સિવિલ હોસ્પિટલથી દવા લેતો આવ. એટલે હું સિવિલ હોસ્પિટલે ગયો પરંતુ ત્યાં કહેવામાં આવ્યું કે અમે દર્દીને તપાસ્યા વગર દવા આપીએ નહીં. બાદમાં પોસીસ સ્ટેશને કહેવામાં આવ્યું કે સાહેબ આવે પછી તમારા પિતાને સિવિલ લઈ જજો. PI કરમુર આવ્યા અને કહ્યું કે કોને સિવિલ જવું છે તેની દવા મારી પાસે છે એમ કહીને બેલ્ટ કાઢી મારા પપ્પાને 50થી 60 ફટકા માર્યા હતા. તેમજ પપ્પાને પેટના ભાગે પાટા પણ માર્યા હતા. આથી મારા પપ્પાના કાનમાંથી લોહી નીકળવા માંડતા આજે ગોંડલ સારવાર માટે ખસેડાયા છે.

ગોંડલ સારવારમાં રહેલા લલિતભાઈ અઢીયાએ જણાવ્યું હતું કે, મારા કાન પર 30 જેટલા બેલ્ટના ફટકા માર્યા છે. PIના પિતાની ઉંમર જેટલી મારી ઉંમર છે. મને એક કાનમાં પણ સંભળાતુ નથી. મેગવ્હિલ એક હાથમાં મારતા ફ્રેક્ચર થઈ ગયું છે. બીજો ઘા મારા પેટના ભાગે માર્યો છે. સાથળ અને પીઠના ભાગે પણ મને બહુ માર્યુ છે. આના કરતા તો રાક્ષસ પણ સારો હોય. અમે ત્રણ લાખ આપવાની ના પાડતા ઢોર મારવાનું ચાલુ કર્યુ હતું. માર મારતા હું બેભાન થઈ ગયો હતો.