• નિલેશ દવે

હિન્દી ફિલ્મના કે બીજી કોઈ પણ ભાષાની ફિલ્મના કલાકારો જ્યારે રાજકારણી બને ત્યારે સંસદને પણ ફિલ્મનો સેટ માની લેતા હોય છે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના શ્રીમતી અને એક જમાનાના અભિનેત્રી હાલના રાજ્યસભામાં સમાજવાદી પક્ષનાં સાંસદ જયા બચ્ચનને પણ આ વાત લાગુ પડે છે. સંસદમાં આમ તો કંગનાની કે રવિકિશન યા સુશાંત કે રિયા ચક્રવર્તીની વાત થાય એવી કોઈ જરૂરિયાત જ નથી. આ મુદ્દો રાષ્ટ્રીય મુદ્દો નથી. દરેક જણ પોતપોતાના સ્કોર સેટલ કરી રહ્યું છે. જેમને કામ નથી મળી રહ્યું એ બળાપો કાઢી રહ્યા છે, બોલીવૂડ પહેલેથી જ કૂખ્યાત છે. અહીં ડ્રગ્સ લઈને કામ કરતા કલાકારો છે તો બીજી તરફ અક્ષયકુમાર, વિદ્યુત જામવાલ જેવા કલાકારો પણ છે જે પોતાની ફિટનેસ અને કાર્યપ્રણાલી માટે પ્રખ્યાત છે. જયાના નિવેદનને કારણે બોલીવૂડમાં બે ભાગ પડી ગયા છે એ વાત સાચી છે, પરંતુ આમેય બોલીવૂડ તો પહેલેથી જ કેટલાક કેમ્પ વચ્ચે વહેંચાયેલું છે. આ કોઈ નવી વાત નથી. લેટ નાઈટ પાર્ટી, ડ્રગ્સ, એક્સ્ટ્રા મેરિટલ અફેર, પ્રેમ, લગ્ન છૂટાછેડા, પાછા લગ્ન-પાછા છૂટાછેડા જેવી ગ્લેમરસ બાબતોને કારણે જ તો બોલીવૂડ ચર્ચામાં રહે છે.
જયા ભાદુરી બચ્ચને સંસદમાં બોલીવૂડની ગરિમા વિશે વાત કરવી પડે એવી કોઈ તાતી જરૂરિયાત હતી જ નહીં. નાહકના આ વિવાદમાં કૂદીને જયાએ પોતાની અણઆવડત છતી કરી છે, કેમ કે જો બોલીવૂડને કોઈએ ગટર કહી હોય અને તમારી લાગણી દુભાઈ હોય તો 1990ની આસપાસના એ સમયમાં જ્યારે શારજાહમાં અંડરવર્લ્ડ ડોનના ઈશારે ઠુમકા લેતાં બોલીવૂડના હીરો-હિરોઈનોને તમે કેમ કંઈ કહ્યું નહીં? ત્યારે બોલીવૂડની શાખ દાવ પર નહોતી લાગી બેન? અરે એ છોડો, જેમને કારણે તમારા પુત્ર અભિષેક બચ્ચનને કામ મળી રહ્યું છે તેવા સલમાન ખાન કે સંજય દત્તની વાતો યાદ છે? હરણનો શિકાર, મુંબઈમાં ફૂટપાથ પર કાર અકસ્માત, (જોકે સલમાન તો પાછળથી નિર્દોષ(?) સાબિત થઈ ગયો છે), 1993ના બોમ્બ બ્લાસ્ટના આરોપી સંજય દત્તને તમે કઈ કેટેગરીમાં મૂકશો? શું એણે પણ જે થાળીમાં ખાધું ત્યાં જ છેદ નથી કર્યો? દિવ્યાભારતી જેવી ટેલેન્ટેડ હિરોઈને શા માટે આત્મહત્યા કરી? અને આ આત્મહત્યાની સરખી તપાસ પણ ન થઈ ત્યારે તમને ન સૂઝયું કે આમાં બોલીવૂડ બદનામ થશે. અરે આ બધી તો જૂની વાત થઈ, હમણા થોડા સમય પહેલાં જ અભિનેતા આમિરખાનની પત્નીને ભારતમાં ડર લાગતો હતો, જ્યારે કટ્ટરવાદ માટે જાણીતા ટર્કીમાં આમિરને કોઈ જ ડર ના લાગ્યો તો એ ઘટનાને શું કહેશો તમે? આ બધાની વાત જવાદો જયાબહેન, જે અમરસિંહે તમારા પતિનો હાથ પકડ્યો, તમારા પરિવારના ખરાબ સમયે જે તમારી સાથે ઊભો રહ્યો, જેણે તમને સાંસદ બનાવ્યા એ અમરસિંહ સાથે તમે જે કર્યુંને એ કહેવાય જીસ થાલીમાં ખાય ઉસીમેં છેદ કીયા.
બોલીવૂડ જે રીતે બદનામ છે એ જ રીતે પ્રખ્યાત પણ છે. આ જ બોલીવૂડમાં અનેક ઉમદા લોકો આવ્યા છે. કેટલાય લોકોને ધર્મ-ભાષાના ભેદભાવ વગર બોલીવૂડે અપનાવ્યા છે, કામ, નામ અને દામ આપ્યા છે, પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે આ જ બોલીવૂડમાં એક સાંકડી ગલી નાનકડી ગટર જ છે. આ એ ગટર છે જે જરૂર પડે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. પોતાના ફાયદા માટે બીજાનું નુકસાન કરી શકે તેમ છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે તમે સત્તા પર છો તો બોલીવૂડને ગટર કહેનારા લોકોને કારણે તમને દુખ થાય છે, તમે પણ તમારી રાજકારણની રોટલી શેકવા આ બોલીવૂડનો જ ઉપયોગ કરો છો.
રવિકિશન કે કંગના રાણાવતે કંઈ ખોટું નથી કહ્યું. કોઈ પણ વ્યવસાયમાં રહેલી બદી તરફ ધ્યાન દોરવું એ કંઈ ખોટી વાત નથી. જો પત્રકાર જગતમાં આટલાં વર્ષ કાઢ્યાં પછી ક્યાંક કોઈક મિડિયા વેચાયેલું હોય તો તે વિશે વાત કરવી તે કંઈ ખોટું નથી જ. એમ તો ડોકટરો અને શિક્ષકોને આપણે ભગવાન માનીએ છીએ, તેમ છતાં આ વ્યવસાયમાં પણ જો કંઈ ખોટું થઈ રહ્યું હોય તો તેમની ટીકા થાય જ છે અને એ વાજબી જ છે. કોઈ વ્યવસાયે તમને નામ, દામ અને કામ આપ્યું હોય, તમને કોઈ પદ પર પહોંચાડ્યા હોય અને એ વ્યવસાયમાં કેટલાક લોકો લાકડામાં લાગેલી ઉધઈની જે સમગ્ર વ્યવસાયને ખતમ કરી નાખવાના હોય તો તેની ટીકા પણ ન કરી શકાય એ ક્યાંનો ન્યાય. બોલીવૂડની ચર્ચાના આ તારને નાહક અડકીને તમે એવી ભૂલ કરી છે કે જો કરંટ લાગશે તો સીધા ભોંય પર થશો.