રણોત્સવ, પતંગ મહોત્સવ, સાપુતારા મેઘ મલ્હાર, તરણેતરના મેળાનું મોટું આકર્ષણ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાતમાં વાયબ્રન્ટ નવરાત્રી, ધોરડો રણોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, સાપુતારા મેઘ મલ્હાર, તરણેત્તર મેળો, માધવપુર મેળો, કાંકરિયા કાર્નિવલ જેવા અનેક ઉત્સવો તેમજ સોમનાથ, દ્વારકા, અંબાજી, સૂર્યમંદિર મોઢેરા, રાણીની વાવ, હેરીટેજ સિટી અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ સહિત વિવિધ પ્રવાસન સ્થળો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ 2023માં 17.26 કરોડથી વધુ તેમજ વર્ષ 2024માં 18.62 કરોડ એમ છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે 35.89 કરોડથી વધુ પ્રવાસીઓ સહભાગી થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ગુજરાતમાં પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસની સાથે ઉત્સવોને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં મુખ્યત્વે સૌથી વધુ વાઈબ્રેન્ટ નવરાત્રી મહોત્સવમાં 23.12 લાખ જેટલા પર્યટકો નોંધાયા છે.
જ્યારે કચ્છમાં યોજાતા ધોરડો રણોત્સવમાં વર્ષ 2023-24માં 7.42 લાખ અને વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં 7.52 લાખ એમ કુલ મળીને 14.94 લાખ જેટલા પર્યટકો નોંધાયા છે.
આ ઉપરાંત, છેલ્લા બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં 9.29 લાખ, સાપુતારા મેઘ મલ્હાર ફેસ્ટીવલમાં 05 લાખ જેટલા તેમજ તરણેત્તર મેળામાં 04 લાખથી વધુ પ્રવાસીઓ- નાગરિકોએ મુલાકાત લીધી છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2005માં ફક્ત ત્રણ દિવસના આયોજન સાથે કચ્છના રણમાં ધોરડો ખાતે ‘રણોત્સવ’ની શરૂઆત કરાવી હતી જે આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. એક સમયે જે રણની ઓળખ ઉજ્જડ જમીન તરીકેની હતી, તે સ્થળે આજે રણોત્સવ ઉજવાય છે.
આ વર્ષે આયોજિત પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજયોમાંથી 47 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો. જ્યારે ગુજરાતના 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો એમ કુલ 607 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો.