9 જૂના પોર્ટલનો નવો અવતાર આગામી 6-9 મહિનામાં લૉન્ચ થશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી , તા.24
- Advertisement -
કેન્દ્ર સરકારે 9 વર્ષ જૂના નેશનલ કરિયર સર્વિસ (એનસીએસ) પોર્ટલને અપગ્રેડ કરવાની યોજના બનાવી છે. તેનો ઉદ્દેશ્ય લાખો યુવાનો અને નોકરીદાતાઓને એક પ્લેટફોર્મ પર લાવવાનો અને ભવિષ્યની વર્કફોર્સ તૈયાર કરવાનો છે. એનસીએસ 2.0ના અપગ્રેડેશન પર કામ કરી રહેલા શ્રમ અને રોજગાર મંત્રાલય પોર્ટલને વધુ અસરકારક બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને મશીન લર્નિંગની મદદ લેશે. એનસીએસ 2.0 પોર્ટલ લોન્ચ કરવામાં અંદાજે 6થી 9 મહિના લાગી શકે છે.
નવા વર્ઝનમાં રાજ્યો તથા જિલ્લાની માઇક્રો સાઇટ હશે. જિલ્લા, રાજ્ય અને દેશના સેન્ટ્રલાઇઝ્ડ આંકડા એક જ પોર્ટલ પર મળશે. ટીમલીઝ સર્વિસિસના કો-ફાઉન્ડર રિતુપર્ણા ચક્રવર્તીએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે બદલાતા સમય અને એઆઇ તથા મશીન લર્નિંગ જેવી ટેકનોલોજી આવવાથી પોર્ટલે પોતાની ઓળખ ગુમાવી હતી. અપગ્રેડ થવામાં તથા એઆઇ અને મશીન લર્નિંગનો ઉપયોગ કૌશલ્યની માગ અનુસાર સ્થાનિક નોકરીઓની જાણકારી સરળતાથી ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે 2023-24માં એનસીએ દ્વારા 1 કરોડથી વધારે ખાલી જગ્યાઓ ભરવામાં આવી. જે અગાઉના નાણાવર્ષ (35 લાખ) કરતા 3 ગણી વધારે છે. 2024ના નાણાવર્ષમાં આ પોર્ટલ પર 25થી 26 લાખ નોકરીદાતા મોજુદ છે.
NCS 50થી વધુ પોર્ટલ સાથે સંકળાયેલું છે
એનસીએસ નોકરીવાંચ્છુઓ, નોકરીદાતાઓ, કરિયર કાઉન્સિલર, પ્લેસમેન્ટ સંગઠન, સરકારી વિભાગોને એક ડિજિટલ પ્લેટફોર્મ પર લાવશે. હાલ એનસીએસ પર 50થી વધારે પોર્ટલ સંકળાયેલા છે. જેમાં એમએસએમઈ માટે ઉદ્યમ પોર્ટલ, ઇપીએફઓ, ઇએસઆઇસી, ઇ-શ્રમ, ટીમલીઝ, મોન્સ્ટર ડોટ કોમ જેવા પોર્ટલની સાથે અન્ય સંસ્થાઓ પણ સામેલ છે.