થાપણ પર નીચા વ્યાજથી મોંઘવારીના સમયમાં વ્યાજ આવક પર નભતા પરિવારોને તકલીફના ઉહાપોહ વચ્ચે હવે 1લી એપ્રિલથી પોસ્ટ ઓફિસોના નિયમોમાં મહત્વના બદલાવ લાગુ થનાર છે જે અંતર્ગત સીનીયર સીટીઝન બચત યોજના, માસિક આવક યોજના તથા ટર્મ ડિપોઝીટ ખાતાઓમાં હવે રોકડ વ્યાજ નહીં મળે. આ વ્યાજની રકમ પોસ્ટ ઓફીસના ગ્રાહકના બચત ખાતામાં જમા થશે અથવા ચેક દ્વારા ચુકવણુ કરવામાં આવશે.પોસ્ટ ઓફિસ દ્વારા પરિપત્ર ઈસ્યુ કરવામાં આવ્યો છે તેમાં ઉક્ત ત્રણ ખાતાઓમાં 1લી એપ્રિલથી થાપણ પરનુ રોકડ વ્યાજ આપવાનું બંધ કરાશે. વ્યાજની રકમ ગ્રાહકના પોસ્ટ ઓફિસ અથવા બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. કોઈ ગ્રાહક ખાતાને લીંક ન કરાવી શકે તો ચેકથી નાણાં આપવામાં આવશે.
પરિપત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, અનેક ગ્રાહકોએ પોતાના સીનીયર સીટીઝન, માસિક આવક યોજના તથા ટર્મ ડિપોઝીટ યોજનામાં માસિક, ત્રિમાસિક કે વાર્ષિક વ્યાજ જમા કરવા માટે ખાતાને લીંક નથી કર્યુ. આ સંજોગોમાં વ્યાજના નાણાં અનપેઈડ રહેશે.


