મોબાઈલ વિક્રેતાઓ બન્યા બેફામ, નફો કમાવવા કરી રહ્યા છે ઈન્ટરનેશનલ ફોનની કાળા બજારી
યાજ્ઞિક રોડ પાસે રંગબેરંગી મોબાઈલની દુકાનોમાં બીલ વગરના મોબાઈલ વેંચી કરોડોની GST ચોરી!
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનું હાર્દ ગણાતા અને મોબાઈલ માર્કેટ તરીકે જાણીતા યાજ્ઞિક રોડ – જાગનાથ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઈન્ટરનેશનલ મોબાઈલ ફોનનું મોટા પાયે ગેરકાયદે વેચાણ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. કેટલાક લેભાગુ મોબાઈલ વિક્રેતાઓ વધુ નફો કમાવવાની લાલચમાં બિન્ધાસ્તપણે ઈન્ટરનેશનલ ફોનનું કાળાબજાર કરી રહ્યા છે, જેના કારણે સરકારને કરોડો રૂપિયાના ૠજઝનું નુકસાન થઈ રહ્યું છે. યાજ્ઞિક રોડ પર આવેલી એક દુકાનમાં ઈન્ટરનેશનલ બ્રાન્ડના મોંઘા દાટ ફોન કોઈપણ પ્રકારના પાકા બિલ વગર વેચવામાં આવી રહ્યા છે. ગ્રાહકોને લલચાવવા માટે બજાર ભાવ કરતા થોડા ઓછા ભાવે ફોન આપીને ૠજઝ ભર્યા વગર સીધું વેચાણ કરવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દર મહિને સેંકડોની સંખ્યામાં આવા ઈન્ટરનેશનલ હેન્ડસેટ ગેરકાયદેસર રીતે વેચાય છે. આનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારની તિજોરીને કરોડો રૂપિયાના ૠજઝનું મોટું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. મોબાઈલ વિક્રેતાઓ ઇમ્પોર્ટેડ ફોન પર ડ્યૂટી બચાવીને અને ગેરકાયદે માર્ગે ફોન મંગાવીને બેફામ નફો રળી રહ્યા છે. આ વિક્રેતાઓ હવે એટલા બેફામ બન્યા છે કે તેઓ કોઈપણ ડર વગર આ કાળાબજાર ચલાવી રહ્યા છે.
બિલ વગરના આ ફોન લેવાથી ગ્રાહકોને વોરંટી કે સર્વિસમાં મુશ્કેલી પડી શકે છે, છતાં પણ સસ્તાની લાલચમાં ગ્રાહકો છેતરાઈ રહ્યા છે. શું જીએસટી વિભાગ અને સ્થાનિક પોલીસ આ કાળાબજારથી અજાણ છે? શહેરના જાગનાથ જેવા વ્યસ્ત વિસ્તારમાં જાહેરમાં ચાલતા આ ગોરખધંધા સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો પ્રશ્ર્ન અત્યારે જાગૃત નાગરિકોમાં ઉઠી રહ્યો છે. આગામી દિવસોમાં જો તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવે તો ઈન્ટરનેશનલ મોબાઈલ વેચનારાના મોટા કૌભાંડ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.



