ગાઝા પટ્ટીના શરણાર્થી કેમ્પમાં જન્મ્યો હતો હનિયાહ
કોણ હતો ઇઝરાયેલનો સૌથી મોટો શત્રુ ઈસ્માઈલ હનિયાહ?
- Advertisement -
સૌજન્ય ઑપ ઈન્ડિયા-ગુજરાતી
આતંકવાદી સંગઠન હમાસનો ટોપ લીડર અને તેની પોલિટિકલ વિંગનો ચીફ ઈસ્માઈલ હનિયાહ ઈરાનના તેહરાનમાં માર્યો ગયો છે. પેલેસ્ટાઇન સ્થિત આતંકી સંગઠન હમાસે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. હમાસે તેની હત્યા પાછળ ઇઝરાયેલનો હાથ હોવાનું જણાવ્યું છે. કારણ કે, ઈસ્માઈલ ઇઝરાયેલનો સૌથી મોટો શત્રુ હતો. જોકે, હજુ સુધી આધિકારિક રીતે ઇઝરાયેલે સ્વીકાર્યું નથી કે, તેણે ઈસ્માઈલ હનિયાહની હત્યા કરી છે. પરંતુ, ઈરાન અને હમાસે ઇઝરાયેલનો હાથ હોવાનો દાવો કર્યો છે. ઈસ્માઈલ હનીફ ઈરાની રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ઈરાનની રાજધાની તેહરાન પહોંચ્યો હતો. તેહરાનમાં તે જે ઘરમાં રોકાયો હતો, તે આખા ઘરને જ વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવ્યું છે. ઈરાનના મતે ઇઝરાયેલી ગુપ્તચર એજન્સી ‘મોસાદે’ હનિયાહની હત્યા કરી છે. જોકે, ઇઝરાયેલી એજન્સીઓ 2023માં થયેલા આતંકી હુમલા બાદથી જ હનિયાહને શોધી રહી હતી.
ઈરાનની રાજધાની તેહરાનમાં આતંકી સંગઠન હમાસના ચીફ ઈસ્માઈલ હનિયાહ અને તેના બોડીગાર્ડની હત્યા કરી નાખવામાં આવી છે. આતંકી ઈસ્માઈલના મોત બાદ મધ્ય-પૂર્વ એશિયામાં ભારે હલચલ મચી છે. જો આ હત્યા ઇઝરાયેલ દ્વારા કરવામાં આવી હોય, તો તેને ઇઝરાયેલની સૌથી મોટી સફળતા ગણવામાં આવી શકે છે. કારણે કે, ઇઝરાયેલી સેના તેને છેલ્લા ઘણા સમયથી શોધી રહી હતી. હનિયાહ પર 7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયેલ પર થયેલા હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ પણ હતો. શરૂઆતથી સમજીએ કે, શરણાર્થી કેમ્પમાં જન્મેલો હનિયાહ આતંકી સંગઠન હમાસનો ચીફ કેવી રીતે બન્યો.
- Advertisement -
ઈસ્માઈલ હનિયાહનો જન્મ વર્ષ 1962માં ગાઝા પટ્ટીના એક શરણાર્થી કેમ્પમાં થયો હતો. તેનું પ્રારંભિક શિક્ષણ સંયુક્ત રાષ્ટ્ર (ઞજ) દ્વારા સંચાલિત શાળામાં થયું હતું. ત્યારબાદ વર્ષ 1981માં તેણે અરબી સાહિત્યનો અભ્યાસ કરવા માટે ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો. આ જ યુનિવર્સિટીમાં હનિયાહે સ્ટુડન્ટ એસોસિયેશનની સ્થાપના કરી હતી, જે મુસ્લિમ બ્રધરહુડ સાથે સંકળાયેલી હતી. ઇઝરાયેલ વિરોધી ગતિવિધિઓના કારણે વર્ષ 1989માં ઇઝરાયેલે હનિયાહની ધરપકડ કરી હતી અને તેને ત્રણ વર્ષ માટે કેદમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને હમાસના કેટલાક નેતાઓ સાથે માર્ઝ-અલ-ઝુહુર નિર્વાસિત કરી દેવામાં આવ્યો હતો. અહીં તે એક વર્ષ માટે રહ્યો હતો અને ત્યારબાદ તે ફરી ગાઝા પરત ફર્યો હતો. યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે, તેવા લોકોમાં સામેલ હતો, જેણે આતંકી સંગઠન હમાસનો પાયો નાખ્યો હતો. એટલે કે, તે હમાસના પાયાનો વ્યક્તિ હતો.
ઈસ્માઈલ હનિયાહને આતંકી સંગઠન હમાસના ટોપ લીડર રહેલા શેખ અહેમદ યાસીનની નજીકનો ચહેરો ગણવામાં આવતો હતો. વર્ષ 1997માં તેને શેખ અહેમદ યાસીનનો પર્સનલ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તે આતંકી સંગઠનમાં સતત આગળ વધતો રહ્યો હતો. ઇઝરાયેલ પર વારંવાર હુમલા કરવાના ષડયંત્રો રચનારો પણ ઈસ્માઈલ હનિયાહ જ હતો. ઈગગના રિપોર્ટ અનુસાર, ઈસ્માઈલ હનિયાહ લાંબા સમયથી ઇઝરાયેલી ગુપ્તચર એજન્સી મોસાદનો ‘પ્રાઇમ ટાર્ગેટ’ હતો. વર્ષ 2003માં મોસાદે ઈસ્માઈલ હનિયાહ અને શેખ અહેમદ યાસીનને મારવા માટેનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ તેમાં ધારી સફળતા મળી શકી નહોતી. પરંતુ તે ઘટનાના થોડા જ મહિનામાં શેખ અહેમદ યાસીનની હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારબાદથી હનિયાહને હમાસનો સુપ્રીમ લીડર જાહેર કરી દેવામાં આવ્યો હતો. યાસીનની હત્યા બાદથી તે ક્યારેક જ સાર્વજનિક રીતે નજરે ચડતો હતો. બાકીનો સમયમાં તે અંડરગ્રાઉન્ડ રહેતો હતો.
ઇસ્લામિક કટ્ટરતાના કારણે તે પેલેસ્ટાઇનમાં ખૂબ લોકપ્રિય બની ગયો હતો. કટ્ટરવાદી અને રૂઢિવાદી મુસ્લિમોએ તેને પોતાનો ‘મસીહા’ ગણ્યો હતો. ધીરે-ધીરે તેણે હમાસમાં પણ પોતાનું કદ વિશાળ કરી દીધું હતું. કટ્ટરપંથી મુસ્લિમોનું તેને ખુલ્લુ સમર્થન હતું. જેના કારણે તે કોઈપણ હુમલા માટે ખચકાતો નહોતો. હમાસમાં પણ યાસીન પછીનો તે સૌથી મોટો લીડર બની ગયો હતો. યાસીનના મોત બાદ હમાસનો તમામ વહીવટ પણ તે પોતે જ સંભાળતો હતો. તે કતરમાં રહીને આતંકી સંગઠન હમાસને ચલાવી રહ્યો હતો.