સૂર્ય ધનુ રાશિમાં, ચંદ્ર વૃષભ રાશિથી કર્ક રાશિ સુધી, બુધ ધનુ રાશિમાં, શુક્ર મકર રાશિમાં, મંગળ વૃષભ રાશિમાં, ગુરુ.. મીન રાશિમાં, શનિ મકર રાશિમાં, રાહુ મેષ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે. ઉપરોક્ત ગોચર સ્થિતિનો સાપ્તાહિક ભવિષ્ય માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.

મેષ (અ, લ, ઈ)
નોકરીના કાર્યક્ષેત્રમાં પદોન્નતિ કે પ્રતિષ્ઠા મળવાની શક્યતા, ધંધાના નવા સાહસો વિચારીને કરવા. નાણાકીય ખર્ચમાં સાવધાની રાખવી અને વાણી પર કાબૂ રાખવો, કોઈ નવી તકનું નિર્માણ થતું જણાય. સામાજિક કાર્યો આગળ વધતા જણાય. તેમ જ તમારા સકારાત્મક દ્રષ્ટિકોણને કારણે ધંધોના કાર્યક્ષેત્રમાં નવો પ્રોજેક્ટ મળી શકે અને આર્થિક પરિસ્થિતિમાં સારો બદલાવ અનુભવાય, સ્થાવર મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય તથા પારિવારિક પ્રશ્નોનું સમાધાન સંભવ બને, નવા આયોજન કરવા માટે એકંદરે સપ્તાહ સારું રહે શાંતિ અને સ્થિરતા આવતી જાય.

વૃષભ (બ, વ, ઉ)
તમારા નોકરી અથવા વ્યાપારના કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવ સંભવ છે જેથી કોઈ ઉતાવળિયું પગલું ભરવું નહિ. જો કે સપ્તાહ દરમિયાન સાંજના સમયે સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, વ્યસ્તતા વધારે જણાય. બીજા પ્રત્યે આદરભાવ રાખવો, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય, પરંતુ નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું, રોજિંદા જીવન કાર્યમાં પરિવર્તન લાવવાની ઇચ્છા થાય સાથી કર્મચારીનો સહયોગ સારો મળી શકે, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે.

મિથુન (ક, છ, ઘ)
કામ પૂર્ણ કરવાના પ્રયાસમાં સફળ થશો. કોઈ મોટો ફાયદો થશે. વિરોધીઓથી સાવધાન રહો. કોઈ અસહાય વ્યક્તિની મદદ કરો. બીજાના ઝઘડામાં ન પડો, નહીંતર તમે ફસાઈ શકો છો. જવાબદારીઓનો બોજ ઉઠાવવો પડશે. તમને સખત મહેનતનો લાભ મળશે. સ્વાસ્થ્યમાં ઉન્નતિ રહેશે. સંબંધીઓ તરફથી અપેક્ષિત સહયોગ મળશે નહીં. પાર્ટી-પિકનિકનો આનંદ માણો. તમારા કામમાં સાવધાની રાખો. સહકર્મીઓનો સહકાર ઓછો રહેશે. માતા તરફથી ચિંતાના સમાચાર મળશે. તમારા નિર્ણયો પણ યોગ્ય રહેશે. મંગળવારે સારા મિત્રો માટે તૈયારી કરો.

કર્ક (ડ,હ)
જો તમે બેંક અથવા આર્થિક ક્ષેત્રમાં કામ કરો છો, તો મંગળવાર નો દિવસ સારા સમાચાર લઈને આવશે. તમે તમારા લક્ષ્યોને પૂર્ણ કરવામાં સફળ થશો. તમારા અધિકારીઓ તમારા કામ પર ચાંપતી નજર રાખી રહ્યા છે, તેથી તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો. તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો. રોકાણ માટેના તમામ વિકલ્પોનું અન્વેષણ કરો. તમે પ્રોપર્ટી અને અન્ય કોઈપણ રોકાણ માટે તમારું મન પહેલેથી જ બનાવી લીધું હતું, પરંતુ અન્ય ઘણા સારા રોકાણ વિકલ્પો જોઈને તમને આશ્ચર્ય થશે.

સિંહ (મ, ટ)
કામની વ્યસ્તતાને કારણે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. જો કે, ગંભીર બીમારીની કોઈ શક્યતા નથી. વિદ્યાર્થીઓ માટે દિવસો સારો છે. અવરોધો દૂર થઈ શકે છે. પરિણામની ચિંતા કર્યા વિના મહેનત કરશો તો ચોક્કસ સફળતા મળશે. તમારા માટે આવકના નવા સ્ત્રોત બનશે. અચાનક પૈસા મળવાની તકો આવશે. મિત્રો અને જીવનસાથીના સહયોગથી માર્ગ સરળ બનશે. આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે. ઓફિસનો તણાવ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો. રવિવારે સુખ શાંતિ. મંગળવારે શેરબજારમાં વિચારી નિર્ણય લેવો. શુક્રવારે સારા સમાચાર મળે.

કન્યા (પ, ઠ, ણ)
આપના કામમાં સહકાર્યકરવર્ગ કે પછી નોકર ચાકરવર્ગનો સહકાર મળી રહે. નોકરી કે ધંધાર્થે બહાર કે બહારગામ જવાનું બને. આપે બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાવધાની રાખવી પડે. તથા પારિવારીક ઉચાટ રહે. આમ છતાં, મહત્ત્વના કામમાં સરળતા જણાય. આપની ધારણા પ્રમાણેનું કામકાજ કરી શકો. યાત્રા-પ્રવાસ થાય. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ના કરવી અને કાર્યક્ષેત્રના પ્રશ્નો ઉકેલાય, પારિવારિક સુખ ઉત્તમ જણાય. સોમવારે શાંતિ અને સ્થિરતા રહે. બુધવારે સાંજે ઉદ્વેગ ન કરવો.

તુલા (ર, ત)
નોકરી કે ધંધોના કાર્યક્ષેત્રની પ્રગતિ શક્ય બનશે તેમ જ વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ જોવા મળે, આત્મવિશ્વાસ વધે તેવો પ્રસંગ આવે. જોકે આપના કામમાં સતત દોડધામ રહે. કોર્ટ-કચેરીના કાર્યમાં સાનુકૂળતા રહે. સીઝનલ ધંધામાં હરિફાઈ જણાય.આપના કામ અંગે યાત્રા પ્રવાસ, અને મુલાકાતનું આયોજન ગોઠવાય. નોકરીમાં બઢતી બદલીના પ્રશ્નમાં પ્રગતિ જણાય. સમય કે નાણાંનો વ્યય કરવો હિતાવહ નથી કૌટુંબિક વાતાવરણ મિશ્ર જણાય, સ્થાવર મિલકત માટે નિર્ણય લેવામાં સાચવવું. રવિવારે આનંદ રહે, મંગળવારે વાહનોથી સંભાળવું.

વૃશ્ર્ચિક (ન, ય)
આ સપ્તાહે, આપના કામમાં સાનુકુળતા રહેવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. સંતાનના પ્રશ્નમાં ચિંતા તથા પરેશાની ઘટે. આમ છતાં, આપ હરો ફરો કામકાજ કરો પરંતુ હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. આપના કામમાં ઉતાવળ કરવી નહીં.અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં પ્રગતિ જણાય. સંસ્થાકીય કામકાજ અંગે બહાર જવાનું બને. નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું અને કાર્યસ્થળમાં સહ કર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે, નવા સંબંધની શરૂઆત સંભવ બને. મંગળવારે મનની શાંતિ રાખવી. ગુરુવારે વડિલો અને સિનિયર લોકો થી લાભ થાય.

ધન (ભ, ધ, ફ, ઢ)
આપના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. આપના કામની પ્રશંસા થાય. ઉપરીવર્ગ મદદરૂપ બની રહે. નોકરી ધંધાના કાર્યમાં વ્યસ્ત રહો. કુટુંબ પરિવારનો સાથ, સહકાર મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આપના કામ અંગેની મુલાકાતમાં આપને સાનુકુળતા મળી રહે. રાજકીય સરકારી કામકાજ થાય. ખર્ચ થાય પરંતુ આનંદ રહે. મનના મનોરથ ફળતા જણાય અને પારિવારિક સુખ જળવાઈ રહેશે, વાણી અને વર્તનમાં સંયમ રાખવો હિતાવહ છે. સોમવારે કામમાં સફળતા. બુધવારે મિત્ર લાભ. ગુરુવારે આનંદ રહે શનિવાર શાંતિથી પસાર કરવો.

મકર (ખ, જ)
નોકરી ધંધાના કાર્ય અંગે ચિંતા-દોડધામ ખર્ચ અનુભવાય. આપની ગણત્રી પ્રમાણેનું કામ ન થવાથી થોડો ઉચાટ કે ઉદ્વેગ રહે. જોકે ધીરે ધીરે આપના કામ અંગે સાનુકુળતા પ્રગતિ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી હર્ષ લાભ રહે. જમીન, મકાન કે વાહન અંગેના કામમાં સાનુકુળતા જણાય. મિત્રવર્ગથી લાભ રહે. મંગળવારે વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો, બુધવારે સામાજિક વ્યવહારિક કામમાં રૂકાવટ કે ચિંતા જણાય. પરંતુ પ્રયત્ન કરી સફળતા મેળવી શકાય.

કુંભ (ગ, સ, શ, ષ)
સફળતાનો સ્વાદ ચાખી શકશો પરંતુ સ્નેહીજનોથી મનભેદ સંભવ. માટે વાદ વિવાદ ટાળવા. આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત થતી જણાય તેમ જ નોકરી કે વ્યવસાય ના કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહયોગ સારો મળે, જૂનાસંબંધો તાજા થાય. આપના કામમાં વ્યસ્ત રહો. મંગળવારે કાર્યફળ ધાર્યા કરતા ઓછું મળતું જણાય પરંતુ સામાજિક સંબંધમાં મીઠાશ વધે, બુધવારે આર્થિક યોજનાનું આયોજન સંભવ, આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય. ગુરુવારે અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે, પ્રવાસનું આયોજન શક્ય બને. સોમવારે આર્થિક વિકાસ. શુક્રવારે આનંદ માણી શકો.

મીન (દ, ચ, થ, ઝ)
કાર્યબોજ હળવો થતા રાહત અનુભવાય તેમ જ મનની ઈચ્છા સંતોષાય, આર્થિક ક્ષેત્રે કપરા ચઢાણ જણાય છે છતાં જરૂરી ખર્ચ કરવામાં વાંધો નથી. વાતચીતમાં કોઈની સાથે ગેરસમજ ના થાય તેની તકેદારી રાખવી અને નવી આર્થિક તક જણાય તો ઝડપી લેવી, તમારું સ્વાસ્થ્ય સચવાય તે જોવું. ઉમરલાયક વડિલો પર ધ્યાન આપવુ. ધંધાના કાર્યક્ષેત્રમાં કોઈ નવી સમજૂતી કે કોઈ નવા કરાર સંભવ છે મંગળવારે જમીન સંપાદન અંગે નવા સાહસ વિચારીને કરવા, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે. તમારો હકારાત્મક દૃષ્ટિકોણ આપને સફળતા અપાવે, મંગળવારે નવા પ્રયોગો ન કરવા. સત્કાર્યમાં સપ્તાહ પસાર થશે.