ભારતની દીકરીઓએ ઈંગ્લેન્ડની ધરતી પર તિરંગો લહેરાવ્યો. 23 વર્ષના દુકાળનો અંત આવ્યો અને દેશની દીકરીઓએ ઇતિહાસ રચ્યો. ટીમ ઈન્ડિયાએ અંગ્રેજોને તેમના ઘરમાં જ હરાવીને વન ડે સીરિઝ પોતાને નામ કરી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમવામાં આવી રહેલી વન ડે સીરિઝની છેલ્લી મેચ 24 સપ્ટેમ્બરનાં રોજ હશે. ભારતે બીજી વન ડે જીતીને ઇતિહાસ રચ્યો અને આ ઐતિહાસિક જીતમાં સૌથી મોટો હાથ કેપ્ટન હરમનપ્રીત કૌર અને રેણુકા સિંહનો છે, જેણે પોતાના બેટ અને બોલથી કહેર વરસાવ્યો. પહેલા હરમનપ્રીત કૌરે ઇંગ્લિશ બોલર્સની પિટાઈ કરી અને 143 રન બનાવ્યા. પછી રેણુકાની આંધીમાં ઇંગ્લિશ ટીમ 245 રન પર હારી ગઈ.

ટીમ ઈન્ડિયાની શરૂઆત અત્યંત ખરાબ
ભારતે 88 રનનાં મોટા અંતરથી મુકાબલો જીતીને ઝૂલન ગોસ્વામીને પણ ગિફ્ટ આપી દીધી. ઝૂલન પોતાની કરિયરની છેલ્લી સીરિઝ રમી રહી છે અને કરિયરનાં છેલ્લા પડાવ પર તેમના નામે હજુ એક ઐતિહાસિક જીત દાખલ થઈ ગઈ છે. મુકાબાલાની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરીને 5 વિકેટ પર 333 રન બનાવ્યા. ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી અને 12 રન પર જ શેફાલી વર્માનાં રૂપમાં પહેલો ઝટકો લાગ્યો. યાસ્તિકા ભાટિયાનાં રૂપમાં ટીમ ઈન્ડિયાને 66 રન પર બીજો ઝટકો લાગ્યો. ત્યાર બાદ સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીતે ભાગીદારીની કોશિશ કરી પણ 99 રન પર મંધાના પવેલિયન પાછી ફરી.

હરમનપ્રીતને મળ્યો હરલીનનો સાથ
99 રન પર 3 ઝટકા લાગવા પર કેપ્ટન હરમનપ્રીતે જવાબદારી સંભાળી અને હરલીન દેઓલ સાથે મળીને 200 રનની પાર સ્કોર પહોંચાડ્યો. હરલીને 58 રન બનાવ્યા. 212 રન પર હરલીનનાં રૂપમા ટીમને ચોથો ઝાટકો લાગ્યો. ત્યાર બાદ પૂજા વસ્ત્રાકરે કેપ્ટન સાથે પાર્ટનરશિપ કરવાની કોશિશ કરી, પણ 262 રનનાં સ્કોર પર તેણે પણ સાથ છોડી દીધો. 5 વિકેટ પડ્યા બાદ કેપ્ટનને દિપ્તી શર્માનો સાથ મળ્યો અને બંનેએ મળીને 333 રન સુધી ટીમને પહોંચાડી. હરમનપ્રીતે 111 બોલ પર 18 ચોક્કા અને 4 સિક્સર ફટકારી.