ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનો દેખાવોને કચડી નાંખવા આદેશ
મહસા અમિનીની હત્યાનું રિપોર્ટિંગ કરનાર મહિલા પત્રકાર નીલોફરનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ : વિદેશોમાં પણ દેખાવો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઈરાનમાં મોરાલિટી પોલિસ દ્વારા અટકાયતમાં લેવાયેલી યુવતી મહસા અમિની સાથે કરાયેલી ક્રૂરતા અને યુવતીના મોત પછી સતત 10 દિવસથી ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે ત્યારે પ્રમુખ ઈબ્રાહિમ રઈસીએ દેખાવોને કચડી નાંખવા તંત્રને આદેશ આપ્યો છે. ઈરાનમાં પોલીસે અત્યાર સુધીમાં મહસા અમિનીના મોત અને હિજાબના વિરોધ બદલ 700થી વધુ લોકોની ધરપકડ કરી છે. પોલીસે અમિનીની હત્યાના સમાચાર પ્રકાશિત કરનાર મહિલા પત્રકાર નિલોફરની પણ ધરપકડ કરી છે અને તેનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું છે. ઈરાનમાં મહસા અમિનીના મોત પછી હિજાબનો વિવાદ વકરી રહ્યો છે અને આંદોલન ધીમે ધીમે દેશમાં અનેક શહેરોમાં ફેલાઈ રહ્યું છે. બીજીબાજુ પોલીસ અને સરકાર મહિલાઓ વિરુદ્ધ વધુ આક્રમક બની રહ્યા છે. ઈરાનમાં હિજાબના વિરોધમાં ચાલી રહેલા દેખાવોમાં અત્યાર સુધીમાં પોલીસે 700થી વધુ લોકોની ધરપકડ કરી છે. મહિલાઓના વિરોધ પ્રદર્શનોને ડામવા માટે સરકારે વ્હોટ્સએપ, સ્કાઈપ, લિંક્ડ-ઈન અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પોલીસે મહસા અમિનીની હત્યાના સમાચાર પ્રકાશિત કરનાર મહિલા પત્રકાર નિલોફરની પણ ધરપકડ કરી છે. નિલોફર શાર્ગ નામના અખબારમાં કામ કરે છે. નિલોફરના વકીલે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, ઈરાનના સુરક્ષાદળોએ મારી અસીલ નિલોફરના ઘરે દરોડો પાડયો અને તેની ધરપકડ કરી લીધી. તેના ઘરની તલાશી લેવામાં આવી અને અનેક સામગ્રી જપ્ત કરી લેવાઈ છે. તેના પર કયા આરોપો મૂકાયા છે તે હજુ નિશ્ચિત નથી. નિલોફરની ધરપકડ કરતાં પહેલાં સરકારે તેનું ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કર્યું હતું. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ પોલીસ અને તંત્રને હિજાબ વિરોધી દેખાવો કચડી નાંખવા આપેલા આદેશના ભાગરૃપે પોલીસે નિલોફર જ નહીં અન્ય અનેક પત્રકારોની ધરપકડ કરી છે.
ઈરાનમાં દેખાવો વચ્ચે આતંકી જૂથ પર સુરક્ષા દળોનો હુમલો
ઈરાનમાં હિજાબ મુદ્દે છેલ્લા 10 દિવસથી દેખાવોએ ઉગ્ર સ્વરપ ધારણ કર્યું છે અને દેશના અન્ય ભાગોમાં પણ દેખાવો ફેલાઈ રહ્યા છે ત્યારે શક્તિશાળી રિવોલ્યુશનરી ગાર્ડે પડોશી દેશ ઈરાકની ઉત્તરે સ્થિત કુર્દીશ આતંકી જૂથોના બેઝ પર હુમલો કર્યો હતો. આઈઆરએનએએ જણાવ્યું હતું કે, રિવોલ્યુશનરી ગાર્ડે ઈરાનની પશ્ચિમે અઝેરબૈજાનમાં સ્થિત આતંકી જૂથો પર આર્ટીલરીથી હુમલો કર્યો હતો. જોકે, આ અંગે વધુ વિગતો અપાઈ નથી. આઈઆરએનએના અહેવાલમાં જણાવાયું હતું કે, ઈરાનની સરહદમાં રહીને જ આતંકી ગ્રુપ પર હુમલો કરાયો હતો. વધુમાં ઈન્ટેલિજન્સ ફોર્સે કથિત અલગતાવાદી જૂથ કોમલેહના કેટલાક સભ્યોની ધરપકડ કરી હતી.