અમરનાથ જાત્રાએ ગયો ત્યારે તેને મળેલાં હરિયાણાના શખ્સને લાયસન્સનું કામ સોંપ્યું
નાગાલેન્ડમાં ભાડા કરારના આધારે 1 લાખમાં લાયસન્સ લઈ કોલકતાથી પિસ્ટલ ખરીદી
2022માં લાયસન્સ પૂરું થયા બાદ પણ હથિયાર રાખ્યું’તું: ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નાગાલેન્ડ બોગસ હથીયારનો રેલો હવે રાજકોટ પહોંચ્યો હોય તેમ હસનવાડીના કારખાનેદારને ગેરકાયદેસર પિસ્ટલ અને 24 કાર્ટીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યો હતો 2017માં કારખાનેદાર યુવાન અમરનાથ જાત્રાએ ગયો ત્યારે તેને મળેલ હરિયાણાના શખ્સને લાયસન્સનું કામ સોંપ્યું હતું અને નાગાલેન્ડમાં ભાડા કરારના આધારે 1 લાખમાં હથીયારનું લાયસન્સ લઈ કોલકતાથી પિસ્ટલ ખરીદી કરી હોવાનું ખુલ્યું હતું જો કે 2022માં લાયસન્સ પૂર્ણ થઈ ગયું હોય સરંડર કરવાને બદલે ગેરકાયદે હથિયાર રાખતો હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો છે.
- Advertisement -
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બસીયા દ્વારા આર્મ્સ એક્ટ મુજબ ગેરકાયદેસર હથિયાર રાખતાં શખ્સોને પકડી પાડવાની આપેલ સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં એએસઆઈ ચેતનસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ ડાંગર, કનકસિંહ સોલંકી અને ઉમેશ ચાવડા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે 80 ફૂટ રોડ આજી વસાહત ખોડિયારપરામાં રહેતાં પ્રવિણ પ્રતાપ છૈયા પાસે પિસ્ટલ છે જેનુ લાયસન્સ રીન્યુ કરાવેલ નથી અને હથિયાર ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખેલ છે તેવી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ત્યાં હાજર શખ્સનું નામ પૂછતાં પોતે હસનવાડીમાં રહેતો પ્રવિણ પ્રતાપ છૈયા ઉ.41 હોવાનુ જણાવેલ હતું પોલીસની ટીમે હથીયાર બાબતે પૂછતાં તે શખ્સ મકાનમાંથી એક થેલી લઇને બહાર આવેલ જેમાં એક એક પિસ્ટલ જોવામાં આવેલ જે ચાલું હાલતમાં હતી તેમજ તેમાં રહેલા બોક્સમાંથી કુલ-24 જીવતા કાર્ટીસ નીકળેલ હતાં.
તેમજ હથિયાર તેમજ લાયસન્સ બાબતે પુછતા પોતાની પાસે નાગાલેન્ડ રાજયનુ ઓલ ઇન્ડીયાનુ હથિયાર લાઇસન્સ છે જેની રીન્યુ તા.31/12/2022 ની હતી જેથી નાગાલેન્ડ ખાતે મોકલેલ છે તેવું જણાવતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેરકાયદે સીંગલ બોર પિસ્ટલ અને જીવતા 24 કાર્ટીસ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી વધું પૂછતાછ આદરી હતી ગેરકાયદેસર હથિયાર અને જીવતા 24 કાર્ટીસ સાથે પકડાયેલ શખ્સ લેથનું કારખાનું ચલાવે છે. વર્ષ 2017માં અમરનાથ જાત્રામાં તે ગયો હતો ત્યારે તેના મિત્ર મારફતે હરિયાણાના આંગરાજે નામના શખ્સ સાથે મુલાકાત થઈ હતી. ત્યારે તેની પાસે રહેલ હથિયાર બાબતે આરોપીએ વાત કરી પોતે પણ હથિયારનું લાયસન્સ કઢાવવા બાબતે વાત કરી હતી જે બાદ હરિયાણાના શખ્સે આરોપીનો નાગાલેન્ડનો ભાડા કરાર કરાવી આપી રૂ.1 લાખમાં લાયસન્સ કાઢવી આપ્યું હતું. જે બાદ 1 લાખમાં કોલકતાથી હથિયાર પણ લઈ આપ્યું હતું. જે બાદ વર્ષ 2022માં લાયસન્સ પૂરું થઈ ગયું હોવા છતાં જમા કરાવ્યું ન હતું અને અંતે પોલીસે દબોચી લીધો હતો.