માલવિયાનગર પોલીસે CCTV આધારે ભેદ ઉકેલી નાખ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના માલવિયા નગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા અમરનગરમાં એક અઠવાડિયા પહેલા રૂ. 1.73 લાખની ઘરફોડ ચોરી કરનાર શ્રીનાથજી સોસાયટીના તસ્કર બંસી હસમુખભાઈ રાજપરાને પોલિસે ઝડપી પાડયો છે.
અમરનગરમાં રહેતાં જતીનભાઈ રમેશભાઈ ઓળકીયા ઉ.30એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેને વૈદવાડી ખાતે ચામુંડા ટી-સ્ટોલ નામની ચા ની હોટલ આવેલ છે ઘરે ચામુંડા માતાજી તથા મહાકાળી માતાજીનો માંડવો હતો જેથી ઘરે મહેમાનોની અવર-જવર ચાલુ હોય અને ઘરના દરવાજા ખુલ્લા હતા. રાત્રિના આશરે 12 વાગ્યાની આસપાસ બેડરૂમમાં અંદર રહેલ લોખંડનો કબાટ સુરક્ષિત જોયેલ હતો અને રાત્રિના 12:55 વાગ્યાની આસપાસ પત્ની સોનલનો ફોન આવેલ કે, ઘરમાં કબાટનો દરવાજો ખુલ્લો છે અને ઘરમા બધુ વેર વિખેર પડ્યું છે. જેથી તેઓ તરત જ ઘરે ગયેલ અને જોયુ તો બેડરૂમમાં અંદર રહેલ લોખંડના કબાટનો દરવાજો ખુલ્લો હતો. આ કબાટની તિજોરીના ખાનામાં જોતા સામાન વેરવિખેર પડેલ હતો અને કોઇએ બળ પ્રયોગથી ખોલેલ હોય તેવુ લાગેલ હતુ. તિજોરીમાં રાખેલ 2 જોડ સોનાની બુટી, 1 રુદ્રાક્ષનો સોનાનો પારો, એક સોનાનો દાણો, 1 સોનાનું પેન્ડલ, 2 જોડ સોનાની ભાલી, એક ચાંદીની લક્કી, એક ચાંદીનું નારીયેલ, એક ચાંદીનો સીક્કો મળી કુલ રૂ.1,73,300 ના સોના-ચાંદીના ઘરેણા તથા રૂ. 2 હજાર રોકડા જોવામાં આવેલ ન હતાં. જેથી કોઈ અજાણ્યો ચોર ઘરમાં ઘુસી સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ રૂપિયાની ચોરી કરી નાસી છૂટતાં ફરિયાદ નોંધાવી હતી સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં એક શખ્સ ઘરમાંથી ચોરી કરી નીકળતો હોય તેવું સામે આવ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તસ્કરને સકંજામાં લઈ સઘન પૂછતાછ આદરી હતી.