દસ વર્ષથી વેલેન્ટાઈન-ડેના દિવસે બાળકનો જન્મ કરાવવાનો ક્રેઝ વધ્યો: ગાયનેક

– મીરા ભટ્ટ  

હેપી વેલેન્ટાઈન ડે: આજે વેલેન્ટાઈન ડે એટલે ફકત પ્રેમી અને પ્રેમીકાઓનો દિવસ હોય એવું જરૂરી હોતુ નથી પરંતુ આ પ્રેમનો દિવસ દરેક ભાઈ-બહેન, બે મિત્રો, માતા-પુત્ર, પિતા-પુત્રી વચ્ચેનો પણ હોય છે. વેલેન્ટાઈન વીકના દરેક દિવસની ઉજવણી ખાસ રીતે કરવામાં આવતી હોય છે. પોતાનો પ્રેમ-ભાવનાઓ વ્યક્ત કરવા આ વીક ઉજવવામાં આવે છે, એટલું જ નહીં આ સાથે એવી પણ પ્રથા વર્ષોથી પડી છે.

આ જ દિવસે અનેક માતાઓ પોતાના બાળકને જન્મ કરાવવા માટે વેલેન્ટાઈન ડેનો દિવસ ખાસ પસંદ કરતા હોય છે. આજના આ પ્રેમભર્યા દિવસે અનેક હોસ્પિટલોમાં આજે બાળકોના જન્મ થયા છે. જ્યારે ખાસ કરીને ‘સીઝેરીયન’ કરવાનું હોય છે ત્યારે દરેકની પસંદગી એક ખાસ દિવસની હોય છે ત્યારે આજે પણ રાજકોટની આશુતોષ મેટરનીટી હોસ્પિટલમાં પણ એક બેબીબોયને માતાએ જન્મ આપ્યો છે. આ સાથે મંગલમ હોસ્પિટલ, પ્રભુકૃપા હોસ્પિટલ અને શિવાની હોસ્પિટલ સહિતની અનેક હોસ્પિટલોમાં આજે વેલેન્ટાઈન ડેના દિવસે બાળકનો જન્મ થયો છે.


ગાયનેકોલોજિસ્ટ ડો. દર્શના પંડ્યા

આ અંગે ‘ખાસ-ખબર’ સાથે વધુ વાત કરતા આશુતોષ મેટરનીટી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. દર્શના પંડ્યાએ જણાવ્યું હતું કે અનેક દંપતી એવા છે કે જેઓ ખાસ વેલેન્ટાઈન ડે બાળકને જન્મ કરાવવા માટે પસંદ કરે છે ત્યારે આજે પણ અવનીબેન અજાગીયાએ એક બેબીબોયને જન્મ આપ્યો છે. અવનીબેન અજાગીયાને પહેલાં બે દિકરીઓ છે અને આજના આ દિવસે તેમણે એક બાળકને જન્મ આપતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

શહેરની મંગલમ મેટરનીટી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. દિપા મણીયારે આજે બે બાળકોના જન્મ કરાવ્યા છે.


ડો. દિપા મણીયાર 

આ બંને દંપતિની એવી ઈચ્છા હતી કે વેલેન્ટાઈન ડેના દિવસે જ બાળકનો જન્મ કરાવવામાં આવે. વધુમાં ડો. દિપા મણીયારે જણાવ્યું હતું કે આવો ક્રેઝ છેલ્લા દસ વર્ષથી શરૂ થયો છે કે દંપતિઓ પોતાના બાળકને જન્મ આપવા માટે વેલેન્ટાઈન ડે અથવા સ્પેશ્યલ કોઈ પસંદગીનો દિવસ પસંદ કરે છે. સોશ્યલ મીડિયા આવ્યા પછી આવો ક્રેઝ વધ્યો છે. આ ઉપરાંત અમુક પરિવાર એવા પણ છે કે નવ મહિના પૂરા થયા ન હોય છતાં સિઝેરીયન કરાવવા માટે કહેતા હોય છે ત્યારે ડોકટર દ્વારા આવું ન કરવા સલાહ આપવામાં આવે છે. આમ આજે આ પ્રેમના દિવસે આવી અનેક હોસ્પિટલોમાં બાળકોના જન્મ થયા છે. આજે આમ મંગલમ મેટરનીટી હોસ્પિટલ, આશુતોષ મેટરનીટી હોસ્પિટલ, પ્રભુકૃપા હોસ્પિટલ સહિતની અનેક હોસ્પિટલોમાં વેલેન્ટાઈન ડેના દિવસે બાળકોનો જન્મ કરાવવામાં આવ્યો છે.