સરકારના બચાવ સામે PILમાં અરજદારનો આક્ષેપ
ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાતપણે ભણાવવા અને આ અંગેના સરકારના પરિપત્રના કડકાઇથી અમલ કરાવવા દાદ માંગતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મહત્વની રિટ અરજીની સુનાવણીમાં સરકાર અને અરજદારપક્ષ વચ્ચે સામસામે દાવા અને પ્રતિઆક્ષેપ થયા હતા. સરકારે બચાવ કર્યો હતો કે, રાજયમાં 4506 શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવાય છે, માત્ર 14 શાળામાં જ ગુજરાતી ભણાવાતુ નથી. જો કે, અરજદારપક્ષે સરકારના દાવાને ધરાર ફગાવ્યો હતો અને હાઇકોર્ટનું ધ્યાન દોર્યું કે, સરકાની વાત ખોટી છે, રાજયની મોટાભાગની શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવાતો જ નથી. તેથી 2023-24ના નવા શૈક્ષણિક વર્ષથી રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાતપણે ભણાવવામાં આવે તે માટે હાઇકોર્ટ આદેશ કરે. હાઇકોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ ફરી એકવાર રાજય સરકાર પાસેથી એ મુદ્દે ખુલાસો માંગ્યો છે કે, રાજયમાં કેટલી શાળાઓમાં પહેલા ધોરણથી ગુજરાતી ભણાવાય છે અને ફરજિયાતપણે ભણાવવામાં આવે છે..? હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.16મી ડિસેમ્બરના રોજ રાખી હતી.
વેબસાઇટ પરથી જ સ્પષ્ટ થઇ જાય છે કે, સ્કૂલો ગુજરાતી ભણાવતી નથી
સરકારે બચાવ કર્યો હતો કે, રાજયના વિવિધ ડીઇઓ અને ડીપીઇઓ દ્વારા તમામ સ્કૂલો પાસેથી તેમની શાળામાં ગુજરાતી ભણાવાય છે કે કેમ તેની માહિતી માંગી હતી. જેમાં સ્કૂલોએ જણાવ્યું છે કે, તેઓ તેમની શાળામાં ગુજરાતી વિષય ભણાવે છે. સરકારના આ બચાવું ખંડન કરતાં અરજદારપક્ષે તરત જ હાઇકોર્ટનું ધ્યાન દોર્યું કે, ગુજરાતી ભણાવાતુ હોવાની સ્કૂલોની વાત બિલકુલ ખોટી અને હાસ્યાસ્પદ છે. કારણ કે, ખુદ100થી વધુ સ્કૂલોની વેબસાઇટ પરથી જ સ્પષ્ટ થાય છે કે, તેમની શાળાના અભ્યાસક્રમમાં જ ગુજરાતી વિષય સામેલ નહી હોવાની વાત સામે આવી છે. સરકાર અને સત્તાધીશો કોર્ટને ગેરમાર્ગે દોરે છે.