દીકરી-જમાઈ અને ભાણેજ સાથે દંપતીનું મોત, ભાવનગરના સિંધી પરિવારના 9 લોકો ડેલહાઉસી જતા હતા ને કાળ ભેટ્યો
ભારે વરસાદ દરમિયાન ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવ્યો અને ખાઈમાં પડી ગયાનું અનુમાન: દીકરી-જમાઈ અને ભાણેજ સાથે દંપતીનું મોત નિપજ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભાવનગરથી મનાલી ફરવા ગયેલા સિંધી સમાજના 9 લોકો સાથે કાર હિમાચલ પ્રદેશના ચંબા-નૂરપુરના નેશનલ હાઈવે પરની ખાઈમાં ખાબકી હતી. જેમાં હિમાચલના એક ડ્રાઈવર અને ગુજરાતના 5 લોકોનાં મોત થયા છે. જ્યારે પોલીસે 4 લોકોને ખાઈમાંથી સલામત રીતે બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. એક જ પરિવારના દીકરી-જમાઈ અને ભાણેજ સાથે દંપતીનું મોત થયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આજે વહેલી સવારે 3.30થી 4 વાગ્યા દરમિયાન પરિવાર મનાલીથી ડેલહાઉસી તરફ પ્રવાસે નીકળ્યો હતો, ત્યારે ચંબા નજીકના હાઈવે પર તેમની કાર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખાઈમાં ખાબકી ગઈ હતી. વાહનમાં ડ્રાઈવર, બાળકો સહિત કુલ 10 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઇનોવા ક્રિસ્ટા કારમાં ગુજરાતના પ્રવાસીઓ મનાલીથી ડેલહાઉસી જઈ રહ્યા હતા. અકસ્માત સમયે ભારે વરસાદ પણ પડી રહ્યો હતો.
ચંબાના પોલીસ અધિક્ષક વિજય કુમાર સકલાનીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં ગુજરાતના 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 4ને માથામાં ઈજા થઈ હતી. છઠ્ઠા મૃતકની ઓળખ જસવંત કુમાર (51) તરીકે થઈ હતી, જે મંડી જિલ્લાના જોગીન્દરનગર તહસીલના કોહરા ગામના રહેવાસી હતા. તે પ્રવાસીઓને લઈ જતી કારના ડ્રાઈવર હતા.
તેને વધુમા કહ્યું કે, પોલીસે ખાઈમાંથી તમામ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વરસાદને કારણે માટી લપસણી થઈ શકે તેથી, એવી શક્યતા છે કે ભારે વરસાદ દરમિયાન ઇનોવા ક્રિસ્ટા કારે કાબુ ગુમાવ્યો અને ખાઈમાં પડી ગયાનું અનુમાન છે.
મૃતક લલિતભાઈના મિત્ર સુરેશ માખેજાએ જણાવ્યું હતું કે, મૃતક લલિતભાઈ ફતનાની જેઓ ભાવનગરના ઘોઘાસર્કલ છાપરું સોસાયટીમાં રહેતા હતા અને બ્રોકરેજનું કામ કરતા સાથે સમાજ સેવક પણ હતાં. લલિતભાઈ ફતનાની અને એ લોકો બધા મનાલી ફરવા ગયા હતાં અને રાત્રે અઢી વાગ્યે એ લોકો રિટર્ન થતા હતાં, પછી ડ્રાઈવરે ગાડીનો કાબૂ ગુમાવ્યો અને ખાઈમાં ગાડી પડી ગઈ હતી.
માખેજાએ વધુમાં કહ્યું કે, મૃતકોમાં એક લલિતભાઈ ફતનાની (ઉ.વ 59) છે, તેમના પત્ની સોનિયાબેન અંદાજિત (ઉ.વ ,56) એમની દીકરી કાજલબેન (ઉ.વ 36), લલિતભાઈના જમાઈ પ્રિયાંકભાઈ (ઉ.વ.39) અને એક તેમનો દીકરો દિવ્યાંશુ 9 વર્ષ સહિત 5નાં મોત થયા છે. જ્યારે લલિતભાઈના દીકરા મયંકભાઈ, તેના પત્ની ફોરમબેન અને તેનો દીકરો જિયાંશ અને તેના જમાઈની દીકરી પ્રિયાંશી અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.



