માનવ તસ્કરી, ગૌવંશ હત્યા, નાણાંકીય છેતરપિંડી સહિતના ગુનાઓ, જાહેર મિલકતને નુકસાન, સરકારની વિરુદ્ધ કોઈ સમાજને ભડકાવવો… જેવા ગુનાઓ આ સુચિત કાયદામાં જોડવામાં આવી શકે છે
પાસા એકટમાં હવે, જાતિય સતામણી, સાઇબર ફ્રોડ, ગેમ્બલીંગ જેવી ગુનાઇત પ્રવૃત્તિઓને પણ આવરી લેવાશે: ટાઈમ્સનો અહેવાલ
રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેટલા સંવેદનશીલ છે એટલા જ ગુનાખોરી પ્રત્યે કઠોર છે. તાજેતરમાં જ તેમણે ગુનાખોરી ડામવા પોલીસ અધિકારીઓને છુટ્ટો દોર આપ્યો છે. હવે તેમનાં નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજયમાં ગુનાખોરી અને ગુનેગારોને કાબૂમાં લેવા માટે નવો કાયદો લાવવા માંગે છે. ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ આજે આ અંગે અહેવાલ આપ્યો છે, એ મુજબ આ કાયદો ઉત્તર પ્રદેશ સરકારનાં ગુંડા વિરોધી કાનૂન જેવો સખ્ત હોઇ શકે છે. સૂત્રો મુજબ માનવ તસ્કરી, ગૌવંશ હત્યા, નાણાંકીય છેતરપિંડી સહિતના ગુનાઓ, જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો, સરકારની વિરુદ્ધ કોઈ સમાજને ભડકાવવો અથવા તેના જેવું કૃત્ય આવા ગુનાઓ આ સુચિત કાયદામાં જોડવામાં આવી શકે છે. રાજયમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને મુખ્યમંત્રી અને રાજયની કેબિનેટે અધિકારીને નવો કાયદો અને સુધારીત કાયદો તેમજ અધ્યાદેશ માટેની જરુરી તૈયાર કરવા માટે જણાવ્યું છે.
બીજી તરફ પાસાનો કાનૂન પણ વધુ સખ્ત કરવા તૈયારીઓ થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે જે સુધારા કરવા જઇ રહી છે તેમાં નવી કેટેગરીના ક્રાઇમનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. પાસા એકટમાં હવે ગુન્હાહિત પ્રવૃત્તિઓ જેમ કે , જાતિય સતામણી, સાઇબર ફ્રોડ, ગેમ્બલીંગને પણ તેમાં આવરી લેવાશે . સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાસા એકટનો હથોડો વિઝવા માટે એક મહત્વના ઘટનાક્રમમાં આ સુધારા હેઠળ તેના અમલની જવાબદારી વહિવટી વિભાગ પાસેથી ખસેડી પોલીસ વિભાગને સોંપવામાં આવે તેવી શકયતા છે. પોલીસ કમિશનરેટ વિસ્તાર સિવાય હાલ પાસાનો ઓર્ડર કરવાનું કામ જે-તે જિલ્લામાં કલેકટર દ્વારા કરવામાં આવતું હોય છે . હવે તેમાં બદલાવ કરી રેન્જ આઇજી લેવલના ઓફિસરને પાસા હેઠળ પગલા લેવાની સત્તા સોંપવામાં આવશે.