વૈજ્ઞાનિક અને પારદર્શક ઢબે પુન:મૂલ્યાંકન બાદ નવી જંત્રી અમલી બનશે: ફેબ્રુઆરીમાં બજેટ સત્ર પૂર્વે સરકાર મહત્વનો નિર્ણય લેશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાત સરકાર રાજ્યમાં જમીન અને મિલકતોના બજાર મૂલ્યને વાસ્તવિકતાની નજીક લાવવા માટે આગામી જાન્યુઆરી 2026 થી નવી જંત્રી લાગુ કરવાની દિશામાં મક્કમ ગતિએ આગળ વધી રહી છે. મહેસૂલ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબા સમયના અંતરાલ બાદ જંત્રી દરોમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ફેરફાર કરવામાં આવશે, જેની સીધી અસર રાજ્યના રિયલ એસ્ટેટ માર્કેટ અને સરકારી આવક પર જોવા મળશે.વિશેષ કમિટી દ્વારા ડેટા એનાલિસિસ અને સ્થળ નિરીક્ષણ બાદ તૈયાર કરાયેલી આ જંત્રીથી શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં ભાવમાં વધઘટ જોવા મળશે. જોકે, નિષ્ણાતો માને છે કે દરોમાં વધારો થવાથી શરૂઆતમાં મિલકતના વેચાણમાં થોડો ઘટાડો આવી શકે છે, પરંતુ લાંબા ગાળે આ નિર્ણય રિયલ એસ્ટેટ ક્ષેત્રને વધુ સ્થિર અને સંગઠિત બનાવશે. ફેબ્રુઆરી 2026માં મળનારા ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર પૂર્વે જ સરકાર આ નવી જંત્રીની વિગતવાર જાહેરાત કરે તેવી પ્રબળ શક્યતા છે.
નવી જંત્રી કેમ જરૂરી બની?
જમીન-મિલકતની લે-વેચમાં સચોટ આંકલન થવાથી પારદર્શિતા વધશે.
- Advertisement -
સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીના સ્વરૂપમાં રાજ્યની તિજોરીને મોટી આવક થશે.
બજારભાવ અને જંત્રી ભાવ વચ્ચેનો ગેપ ઓછો થતા રોકડ વ્યવહારો પર અંકુશ આવશે.
સામાન્ય નાગરિકોને તેમની મિલકતનું વાસ્તવિક મૂલ્ય મળી શકશે.
જંત્રીનો ઇતિહાસ અને અમલની પ્રક્રિયા
વર્ષ 2011: 18મી એપ્રિલ 2011થી અગાઉની જંત્રી અમલમાં આવી હતી.
વર્ષ 2023: એપ્રિલ 2023માં નવી જંત્રીની જાહેરાત થઈ હતી, પરંતુ બિલ્ડર એસોસિએશનો અને વિવિધ સંસ્થાઓના વિરોધ બાદ તેને મોકૂફ રખાઈ હતી.
નવેમ્બર 2024: 20મી નવેમ્બર 2024ના રોજ જંત્રીનો નવો મુસદ્દો જાહેર કરી લોકોના વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા હતા.
જાન્યુઆરી 2026: વાંધા-સૂચનોના નિકાલ બાદ જાન્યુઆરી 2026ના અંત સુધીમાં નવી જંત્રી અમલી બનાવવાનું આયોજન છે.



