ખાસ-ખબર સંવાદદાતા
ગ્રીન જૂનાગઢ ક્લીન જૂનાગઢ સુત્ર સાથે જૂનાગઢ જિલ્લાના 74માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની કેશોદ ખાતે ઉજવણી યોજાઇ હતી. કેશોદની આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલ વનમહોત્સવ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારિયાએ અધ્યક્ષીય પ્રવચન આપતા જણાવ્યું હતું કે, આપણા જીવનમાં વૃક્ષો, જંગલોનું અનેરૂ મહત્વ છે.
સરકારશ્રી દ્વારા 1950થી આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આપણા ભવિષ્ય માટે આપણે વૃક્ષો વાવીએ અને તેનું જતન કરવા કટીબધ્ધ બનીએ આજના સમયની જરૂરિયાત છે. કેશોદ ધારાસભ્ય દેવાભાઇ માલમે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં આપણે વૃક્ષો, ઓક્સિજનનું મહત્વ જાણ્યું છે. ત્યારે આપણે સૌ વૃક્ષો વાવવા માટે કટીબધ્ધ બનવા અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, 74 માં વન મહોત્સવમાં વન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ 1000 રોપાનું વાવેતર અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલ હતું. તેમજ સમગ્ર જિલ્લામાં 10 હજાર રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.