પૂજય બાપુ
મને ચાહવા માટે દરિયો ભણો,
તમારો છે અભ્યાસ કાંઠા સુધી
- Advertisement -
વ્હાલી જિંદગી,
લાગણીમાં ઝબકોળી, ગળચટ્ટું બનાવી તારા હોવાપણાને હું આંખો દ્વારા હૃદયમાં ઉતારું છું પછી થાક થાકીને ભાગી જાય છે. હું હવાથી ય હળવો બનીને તારી આસપાસ ફર્યાં કરું છું. તારું આવરણ મને આવકારી, સત્કાર આપી તારામાં ઓગાળી દે છે. જિંદગી! હું તને અતિશયથી પણ વધારે ચાહું કારણ કે તું પ્રત્યેક ક્ષણ મારામાં ધબકતી રહે છે. મંદિરમાં સ્થાપિત મૂર્તિ દ્વારા ગર્ભગૃહની પવિત્રતા જેમ આંખ, કાન અને હૃદયને વધું પવિત્ર કરી શ્રદ્ધાવાન બનાવી દે છે એમ જ હું તારી હયાતીમાં ઊંડે ઊંડે લીન થઈ જાઉં છું. તારામાં ઉતરી ગયાં પછી મારા બધાં જ સપના જાણે કે પ્રફુલ્લિત બની ઝૂમી ઊઠે છે. એ જ ક્ષણે દૂર દૂર તારા હૈયામાંથી ઝાલરનો મધુર રણકાર સંભળાય છે જે મને ઉન્નત જીવનની સફળતાનો રાજમાર્ગ બતાવી જાય છે. જિંદગી! તું મારી આંખોમાં ઉગતા અઢળક વિસ્મયોનું કેન્દ્રસ્થાન છે. તું મારાં વિચારોનું ક્રાંતિબીજ છે અને તું જ મારાં દીલની ઠેકણલાકડીનો આધાર છે. શરીર વૃદ્ધ થઈ જશે પણ ચાહત અને હૈયાનાં ઉમળકાઓ સતત યુવાન જ થતા જશે કારણ કે મેં તને અને તારા પ્રેમને સમયચક્રની કાળગણનાથી ઉપર રહીને ચાહી છે જ્યાં ફકત પ્રેમ અને પ્રેમ જ સર્વોપરી હોય છે. એ એક એવું ચક્ર છે કે ચાહતને ચાહવાથી સતત યુવાન થતું જવાય છે… જ્યાં નિરંતર પ્રેમની પૂજા થાય છે… જ્યાં પ્રેમનો પંથ સુકોમળ ફૂલડાંથી લદાયેલો પડ્યો હોય છે.
જિંદગી! હું લાગણીઓના લીસ્સા સરવાળામાં ગરક થઈ ગયો છું. હૃદયના રસ્તે પગલાં માંડીને ચાલ્યાં કરવું એ મારાં જીવનનું અંતિમ લક્ષ્ય છે. વારંવાર તારામાં ડૂબકી લગાવી સતત તને પામ્યાં કરવી એ મારું કર્તવ્ય છે. હૃદયના રસ્તાઓ ક્યારેય કંટક નથી આપતાં કે પીડાદાયક પરિસ્થિતિનો અનુભવ નથી કરાવતાં, કારણ કે એ રસ્તે વસંતનો વૈભવ હોય છે, શિશિરની સૌમ્યતા હોય છે અને વર્ષાનો ખળખળ નાદ હોય છે. આ ત્રિઆનંદભરી સ્થિતિથી અતિ ક્રૂર વ્યક્તિ પણ શાંતિ અને સૌમ્યતાનો અધિકારી બની જાય છે. હું તો આકંઠ પ્રેમી છું એટલે આ પ્રેમપંથ અતિ વહાલો લાગે છે. જિંદગી! તું મારાં આત્માનું વસાણું છે. મારી અંદર તારી સુગંધના દરિયાઓ ઉછળી રહ્યાં છે. હું સુગંધિત થઈ ગયો છું. મારી અંદર સંપૂર્ણપણે તું, તું અને માત્ર તું જ છવાયેલી છે. રાતરાણીનું ફૂલ તો ફક્ત રાતે જ સુગંધ ફેલાવે જ્યારે તું અવિરતપણે મને મહેકતો રાખે છે, જીવાડે છે એટલે તું મારાં હૃદયની રાણી છે. મારી જીદ તો આજીવન તને આકંઠ પીવાની છે. હું તને નિરંતર પીવું છું અને એટલે જ જીવી શકું છું. બીજી રીતે કહું તો હું નશાખોર છું. તારો વિરહ મારી નસેનસમાં લહાય બનીને ફરી વળે છે. જ્યારે તારી આંખોમાં ઉછળી રહેલું પ્રેમનું પૂર અનુભવાય ત્યારે હું રાહત અનુભવું છું. તું તો તગતગતો અને અગાધ દરિયો છે. કિનારે બેસીને ઓટની રાહ જોવામાં મને સહેજ પણ શ્રદ્ધા નથી. હું તો સીધો તારી ભીતર ખાબકી પડવામાં માનું છું. એ શ્રદ્ધા સાથે કે તું છે એટલે બન્ને સાગર તરી જવાશે. તું મારાં દિલદરિયામાં સતત ફૂંકાતો શિત વાયુ છે જે મને જીવાડી રહ્યો છે. તું મારાં હૃદયસ્થ મંત્રોનો ગૂચ્છ છે જે હરેક ક્ષણ મારી ભીતર ગૂંજ્યા કરે છે. હું પૂર્ણ શ્રદ્ધાવાન બની તારી સમીપ બેસી તને વધારે ને વધારે મારામાં ભરતો રહું છું… એટલી વધારે કે સાત સાત ભવનું ભાથું ભરવા કોઈ શ્રદ્ધાળુ બેસે. જિંદગી! તું ખરેખર જીવવા જેવી છે. .ભોગવવા જેવી છે…
તને સતત જીવતો,
જીવ.
- Advertisement -
( શીર્ષકપંક્તિ :- ડૉ. માર્ગી દોશી )