તે પોતે જ જુદીજુદી યોનિઓમાં જન્મ લઈને સંસારમાં ભ્રમણ કરે છે અને પોતાના પૂરુષાર્થથી સંસારનાં બંધનો તથા જન્મ-મરણના ચક્રમાંથી છૂટીને મોક્ષ મેળવે છે
કથામૃત: અંગ્રેજ સરકારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ માટે ફાંસીની સજા તા. 24-3-1931ના રોજ નક્કી કરી હતી. એ વખતે આ ત્રણે દેશભક્તોને લાહોર જેલમાં રાખવામાં આવ્યા હતાં. ફાંસીના આગલા દિવસે જ આ ત્રણેના પરિવાર સહિત અનેક લોકો એને મળવા માટે લાહોર જેલ પહોંચ્યા. મળવાવાળાની સંખ્યા એટલી મોટી હતી કે અંગ્રેજ અમલદારો ગભરાઈ ગયા અને મંજૂરી મેળવી જેલની બહાર રાહ જોઈને બેઠેલા લોકોને કોઈ જાણ કર્યા વગર જ એક દિવસ વહેલા તા.23-3-1931ના સાંજના સમયે ફાંસીના માચડે લટકાવી દીધા. જેલમાં પાછલી દીવાલમાં બાકોરું પાડી ત્રણેના મૃતદેહોને સતલજ નદીના કાંઠે હુસેનીવાલા ગામ પાસે સળગાવી દીધા. પરિવારજનો જેલના દરવાજે રાહ જોતા રહી ગયા. આ બધી નાલાયકી મોહમદખાન નામના એક વોર્ડનની હતી.
- Advertisement -
1947માં ભારત-પકિસ્તાનના ભાગલા થયા. લાહોર જેલને તોડીને ત્યાં શાદમાન નામની અત્યંત ભવ્ય સોસાયટી બનાવવામાં આવી. જ્યાં ત્રણે નરબંકાઓને ફાંસી અપાયેલી હતી, તે ફાંસીનો માચડો યથાવત રાખ્યો હતો અને સર્કલમાં બરાબર વચ્ચે આવે એ રીતે જ રાખ્યો હતો. 1974માં પકિસ્તાનના વડાપ્રધાન પોતાના સૌથી મોટા હરીફ અને દુશ્મન ગણતા એવા રઝા અહેમદ કાસુરીને પતાવી દેવા માંગતા હતા. આ માટે પ્રોફેશનલ કિલરને રાખવામાં આવેલા. આ પ્રોફેશનલ કિલર રઝા અહેમદ કાસુરીની ગતિવિધિઓ પર નજર રાખતા હતા. તેઓએ જોયું કે રઝા અહેમદ કાસુરી નિયમિત રીતે શાદમાન સોયાયટીના પેલા સર્કલ (જ્યાં ત્રણે શહિદોને ફાંસી આપી હતી) પાસેથી નીકળે છે અને કારમાં ડાબી બાજુ પર બેસે છે. કાસુરીને મારવા માટેનો દિવસ નક્કી થયો. એ દિવસ હતો 23-3-1974. સવારના 9.30ની આસપાસ કાસુરીની કાર ત્યાંથી પસાર થઈ અને પાછલી સીટ પર ડાબી બાજુ પેઠેલી વ્યક્તિને નિશાન બનાવીને ફાયરિંગ થયું. ડાબી બાજુ પર બેઠેલી વ્યક્તિ વિંધાઈ ગઈ અને મૃત્યુ પામી. પણ આજે એવું બન્યું કે કાસુરીએ કારમાં બેસવાની જગા બદલી હતી એટલે એ બચી ગયા અને કારમાં કાસુરીની જગાએ બેઠેલો નિર્દોષ માણસ મરી ગયો. આ ‘નિર્દોષ’ માણસ એટલે 1931માં જેની નાલાયકીના કારણે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને એના માતાપિતાને મળવા પણ ન દેવામાં આવ્યા અને એક દિવસ વહેલા ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા; તે મોહમદખાનનો જ એકનો એક દીકરો. તારીખ પણ એ જ હતી અને સ્થળ પણ એ જ હતું. કુદરતે પોતાનું કામ કર્યું.
અનુભવામૃત
કર્મના આ ખેતરમાં તમે જેવી વાવણી કરશો એવી જ કાપણી કરવાની આવશે.
– ગુરુ ગ્રંથસાહેબ