ફેસબૂક, ટ્વિટર, વ્હોટ્સએપને પણ લાયસન્સ ફરજીયાત કરવાની દરખાસ્ત

ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકાર અંગ્રેજોના વખતના ટેલિકોમ કાયદાઓ રદ કરીને નવા કાનૂન બનાવવાની તૈયારીમાં છે અને તેમાં વોટ્સ એપ-ટેલિગ્રામ કોલથી માંડીને ઓટીટી જેવી સેવાઓ પણ નિયમન હેઠળ આવી જશે.

કેન્દ્ર સરકાર દ્વારા કાયદાનો મુસદો જારી કરવામાં આવ્યો છે. પરંપરાગત ટેલિકોમ સેવાઓથી અલગ હોય તેવી ઓટીટી અને ઇન્ટરનેટ મારફત પ્રદાન થતી સેવાઓને પણ ટેલિકોમ કાયદા હેઠળ આવરી લેવાની જોગવાઈ કરવામાં આવી છે. ઓટીટી સેવાને પણ ટેલિકોમ સેવાનો ભાગ ગણવામાં આવશે. ટેલિકોમ તથા ઇન્ટરનેટ સેવા દેતી કંપનીઓની ફી અને પેનલ્ટી માફ કરવાની પણ એક જોગવાઈ છે. સર્વિસ પ્રોવાઇડર લાયસન્સ સરન્ડર કરે તો તેના દ્વારા ચૂકવાયેલી ફી પરત કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. ટેલિકોમ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું કે નવા ટેલિકોમ બીલથી ઉદ્યોગના પુર્નગઠન અને નવી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા સ્પષ્ટ રોડમેપ પ્રદાન કરશે. નવા મુસદામાં વોટ્સએપ, ગુગલ ડુઓ, ટેલિગ્રામ, ઝૂમ જેવી ઓટીટી સેવા કાયદામાં સામેલ થશે.

આ ઉપરાંત બ્રોડકાસ્ટીંગ સર્વિસ, ઇ-મેઇલ, વોઇસ મેઇલ, વોઇસ વીડિયો, ડેટા કોમ્યુનિકેશન સર્વિસ, ઓડીયો ટેક્સ્ટ સર્વિસ, વીડિયો ટેકસ્ટ સર્વિસ, ફીક્સ્ડ અને મોબાઈલ સર્વિસ, ઇન્ટરનેટ અને બ્રોડબેન્ડ સર્વિસ, સેટેલાઈટ આધારિત કોમ્યુનિકેશન સર્વિસ, વોકીટોકી, મશીન ટુ મશીન સર્વિસ, ઇન્ટરનેટ આધારિત કોમ્યુનિકેશન સર્વિસ, વિમાન તથા દરિયાઈ જહાજમાં ઉપયોગમાં લેવાતી કોમ્યુનિકેશન સેવા પણ સૂચિત કાયદામાં સામેલ થઇ જશે.