રાજકોટ-અમદાવાદ હાઈવે પર રોંગ સાઈડમાં ધસી આવેલું ગેસ ટેન્કર અથડાયા બાદ ટ્રક પલટી
બ્રેક ફેઈલ થઇ ગઈ હોવાનું અકસ્માત સર્જનાર ટેન્કર ચાલકનું રટણ : પોલીસે તપાસ હાથ ધરી
- Advertisement -
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ગત મોડી સાંજે રામપરા બેટી નજીક રોંગ સાઈડમાં ધસી આવેલું ગેસ ટેન્કર ટ્રક સાથે અથડાયા બાદ ટ્રક પલ્ટી ખાઈ ઈકો પર ખાબકતા તેમાં સવાર ચોટીલાના મોટી મોલડી ગામની ચાર મહિલાના મોત નિપજ્યાં હતા. જ્યારે ઈકોના ચાલક સહિત કુલ ચાર ગંભીર રીતે ઘવાતા તમામને સિવિલમાં ખસેડાયા હતા. આ અકસ્માતને પગલે એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ કે.પી.તવેટીવા સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી ગયા હતા તેમજ ટ્રાફિક બ્રાંચના અધિકારીઓ પણ પહોંચ્યા હતા. સતત ધમધમતા આ હાઈવે ઉપર ટ્રાફિક જામ થઇ જતાં તત્કાળ બે ક્રેઈન મંગાવી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડી ટ્રાફિક કિલયર કરાવાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોટીલાના મોટી મોલડી ગામની મહિલાઓ કુવાડવા જીઆઈડીસીમાં આવેલા કારખાનામાં કામ કરે છે. આજે સાંજે કામ પુરુ થયા બાદ સાત મહિલાઓ ઈકોમાં બેસી પોતાના ગામ જતી હતી. અમદાવાદ તરફથી ઈન્ડિયન ગેસનું ટેન્કર રાજકોટ આવતું હતું. જેના ચાલકે રોંગ સાઈડમાં ધસી જઈ એક ટ્રકને હડફેટે લેતા તે ટ્રક પલ્ટી ખાઈ સીધો નજીકમાંથી પસાર થતી ઇકો પર ખાબકતા ઈકોનો રીતસર બુકડો બોલી ગયો હતો.
અંદર બેઠેલી સાતેય મહિલાઓ અને ચાલકને મહામહેનતે રાહદારીઓ વગેરેએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ચાર મહિલા ઘુનાબેન દિનેશભાઈ ડાભી, લાભુબેન વિનુભાઈ મેઘાણી, વિલાસબેન વિનુભાઈ મેઘાણી અને ભાવિશાબેન રમેશભાઈ ડાભીને ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા જયારે પૂર્વીબેન દિનેશભાઈ ડાભી, શ્રદ્ધાબેન દિનેશભાઈ ડાભી, લીનાબેન રમેશભાઈ ડાભી અને ઈકોના ચાલક પ્રકાશ વિનુભાઈ મેઘાણીને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ચાર-ચાર મહિલાઓનો ભોગ લેનાર ગેસ ટેન્કરના ચાલકની એરપોર્ટ પોલીસે અટકાયત કરી હતી. જેણે પ્રાથમિક પુછપરછમાં બ્રેક ફેઈલ થતાં અકસ્માત સર્જાયાનું રટણ કર્યું છે જેમાં કેટલું તથ્ય છે તે અંગે પોલીસ હવે આરટીઓના અધિકારીઓ અને નિષ્ણાંતોની મદદથી તપાસ કરવામાં આવશે મોટી મોલડી ગામની ચાર મહિલાઓના ભોગ લેવાતા ગામમા શોકનું મોજું ફરી વળ્યું હતું. એરપોર્ટ પોલીસે ટેન્કર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે.



