પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
વિલંબિત ન્યાય એ એક પ્રકારનો અન્યાય જ છે.
– વિલિયમ ગ્લેડસ્ટન
- Advertisement -
અત્યારે ન્યાયના દેવીની પ્રતિમા ચર્ચામાં છે. ઘણાબધા વિભાગોમાં ચાલે છે તેમ આપણે વર્ષોથી અંગ્રેજોએ સ્થાપેલી પ્રણાલીને જ અનુસરીએ છીએ. તેમાં આપણી માનનીય અદાલત અને તેના નીતિનિયમોનો સમાવેશ પણ થાય છે. અત્યાર સુધી ન્યાયના દેવીની પ્રતિમાના એક હાથમાં તુલા અને તલવાર રહેતી હતી તો તેની આંખો પર પટ્ટી બાંધેલી હતી. મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડે સૂચવેલા બદલાવ પ્રમાણે હવે ન્યાયની દેવીની પ્રતિમાના હાથમાં તલવારની બદલે બંધારણનું પુસ્તક છે તથા તેની આંખો પર બાંધેલી પટ્ટી હટાવી દીધેલી છે. તેના સિવાય ન્યાયની દેવીના પરિધાન તરીકે ટોગા કહેવાતું ખુલતું વસ્ત્ર હતું કે જે પ્રાચીન સમયની રોમન સંસ્કૃતિમાં પ્રચલિત હતું, તેની બદલે ભારતીય પોશાક એવી સાડી રાખવામાં આવી છે. હવે અહીં એ જાણવાની સહજ જિજ્ઞાસા થાય કે બધી અદાલતોમાં આ જે ન્યાયમૂર્તિ જોવા મળે છે તેનું મૂળ કઈ સંસ્કૃતિની કઈ દેવીમાં રહેલું છે. મોટાભાગે એવું માનવામાં આવે છે કે અત્યારની ન્યાયની દેવીનું સ્વરૂપ રોમન પુરાણોમાં વર્ણિત એવા ન્યાયના દેવી જસ્ટિશિયા (અથવા લેટિન ભાષામાં લસ્ટિશિયા) પર આધારિત છે. ઓગસ્ટ મહિનો જેના નામથી ઓળખાય છે તે રોમન સમ્રાટ ઓગસ્ટસે આ દેવીની પ્રતિમા રજુ કરી હોવાનું માનવામાં આવે છે. ઓગસ્ટસ ન્યાયને મહત્વના ગુણોમાંથી એક માનતો હતો અને તેના પછીના બધા જ શાસકો જસ્ટિશિયાને ન્યાયનું પ્રતીક ગણીને પોતાના રાજ્યમાં તેને માનભર્યું સ્થાન આપવા માંડ્યા અને પોતાના દ્વારા આચરવામાં આવેલા કૃત્યોને તેની સાથે સાંકળીને પોતાને ન્યાયના રખેવાળ
ગ્રીક પુરાણોમાં વર્ણિત દેવી જ મૂળ ન્યાયની દેવી માનવામાં આવે છે, તેના હાથમાં પણ તુલા અને તલવાર જોવા મળે છે
ગણાવવા લાગ્યા. ત્યાર પછી તે દેવીની મુદ્રાઓ પણ બનવા લાગી. તે મુદ્રા પર લેડી જસ્ટિસને સિંહાસન પર વિરાજમાન અવસ્થામાં દર્શાવાતા અને ત્યારે તેનું નામ તેનો પરિચય કરાવનાર સમ્રાટ પરથી પડી ગયું ’લસ્ટિશિયા ઓગસ્ટા’. આમ તો લસ્ટિશિયાને એક દેવીના સ્વરૂપે જ જોવામાં આવતા અને તે સમયે રોમમાં તેમનું એક મંદિર ભી હતું પણ કાલાંતરે તે એક દેવીના બદલ ન્યાયના પ્રતીક તરીકે પ્રસિદ્ધ થયા અને તેને કલાના વિવિધ સ્વરૂપોમાં સ્થાન મળ્યું. ધીમે ધીમે એ જ સ્વરૂપ અદાલતમાં પણ માન્ય થયું.
- Advertisement -
વિરામ:
કોઈપણ જગ્યાએ થતો અન્યાય દરેક જગ્યાએ થતા ન્યાય માટે એક ખતરો છે.
– માર્ટિન લ્યુથર કિંગ જુનિયર
હવે આ તો થઈ ન્યાયની દેવીની વાત પણ પ્રાચીન સંસ્કૃતિમાં ન્યાયના પ્રતીક તરીકે પૂજાતા એવા ઘણા દેવી દેવતાઓ હતા તો તે બધાનો પણ અછડતો પરિચય મેળવી લઈએ.
થેમીસ:
ગ્રીક પુરાણોમાં વર્ણિત એવા આ દેવી જ મૂળ ન્યાયની દેવી માનવામાં આવે છે. તેના હાથમાં પણ તુલા અને તલવાર જોવા મળે છે. તેના પતિ અને હવે તો કોમિક્સના એક પાત્ર તરીકે બહુ જ પ્રખ્યાત એવા દેવતા ઝિયસને પણ અમુક અભિપ્રાયો મુજબ ન્યાયના દેવ ગણવામાં આવે છે. તે બંનેની પુત્રી ડાઈક અથવા ડાઈસ પણ ન્યાયના પ્રતીક તરીકે જ પૂજાતી અને એ રીતે જ રોમનો તેને જ જસ્ટિશિયા તરીકે પૂજતા. અને આ જસ્ટિશિયા જ આગળ જઈને ન્યાયનો સિમ્બોલ બની.
મા’ત:
ઇજિપ્શિયન માયથોલોજીમાં માં’તને ન્યાયના દેવી ગણવામાં આવે છે. તેના સિવાય તેઓ કાનૂન તથા નીતિમતાના પણ પ્રતીક માનવામાં આવે છે. તેમના હાથ પર પાંખો જોવા મળે છે તથા તેમના સિરે શાહમૃગનું પીછું લગાડેલું હોય છે. થોડા સમય પહેલા આવેલી માર્વેલની બહુ વખણાયેલી સિરીઝ ’મૂન નાઈટ’માં આ દેવીને એક પાત્ર તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
શમાશ:
જગતની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંથી એક એવી મેસીપોટેમીયન સંસ્કૃતિના આ દેવને ન્યાયનું સ્વરૂપ માનવામાં આવતા. તેમનું એક બીજું નં પણ હતું: ઉટુ એટલે કે સૂર્ય. એવું કહેવાય છે કે આખી દુનિયામાં પ્રતિદિન થતી દરેક ઘટના તેઓ જોઈ શકતા અને એટલે જ તે દુનિયાના સંરક્ષણ અને ન્યાયનું દાયિત્ય તેમના શિરે હતું, તેઓને એક દાઢીધારી વ્યક્તિ કે જેના હાથમાં દંડ અને વલય હોય એ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે.
શનિ:
છેલ્લે આપણી હિન્દૂ સંસ્કૃતિ પર આવીએ તો ન્યાયના દેવ તરીકે શનિને માનવામાં આવે છે. કર્મનો હિસાબ કરીને શનિદેવ બધાને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે એટલે તેઓ ન્યાયના દેવતા ગણાય છે. શ્યામ વર્ણ ધરાવતા શનિ મોટાભાગે કાગડા પર વિરાજમાન જોવા મળે છે. તેમને નવગ્રહોમાંથી એક માનવામાં આવે છે. ભારતમાં તેમના મંદિરો ઘણી જગ્યાએ જોવા મળે છે.
પૂર્ણાહુતિ:
જેમ ન્યાયના દેવતા શનિ છે તેમ ધર્મરાજ તરીકે ઓળખાતા યમ એ મૃત્યુના પણ દેવ છે. ધર્મ અને મૃત્યને એકબીજા સાથે સાંકળવાની આ વિચાર જ કેવો જોરદાર છે , નહી કે?