દેશ-વિદેશના 2000 ડેલિગેટ્સ હાજર રહ્યા, બે દિવસીય સેમિનારમાં 10 વિષય પર ચર્ચા-વિચારણા થઇ
ખાસ-ખબર સંવાદદાતા
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દેશમાં પ્રથમ વખત દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ઇન્ટરનેશલ લો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદેશના 50થી વધુ પ્રતિનિધિઓ અને દેશના ટોચના વકીલો, સુપ્રીમકોર્ટ, હાઇકોર્ટના ચીફ જસ્ટીસો અને તમામ બાર કાઉન્સિલના સભ્યો સહિત દેશ-વિદેશના કુલ 2000 ડેલિગેટ્સ હાજર રહ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કાયદા મંત્રી અર્જુન મેઘરાજ, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડ, એડવોકેટ જનરલ તુષાર મહેતા, બી.સી.આઇ. ચેરમેન મનનકુમાર મીશ્રાના હસ્તે કરવામાં આવ્યું હતું.
બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારમાં કાનૂની ટેક્નોલોજી, એન્વાયરમેન્ટ લો, ઉભરતા કાયદાકીય વલણો, લીટીગેશનના પડકારો સહિતના 10 વિષય પર આંતરરાષ્ટ્રીય મહત્વના વિવિધ કાનૂની વિષયો પર સંવાદ અને ચર્ચા અને વિચારોની આપ-લે થઇ હતી. આ વિષયો પર સુપ્રીમ કોર્ટના જજ ગવાઇ, જજ અમાનુલા, જજ નરસિંહા, જજ કૌલ, જજ એમ.એમ. સુંદરેશ, જજ બેલાબેન ત્રિવેદી, જજ ખન્ના, જજ અરવિંદકુમાર, જજ એમ.આર.શાહ, જજ પલ્લીએસ, જજ સોલી સોરબજીત સહિતના 20થી વધુ જજોએ ચર્ચા કરી હતી.
- Advertisement -
દેશમાં પ્રથમ વખત યોજાયેલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વકીલોને પડતી મુશ્કેલી દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડે સેમિનાર પર ભાર મૂક્યો હતો અને દેશમાં ઝડપી ન્યાય મળે તેની હિમાયત કરી હતી. આ તકે વડાપ્રધાને જણાવ્યું હતું કે, દરેક નાગરીકોને લાગવું જોઇએ કે કાયદો તેમનો છે. વર્ષોથી ન્યાયતંત્ર અને બાર ભારતની ન્યાયિક વ્યવસ્થાના રક્ષકો છે. કાનૂની વ્યવસાયના અનુભવે સ્વતંત્ર ભારતના પાયાને મજબૂત કરવાનું કામ કર્યુ છે. નારી શક્તિ વંદનાનો કાયદો ભારતમાં મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસને નવી દિશા અને ઉર્જા આપશે. તેમજ જ્યારે વૈશ્ર્વિક જોખમો હોય છે ત્યારે તેનો સામનો કરવાની રીત પણ વૈશ્ર્વિક હોવી જોઇએ, તેમ જણાવ્યું હતું.
કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે આંતર રાષ્ટ્રીય કોન્ફરન્સના સમાપન સમારંભમાં દેશના રત્ન ટોચના વકિલો સ્વ. રામ જેઠમલાણી, ફલો અરનરીમાન, કે.કે. વેણુગોપાલનું એવોર્ડથી સન્માન કર્યું હતુું. આ કોન્ફરન્સનો ઉદ્ેશ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વિવિધ કાનૂની વિષયો પર અર્થપૂર્ણ સંવાદ અને ચર્ચા-વિચારણા, અનુભવોના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવું, આંતરરાષ્ટ્રીય સહકાર અને કાનૂની મુદ્દાઓની સમજને મજબૂત બનાવવાનો હતો.