‘વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવી કેન્દ્ર અને રાજ્યમાં એકસૂત્રતાનો સુભગ સમન્વય રચીને વિકાસની ગતિ ઝડપી બનાવીએ’
રાજકોટની બેઠકો પર કેસરિયો લહેરાવવા અને કમળના નિશાનવાળુ બટન દબાવવા અનુરોધ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
1 ડિસેમ્બર ગુરુવારે, આવતીકાલના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજવવાનું છે ત્યારે ભાજપના ઉમેદવારો રાજકોટ પૂર્વ વિધાનસભા-68 બેઠક પરથી ઉદયભાઈ કાનગડ, પશ્ચિમ વિધાનસભા-69 બેઠક પરથી ડો. દર્શિતાબેન શાહ, દક્ષિણ વિધાનસભા-70 બેઠક પરથી રમેશભાઈ ટીલાળા અને ગ્રામ્ય વિધાનસભા-71 બેઠક પરથી ભાનુબેન બાબરીયાને મત આપવા મતદારોને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા અનુરોધ કર્યો છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મત એટલે ગુજરાતની શાંતિ અને સલામતીને મત. ગુજરાતીઓની ઉન્નતિ અને સમૃદ્ધિને મત એવું જણાવતા ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયાએ કહ્યું છે કે, રાજકોટની ચારેય બેઠકો પર ભાજપ ઉમેદવારોને ભવ્ય વિજય અપાવી સબકા સાથ સબકા વિકાસનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અનોખું સપનું મજબૂતપણે સાકાર કરવા કમળના નિશાનવાળું બટન દબાવવું, મતદાતાઓએ પોતાનો કિંમત અને અમૂલ્ય મત ભાજપને આપવો.
કેન્દ્રમાં આઠ અને રાજ્યમાં અઠ્ઠાવીસ વર્ષથી ભાજપની સરકાર છે. રાજકોટની જનતાએ હંમેશા ભાજપને હૃદય સિંહાસને બેસાડ્યો છે તેના પરિણામ-સ્વરૂપ આજે ગુજરાતમાં વિકાસની ગાડી પૂરપાટ દોડી રહી છે. કેન્દ્ર અને મહાનગરપાલિકાની ચૂંટણી જેમ જ વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના પ્રતિનિધિઓને વિજયી બનાવવાથી સોનામાં સુગંધ ભળશે, રાજકોટથી લઈ રાજઘાટ સુધી વિકાસ કાર્યોનો સુભગ સમન્વય રચાશે. ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો કેન્દ્રમાં લોકસભા અને રાજ્યસભાની અંદર નરેન્દ્રભાઈ મોદીની શક્તિ વધારશે. કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીન સરકારને ઈંધણ મળી રહેશે.
છેલ્લા અઢી દાયકા દરમિયાન ગુજરાતમાં દરેક ગામ, નગર, શહેરમાં અનેક પ્રજાકીય વિકાસ કાર્યો થયા છે અને થઈ રહ્યા છે. રાજ્યભરમાં રસ્તા, ગટર વ્યવસ્થા, સફાઈ, પાણી પુરવઠા, વીજળી તેમજ શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓના ક્ષેત્રે ભરોસાની ભાજપ સરકાર દ્વારા નોંધપાત્ર કામો થયા છે તે હકીકત સર્વવિદિત છે. ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને રાજકોટના વિકાસે દેશભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને અન્ય રાજ્યોના લોકો ગુજરાત જેવો વિકાસ પોતાના રાજ્યમાં પણ થાય, રાજકોટ જેવું સ્માર્ટ અને ક્લિન સિટી પોતાના રાજ્યમાં પણ થાય એવી અપેક્ષા રાખી રહ્યા છે તે ગુજરાત અને રાજકોટની પ્રજાએ ભાજપ પર મૂકેલા અનન્ય વિશ્વાસનું પરિણામ છે ત્યારે ગુજરાતમાં વિકાસની ગાડી ધીમી પડે નહીં પરંતુ, વધુ ઝડપથી દોડે તે માટે રાજકોટની ચારેય બેઠકો પરથી ભાજપ ઉમેદવારો પૂર્વમાં ઉદયભાઈ કાનગડ, પશ્ચિમમાં ડો. દર્શિતાબેન શાહ, દક્ષિણમાં રમેશભાઈ ટીલાળા અને ગ્રામ્યમાં ભાનુબેન બાબરીયાને જીત અપાવવી જરૂરી છે એવું જણાવી ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયાએ મતદાતાઓને ભાજપ તરફી મતદાન કરવા અનુરોધ કર્યો છે.