દરેક મકાન માલિક પોતાનું ઘર ભાડે આપે ત્યારે ભાડા કરાર કરાવે છે. ભલે ઘર આખા વર્ષ માટે ભાડે આપ્યું હોય, પણ ભાડા કરાર તો 11 મહિનાનો જ બંને છે.
આપણા દેશમાં મોટાભાગના લોકો કામ અને નોકરીની શોધમાં મોટા શહેરોમાં જાય છે. અહીં તેઓ ભાડે ઘર રાખીને રહે છે અને પોતાનું જીવન ગુજારે છે. દિલ્હી, મુંબઈ હોય કે અમદાવાદ હોય, બહારથી આવેલા લોકો જયારે ઘર ભાડે લે છે ત્યારે તેને ભાડા કરાર (Rent Agreement) બનાવવાનો હોય છે. આ કરાર મકાન માલિક અને ભાડુઆત વચ્ચે થાય છે, જેમાં ઘણી માહિતી લખેલી હોય છે અને આ કરાર સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનો હોય છે. પરંતુ ખાસ વાત એ છે કે આખા વર્ષનો ભાડા કરાર 11 મહિના માટે જ બંને છે. એવામાં લોકોને એવો વિચાર ચોક્કસ આવે છે કે આખા વર્ષનો કરાર માત્ર 11 મહિના માટે કેમ બંને છે? એક મહિનો ઓછો કેમ? આની પાછળનું કારણ શું? તો ચાલો જાણીએ
- Advertisement -
કેમ 11 મહિનાનો જ બંને છે ભાડા કરાર
આપણા દેશના કાયદાઓમાં ભાડૂતો માટે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આમાંથી એકમાં ભાડા કરાર સાથે જોડાયેલો કાયદો પણ સામેલ છે. વર્ષમાં ભલે 12 મહિના હોય છે, પરંતુ ભારતીય નોંધણી અધિનિયમ, 1908ની કલમ 17 (D) હેઠળ, એક વર્ષથી ઓછા સમયગાળા માટે ભાડા કરાર અથવા લીઝ એગ્રીમેન્ટનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી. આનો અર્થ એ થયો કે મકાનમાલિકો કોઈપણ રજિસ્ટ્રેશન વગર માત્ર 11 મહિનાનું જ રેન્ટ એગ્રીમેન્ટ કરાવી શકે છે. એટલે કે, મકાન ભાડે આપતી વખતે, મકાનમાલિકો અને ભાડુઆતોએ દસ્તાવેજ રજિસ્ટર કરાવવા અને રજીસ્ટ્રેશન ચાર્જ ચૂકવવા માટે સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં જવાની જરૂર પડતી નથી.
ભાડુઆત અને મકાનમાલિક વચ્ચેના વિવાદમાં ભજવે છે મોટી ભૂમિકા
નિષ્ણાતોના મતે ભારતમાં ભાડા અંગે બનેલા મોટાભાગના કાયદા ભાડુઆતોની તરફેણમાં રાખવામાં આવ્યા છે. એટલે જો મિલકતના માલિકનો કોઈ ભાડૂઆત સાથે વિવાદ થઈ જાય છે અને તે ભાડુઆત પાસેથી મિલકત ખાલી કરાવવા માંગે છે, તો તે તેના માટે આ ખૂબ મુશ્કેલ કામ બની જાય છે.
નાની ભૂલના કારણે મિલકત માલિકે પોતાની જ મિલકત માટે વર્ષો સુધી કાનૂની લડત લડવી પડે છે. આ એક મોટું કારણ છે કે માત્ર 11 મહિનાનો જ નોટરી રેન્ટ એગ્રીમેન્ટ કરવામાં આવે છે અને તે કાયદેસર રીતે માન્ય છે. જો કોઈ વિવાદ ઊભો થાય છે, તો કરાર પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. રેન્ટ ટેનન્સી એક્ટ હેઠળ, જો ભાડા અંગે કોઈ વિવાદ હોય અને મામલો કોર્ટમાં જાય છે, તો કોર્ટને અધિકાર છે કે તે ભાડું નક્કી કરી આપે. પછી મકાનમાલિક એનાથી વધારે ભાડું વસૂલ કરી શકે નહીં.
- Advertisement -
રજિસ્ટ્રાર ઓફિસનાં આંટા નથી મારવા પડતા
11 મહિના માટે ભાડા કરાર કરવા પાછળનું બીજું મોટું કારણ અથવા ફાયદો એ છે કે આ સમયગાળાના કરાર માટે સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી ચૂકવવી પડતી નથી, જો રેન્ટ એગ્રીમેન્ટ એક વર્ષથી ઓછા સમયગાળા માટે કરવામાં આવ્યો છે તો તેના પર ચૂકવવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટી ફરજિયાત નથી. 11 મહિનાનો ભાડા કરાર મકાનમાલિકની તરફેણમાં હોય છે. ભાડા કરાર માટેની ફી ભાડુઆતે ચૂકવવાની હોય છે. સામાન્ય રીતે, નોટરી રેન્ટ એગ્રીમેન્ટનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે 100 રૂપિયા અથવા 200 રૂપિયાના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે.