ઓડિયો વાયરલ થતાં સર્જાયો વિવાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
અમરેલીમાં રાજકારણ અને સમાજમાં હડકંપ મચાવનારી ઘટનામાં સામે આવી છે. અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણી સામે ગંભીર ગુનો નોંધાયો છે. સુરેન્દ્રનગરમાં એક સભામાં જવાના મુદ્દે લાલાવદર ગામના એક દલિત સમાજના આગેવાન સાથે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર ધાનાણી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર વિવાદ એક ઓડિયો ક્લિપ વાયરલ થવાથી સર્જાયો છે. મળતી માહિતી અનુસાર આ વિવાદ બે દિવસ અગાઉ શરૂ થયો હતો. લાલાવદર ગામના કેટલાક લોકો સુરેન્દ્રનગરમાં યોજાયેલી એક સભામાં હાજરી આપવા ગયા હતા. આ વાતથી નારાજ થઈને તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ ગામના દલિત સમાજના આગેવાન મહેશભાઈ ઉર્ફે જીગાભાઈ ભાનુભાઈ માધડને ફોન કર્યો હતો. ફરિયાદમા જણાવ્યા પ્રમાણે ચેતન ધાનાણીએ ફોન પર મહેશભાઈ માધડને ગાળો આપી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા હોવાના કારણે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. ઉપરાંત તેમને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી પણ આપવામા આવી હતી. આ સમગ્ર વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
જેના પગલે દલિત સમાજમાં તીવ્ર અને આક્રોશપૂર્ણ પ્રત્યાઘાતો પડ્યા હતા. ક્લિપમાં થયેલા અપમાનજનક શબ્દો સાંભળીને સ્થાનિક દલિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા. અને તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.



