કોરોના કાળમાં નોર્મલ લાઇફ માટે જરૂરી છે સરકારની ગાઇડ લાઇનનું અનુસરણ, સમયસર ટેસ્ટ અને યથા યોગ્ય સારવાર
- ભાવિની વસાણી
સમગ્ર વિશ્વની સાથે માર્ચ મહિનાથી કોરોનાએ ભારતમાં પણ દેખા દીધી છે. રાજકોટ તો જાણે થોડા દિવસો પૂર્વે કોરોનાનો ગઢ બનીને બહાર આવ્યું છે. કોરોના જેવી મહામારીને ઘણા લોકો ખૂબ જ હળવાશથી લઈ રહ્યા છે અને સરકારની ગાઇડ લાઇનનું સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળે છે. જ્યારે કેટલાક લોકો કોરોનાની ઝપેટે જરૂર ચડ્યા છે, પરંતુ સમયસર કોરોનાના લક્ષણોને ઓળખી જવાથી યથાયોગ્ય સારવાર મેળવીને હેમખેમ ઉગરી ગયા છે. કોરોનાને માત આપી ચૂકેલા રાજકોટના અગ્રણીઓએ ’ખાસ ખબર’ને પોતાનો અનુભવ જણાવી અને લોકોને ખાસ કોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવા ઉપરાંત સરકારની ગાઈડલાઈનનું અનુસરણ કરવા માટેની સલાહ આપી છે.
ભય રાખ્યા વિના ડોક્ટરની સલાહ અચૂક માનો
ડોક્ટર પંકજ રાઠોડ (રા.મ્યુ.કો. આરોગ્ય અધિકારી)
ડોક્ટર પંકજ રાઠોડ (રા.મ્યુ.કો. આરોગ્ય અધિકારી)
રાજકોટમાં 17પ દિવસની મેરેથોન સમાન ટીમવર્કની કામગીરીમાં મારા પરિવારના સભ્યોનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈશોલેશનના આકસ્મિક 14 દિવસના સ્વયં ધરવાસમાં સીમીત થઈ ગયા હતા. હું, મારી પત્ની અને મારો દીકરો હોમ આઈશોલેશનના વિરામને ’ન્યુ નોર્મલ’ તરીકે સ્વીકારીને હેમખેમ રીતે બહાર આવ્યા છીએ. જેમાં ત્રણેય સ્વતંત્ર રૂમમાં આઈશોલેશનમાં રહી એકબીજાને મદદરૂપ બન્યા હતા. એક જ ઘરમાં હોવા છતાં માત્ર ટેલીફોનીક સમ્પર્ક થતો. આરોગ્યની જાળવણી અને કાળજી મુખ્યત્વે પાંચ ’ખ’ બાબતો (1) મેડીસીન (ર) મોસંબી (કે અન્ય પ્રવાહી)(3) માસ્ક (રક્ષણ) (4) મેડીટેશન (માનસિક મજબૂતી) (પ) મેનેજમેન્ટ (સમય અને સ્વયં શિસ્ત)ને અપનાવી અને કોરોનાને માત આપી હતી. લોકોને સંદેશ છે કે કોરોનાનું વહેલુ નિદાન અને ઝડપી સારવાર કરાવી રાજકોટમાં કોરોનાનું સક્રમણ ઘટાડીએ.ખોટોભય રાખ્યા સિવાય ડોકટરની દર્શાવેલી સલાહ અચૂક માનીએ.
- Advertisement -
સશક્ત વ્યક્તિને પણ કોરોના થઈ શકે છે
અતુલ રાજાણી (વોર્ડ નં. 3 કોર્પોરેટર)
અતુલ રાજાણી (વોર્ડ નં. 3 કોર્પોરેટર)
સલ્મ એરિયામાં કોરોના પેશન્ટને મદદ કરતી વખતે ક્યાંકથી કોરોનાનો ચેપ લાગ્યો હશે. સૌપ્રથમ દીકરી રિદ્ધિને તાવ આવ્યો બીજા 24 કલાકમાં મારા પત્ની રૂપલને અને મને પણ આવી ગયો. સૌ પ્રથમ ટેસ્ટ જતો રહ્યો ત્યારબાદ સ્મેલ પણ આવતી ન હતી. કોરોનાની આશંકાએ ડોક્ટર સંજય ભટ્ટને ફોન કર્યો અને કોવિડ ટેસ્ટ કર્યા. ત્રણેયના પોઝિટિવ આવ્યા બાદ પ્રથમ વખત ઝટકો જરૂર લાગ્યો પરંતુ પરિવારના સભ્યો સાથે હોય એકબીજાને હિંમત આપતા રહ્યા. ઘરે જ સેલ્ફ આઈસોલેશનમાં રહ્યા અને ત્રણ ટાઈમ મેડિકલ પ્રેક્ટિશનર બધું ચેક કરતા હતા. આ દિવસોમાં નબળાઈ ખૂબ જ હતી. ગરમ પાણી, હળદર-લીંબુના ઉકાળા અને ફળો ખુબજ લીધા અને આરામ કર્યો હતો. સ્નેહીજનો અને પાડોશીઓએ ખૂબ જ સપોર્ટ કર્યો માટે એકલા હોવા છતાં એકલું લાગ્યું નથી. લોકોને સંદેશ છે કે શરદી-ઉધરસ અને તાવને હળવાશથી ન લો, કોઈ જ ભ્રમમાં ન રહેવું, સશક્ત વ્યક્તિને પણ કોરોના થઈ શકે છે
તમારા થકી વડીલોને તકલીફ ન થાય તે ધ્યાન રાખો
વી.કે.ગઢવી (પોલીસ અધિકારી)
વી.કે.ગઢવી (પોલીસ અધિકારી)
કચ્છ ગયો હતો ત્યાંથી રિટર્ન થયા બાદ મને તાવ અને કળતરના લક્ષણો જોવા મળ્યા હતા. કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ પોઝીટીવ આવ્યો હતો. આ સમયમાં સારો ખોરાક, વિટામિન સી, નાસ, ગરમ પાણીના કોગળા વગેરે યથાયોગ્ય કાળજી રાખી શાંતિપૂર્વક સામનો કર્યો. ઘરે જ હોમ આઇસોલેશનમાં ત્રણ દિવસ રહ્યા બાદ કોરોનાના લક્ષણો જતા રહ્યાં, દસમા દિવસે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ દિવસોમાં પોલીસ વિભાગમાં વર્ક ફ્રોમ હોમ ચાલુ રાખ્યું હતું. મન મજબૂત રહે તેવું વાંચન કર્યું હતું. આ સ્થિતિમાં નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ. લોકોને સલાહ છે કે કોરોના થાય તો ગભરાશો નહીં અને સરકારની ગાઇડ લાઇનનું પાલન કરો, ધ્યાન રાખો કે વડીલોને તમારા થકી તકલીફ ન થાય.
કોરોના થાય તો સમયસર હોસ્પિટલાઈઝ થવું
કશ્યપ શુક્લ (વોર્ડ નં. 7 કોર્પોરેટર, ભાજપ)
કશ્યપ શુક્લ (વોર્ડ નં. 7 કોર્પોરેટર, ભાજપ)
મોટાભાઈ વી.વી.પી. કોલેજના ટ્રસ્ટી હોય કોઈ સંક્રમિત કર્મચારીના સંપર્કમાં આવ્યા બાદ તેમને અને કદાચ તેમના સંપર્કમાં આવવાથી મને પણ કોરોના થયો હશે. બીજા-ત્રીજા દિવસે સંપર્કમાં આવ્યા બાદ મને તાવ આવ્યો હતો. ડો.દર્શિતા બેન શાહના માર્ગદર્શનથી લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ બાદ સીટીસ્કેનનો રિપોર્ટ કરાવવા માટે બેગ તૈયાર કરીને જ ગયો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિનર્જી હોસ્પિટલમાં દસ દિવસ સારવાર માટે દાખલ થયો હતો. ઘરમાં મારા માતા તેમજ પુત્રી રહે છે તેમને કોઈને કંઈ લક્ષણ નહોતા. સાતમા દિવસે હું કોવિડમાંથી બહાર આવ્યો પરંતુ મોટા ભાઈની પરિસ્થિતિ સારી ન હોય હોસ્પિટલમાંથી રજા લઇને જવાબદારી સંભાળી હતી. રેમેડિઝનો કોર્સ પૂર્ણ કર્યો હતો. જીવવા માટે પૂર્ણ આત્મવિશ્વાસ હતો તે માટે જીતી ગયો છું,સૂંઠના પ્રયોગથી ઘણો ફાયદો થયો છે. સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું, તેમજ કોરોના આવે તો ડરવું નહીં તથા સમયસર હોસ્પિટલાઈઝ થઈ જવું જોઈએ.
- Advertisement -
ઓક્સિજન લેવલ કોઈપણ ભોગે ડ્રોપ થવું જોઈએ નહીંં
ડો.અમિત હાપાણી (કાર્ડિયોલોજિસ્ટ)
ડો.અમિત હાપાણી (કાર્ડિયોલોજિસ્ટ)
પ્રાથમિક લક્ષણોમાં ડાયેરિયા જેવું જોવા મળ્યું હતું, જેની દવા કરી છતાં બીજા દિવસે કળતર અને પછી તાવ આવ્યો હતો. બે દિવસ બાદ ટેસ્ટ કરાવ્યો અને પોઝિટીવ આવ્યો ત્યારે એન્ટિવાયરલ દવાઓ લીધી હતી, અને ઘરમાં સેલ્ફ ક્વોરેન્ટાઇન હતો.હું પોતે ડોક્ટર છું ત્યારે મોનેટરિંગ ચાલુ રાખ્યું હતું અને યથાયોગ્ય સારવાર શરૂ કરી દીધી હતી. ચોથા-પાંચમા દિવસે સ્વાદ પણ જતો રહ્યો હતો. 14 દિવસ ટોટલ આઇસોલેશનમાં રહી અને સરળતા પુર્વક સામનો કર્યો હતો. કોરોનાના લક્ષણ દેખાય તો સમયસર ટેસ્ટ કરાવવો જોઇએ જેથી સંક્રમણનો ભોગ આપણા સ્વજનો ન બને. ઓક્સિજન લેવલ કોઈપણ ભોગે ડ્રોપ થવું જોઈએ નહીં. કોરોના ન થાય તે માટે સેનેટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ (જખજ)ને જ જીવનમંત્ર બનાવવો અને લોકોને પણ સમજાવવું જરૂરી છે.
મંઝિલ ઉનકો મિલતી હૈ જીનકે હોંસલો મેં જાન હોતી હૈ
હસમુખ ધાંધલીયા (પી.એસ.આઇ)
હસમુખ ધાંધલીયા (પી.એસ.આઇ)
કોરોનાના લક્ષણોથી સમયસર ચેતી જવાથી રિકવર થઈ ગયો, પરંતુ ફરીથી પણ આવી શકે છે. 24 ઓગસ્ટે કોરોના ડિટેક્ટ થયા બાદ છ-સાત દિવસ આયુર્વેદિક દવાઓ જ લીધી હતી. સિહોરના તબીબ ડો. સરવૈયા ના માર્ગદર્શન હેઠળ દવાઓ તેમજ ગરમ પાણી અને ઉકાળાનું સેવન ચાલુ રાખ્યું હતું. એક વખત પ્લાઝમા પણ ડોનેટ કર્યું છે. કોરોના થાયતો સૌપ્રથમ મન મજબૂત રાખવું જરૂરી છે, તેમ જ એક્સરસાઇઝ જરૂરી છે. મને કોરોના ડિટેક્ટ થયો તે પહેલાં તાજેતરમાં જ કમાન્ડો ટ્રેનિંગ પૂર્ણ થઈ હતી તે મને કામ લાગી છે. લોકોને સંદેશ આપીશ કે “મંઝિલ ઉનકો મિલતી હૈ જીનકે હોંસલો મે જાન હોતી હૈ, પંખ સે કુછ નહીં હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ.”
કોરોનાથી ન ડરો કે ન તેને અવગણો
એચ.એમ.ગઢવી (પી.આઈ)
એચ.એમ.ગઢવી (પી.આઈ)
કોરોનાના આગમન સાથે જ ત્રણ મહિના પહેલા માતા અને ભાઈ બંનેના પૂર્ણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઘરમાં બધા એ ટેસ્ટ કરાવ્યા હતો.બાદમાં ઘરના તમામ નવ સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બધાએ સાથે મળીને શાંતિપૂર્વક સામનો કર્યો હતો. ઘરે તમામ પ્રકારની તકેદારી રાખી હતી. મમ્મીની ઉંમર 74 વર્ષ હોય તેમના સિવાય કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ઊભી થઈ ન હતી. દવા અને સારવાર નિયમિત રીતે કર્યા સાથે તુલસીના પાન, હળદર વગેરેનું સેવન કર્યું. કોરોનાથી મૃત્યુ થાય જ તેવું નથી પરંતુ હિંમતથી કામ લેવું જોઈએ. કોરોનાથી ડરવાનું નથી પરંતુ તેને અવગણવાનો નથી.
કોરોનાને અવગણશો તો જ તકલીફ થશે
ગુણવંતભાઈ ડેલાવાળા (સરગમ ક્લબ)
ગુણવંતભાઈ ડેલાવાળા (સરગમ ક્લબ)
રામનાથપરા મુક્તિધામમાં સેવા આપવા જતો હતો ત્યાં કોવિડ વાળી બોડી નિયમિત રીતે આવતી હોય કોઈ કારણસર ધ્યાન રાખવા છતાં ચેપ લાગ્યો હતો. પ્રાથમિક શરદી અને ઉધરસના લક્ષણો આવ્યા બાદ ડોક્ટર પાસે ચેકઅપ કરાવી અને છ દિવસ ઘરે રહ્યો હતો. ત્યારબાદ ઓક્સિજન ઓછું લાગ્યા બાદ સીટી સ્કેન કરાવ્યું હતું અને ટેસ્ટમાં માઇનર કોરોના આવ્યો હતો. ત્રણ દિવસમાં લીંબુપાણી, મોસંબીનો જ્યૂસ, હળદરનો ઉકાળો અને સુંઠની છીંકણી વગેરેના પ્રયોગથી ત્રણ દિવસમાં ઓક્સિજન લેવલ બરાબર આવી ગયું બીજા પંદર દિવસ આરામ કર્યો અને બહાર આવી ગયો. સમયસર ચેતી જવાના કારણે ફેફસાં ડેમેજ થયા નથી અને રિકવરી જલ્દી થઈ ગઈ. કોરોનાથી ડરવાની જરૂર નથી પરંતુ તેને અવગણશો તો તકલીફ થશે.
સત્વરે ટેસ્ટ કરવાથી યથાયોગ્ય સારવાર શક્ય
અનિલ દેસાઈ (સિનિયર એડવોકેટ)
અનિલ દેસાઈ (સિનિયર એડવોકેટ)
મને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો ખબર નથી માત્ર શરદી-ઉધરસ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. પરિવારના તમામ સભ્યોના ટેસ્ટ કરાવ્યા હતા, મને પોઝિટિવ આવ્યો હતો પરંતુ માઇનર હતો. ડોક્ટર સંજય ભટ્ટના માર્ગદર્શનથી ઘરમાં આઇસોલેટ થઈને રહ્યો અને સફળતાથી બહાર આવ્યો. સમયસર કોરોના ડિટેક્ટ થયો અને દવા નિયમિત લીધી તેનો ફાયદો થયો. હું એવું દ્રઢતા પૂર્વક માનું છું કે દરેક વ્યક્તિએ લક્ષણો દેખાય તો આ ટેસ્ટ સત્વરે કરાવવો જોઈએ જેથી યથા યોગ્ય સારવારથી પરિણામ પણ ચોક્કસ મળશે.
જાતે સંભાળ રાખશો તો થશે કુટુંબનું કલ્યાણ
ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય)
ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય)
પ્રાથમિક રીતે મને થોડા ઘણા કોરોનાના લક્ષણ જેવું લાગ્યું હતું. પ્રથમ બે વખત ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ સીટીસ્કેન કરાવ્યું તેમાં બે ટકા જેટલો બતાવતો હતો. આ વખતે ડો.ડોબરીયાના માર્ગદર્શનથી હોસ્પિટલમાં એડમિટ થયો હતો. સમયસર ચેતી જવાથી મને ફાયદો થયો છે. કોરોનાથી ડર્યા વગર ટેસ્ટ કરાવવો જરૂરી છે. ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પણ હરખાવવું જોઈએ નહીં. લોકોને સંદેશ છે કે ડોક્ટરની સલાહ લઇ ટ્રીટમેન્ટ શરૂ કરી જાતે સંભાળ રાખશો તો કુટુંબનું પણ કલ્યાણ થશે.