કોરોનાની બીજી લહેર સાથે જ ભારતમાં સંક્રમિતોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. આ લહેરમાં અનેક નવાં લક્ષણો પણ જોવા મળી રહ્યા છે જે એ વાતનો સંકેત આપે છે કે વાયરસ માત્ર ફેફસા જ નહીં પરંતુ શરીરના અન્ય અંગો ઉપર પણ અસર કરી રહ્યો છે. તબીબોના જણાવ્યા પ્રમાણે જેમ જેમ શરીરમાં કોરોના વાયરસનો હુમલો વધે છે તે ઈમ્યુન સિસ્ટમને કમજોર કરવાની સાથે સાથે બીજા બોડી પાર્ટસમાં સોજા લાવી દે છે. જો કોઈ વ્યક્તિને ડાયાબીટીઝ, હાઈપર ટેન્શન અથવા મેદસ્વીતાની સમસ્યા હોય તો પછી કોરોનાની શરીર પર અસર વધુ થાય છે. આવામાં જરૂરી છે કે તમે કોરોનાથી સંક્રમિત થયા બાદ તમામ લક્ષણો ઉપર ધ્યાન આપો અને શરીરમાં થનારા કોઈ પણ પ્રકારના ફેરફાર નજરઅંદાજ ન કરો.
હૃદય પર અસર
જે લોકોને પહેલાંથી જ હાર્ટ સંબંધી કોઈ બીમારી હોય અથવા જેનું મેટાબોલિક સિસ્યમ ખરાબ હોય તે લોકોમાં કોવિડ-19 થવાનો ખતરો વધુ રહે છે. સાર્સ-કોવ-2 વાયરસ કોરોના દર્દીઓના દિલની માંસપેશીઓમાં સોજા વધારી દે છે. હાવર્ડ હેલ્થ પબ્લીકેશન અનુસાર કોરોનાના લગભગ એક ચતુર્થાંશ દર્દી જેને ગંભીર લક્ષણ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેમાં હાર્ટ સાથે જોડાયેલી સમસ્યા પણ જોવા મળી છે. તેમાંથી લગભગ એક તૃતિયાંશ લોકોમાં પહેલાંથી જ કાર્ડિવસ્ક્યુલર ડિસીઝ હતા. પબ્લીકેશન અનુસાર અસામાન્ય હૃદય ગતિ, દિલનું જોર-જોરથી ધડકવું, છાતીમાં દુ:ખાવો અને થાક જેવા લક્ષણ ઘણી વખત કોરોના વાયરસના દર્દીઓમાં જોવા મળે છે.
- Advertisement -
ન્યુરોલોજિકલ સમસ્યા
પાછલા થોડા અભ્યાસ અનુસાર કોવિડ-19ના દર્દીઓમાં માનસિક દુવિધા, ભ્રમ, માથાનો દુ:ખાવો, ચક્કર આવવા અથવા ધુંધળું દેખાવું જેવાં લક્ષણો સામે આવ્યા હતા. જામા ન્યુરોલોજીમાં છપાયેલા એક અભ્યાસ અનુસાર વુહાનની હોસ્પિટલમાં દાખલ 214માંથી એક તૃતિયાંશ કોરોનાના દર્દીઓમાં ન્યુરોલોજિકલ લક્ષણ જોવા મળ્યા હતા જેમને હાર્ટએટેક અથવા સ્ટ્રોક આવવા જેવા ગંભીર લક્ષણો પણ હતાં. આ અભ્યાસમાં દાવો કરાયો છે કે કોવિડ-19ની અસર લાંબા સમય સુધી રહી શકે છે જેના કારણે દર્દીઓમાં આગળ જઈને અલ્ઝાઈમર અને પાર્કિસન્સ રોગ જેવી બીમારીઓ પણ થાય છે.
કિડની થઈ શકે છે ખરાબ
અન્ય સમસ્યાઓ ઉપરાંત કોરોનાના દર્દીઓમાં કિડની સમસ્યા પણ વધતી જઈ રહી છે. સાર્સ-કોવ-2 કોશિકાઓને સંક્રમિત કરે છે જેમાં વાયરલ સ્પાઈક પ્રોટીન એસીઈ-2 રિસેપ્ટર્સ સાથે જોડાઈ જાય છે. આ કારણતી કિડની સહિત અનેક અંગોની કોશિકાઓ સંક્રમિત થઈ જાય છે. કિડનીમાં પહોંચ્યા બાદ આ વાયરસ ગંભીર સોજા લાવી દે છે જેની અસર કિડનીના ટીશ્યુ પર પડે છે જેના કારણે યુરિનની માત્રા ઘટી જાય છે. કોરોનાથી સાજા થયા બાદ પણ કિડની યોગ્ય રીતે કામ કરી શકતી નથી.
બ્લડ ક્લોટ
કોવિડ-19 શરીરમાં ગંભીર સોજા લાવી દે છે જેના કારણે અનેક લોકોમાં લોહીના ગાંઠા બનવા લાગે છે. આ પાછળનું મુખ્ય કારણ શું છે તે અંગેનો અભ્યાસ ચાલી રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે એસીઈ-2 રિસેપ્ટર્સ સાથે જોડાયા બાદ સાર્સ-કોવ-2 વાયરસ રક્તવાહિકાઓ ઉપર દબાણ લાવે છે જેના કારણે બનનારું પ્રોટીન બ્લડ ક્લોટિંગ વધારે છે. ડોક્ટરોએ અનેક એવા કેસ બતાવ્યા છે જ્યાં લોહીના ગાંઠા માત્ર ફેેફસા જ નહીં પરંતુ પગની નસો અને શરીરના અન્ય હિસ્સોમાં પણ જોવા મળ્યા છે.
- Advertisement -
સાજા થવાના સમય પર અસર
સોજા આવી જવાને કારણે દર્દીને સાજા થવામાં સમય લાગી જાય છે. આ વાયરસ માત્ર ફેફસા જ નહીં પરંતુ દિલ-દિમાગ ઉપર પણ અસર કરે છે જેના કારણે લાંબા સમય સુધી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહેવાનો ખતરો વધી જાય છે.