કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતની વર્ષભેર ચલાવેલી રજૂઆતનો પડઘો
વિદ્યાર્થીઓના હિત માટે સઘન પ્રયત્નો સફળ થયા : ડિસે. 2025 સુધીમા ભરતી પૂર્ણ કરવા સરકારનો આદેશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ખાલી જગ્યાઓના કારણે વહીવટ અને શિક્ષણકાર્ય પર સીધી અસર પડી રહી હતી. 372 મંજૂર પદો સામે ફક્ત 154 જગ્યાઓ પર કાયમી ભરતી થઈ હતી જ્યારે 218 જગ્યાઓ લાંબા સમયથી ખાલી હતી. આવી સ્થિતિમાં આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ દ્વારા કામ ચલાવવામાં આવતું હતું.
વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખી આ મહત્વની જગ્યાઓ ભરાવા માટે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે છેલ્લા એક વર્ષથી સતત પ્રયાસો હાથ ધર્યા હતા. આરટીઆઈ મારફતે સ્પષ્ટ માહિતી મેળવીને યુનિવર્સિટીમા ખાલી પડેલી અધધ જગ્યાઓને મીડિયાના માધ્યમોથી ઉજાગર કરીને રાજ્યસરકાર સમક્ષ વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી. છેલ્લે તા. 25 માર્ચ, 2025 ના રોજ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અમિતભાઈ ચાવડાના માધ્યમથી આ મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ તાકિદપૂર્વક રજૂઆત થઈ હતી.
આ રજુઆતોના પગલે તેમજ યુનિવર્સિટીની વહીવટી બાબતોની કથળતી સ્થિતિને ધ્યાને લઈને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક સહિત કુલ 190 શૈક્ષણિક અને બિનશૈક્ષણિક જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી જુદી જુદી કેડરની ખાલી પડેલી જગ્યા ભરવા માટે આખરે સરકારે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં વહીવટીમાં રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સહિત 190 જેટલી જગ્યા ભરવા માટેની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા મળી છે. હવે નવી જગ્યા ઉપર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ થકી કાયમી ભરતી કરાશે. રાજ્ય સરકાર દ્વારા ડિસેમ્બર- 2025 સુધીમાં ભરતી કરવા માટેની સૂચના આપેલી છે
- Advertisement -
વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને મજબૂત શૈક્ષણિક અને વહીવટી માળખું મળે એ માટે અમારી ટીમે સતત લડત આપી હતી. સરકાર દ્વારા આ મંજૂરી એક સકારાત્મક પગલું છે. ખાલી પડેલી જગ્યાઓમા ભરતી થશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટી કામો ખૂબ ઝડપથી અને સરળતાથી થશે જેથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક બાબતોમા અનેક મુશ્કેલીઓનો ઉકેલ આવી શકશે.
સરકારે ભરતીની જે સમય મર્યાદા નક્કી કરી છે તે પ્રમાણે ભરતી સુવ્યવસ્થિત અને પારદર્શકતાથી તાકીદે કરવા અમે આશા રાખી છે.