ઘર ઉપર સોડા-બોટલના ઘા, કાર-બાઇકમાં તોડફોડ : 8 સામે ફરિયાદ, CCVT આધારે તપાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના જંક્શન પ્લોટ નજીક આવેલ ઝૂલેલાલનગરમાં મોડી રાત્રે 8 શખસોની ટોળકીએ મકાન, વાહનોમાં સોડા બોટલ, ધોકા-પાઇપ વડે તોડફોડ કરી આતંક મચાવ્યો હતો અગાઉ વાહન સામસામે આવી જવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી તોડફોડ કરનાર 4 નામજોગ સહિત આઠ સામે પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે ઈઈઝટ ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.
રાજકોટના ઝૂલેલાલનગરમાં રહેતા અને ઘર નજીક જ મિનરલ વોટરનો પ્લાન્ટ ચલાવતા વેપારી આશિષભાઇ ચેતનભાઈ નેભાણી ઉ.34એ સ્લમ ક્વાટરના ફૈઝલ ઉર્ફે કાલી રહીમ ભાણું, ઈરફાન રહીમ ભાણું, અબ્દુલ દાઉદ લંજા, હસન અને ચાર અજાણ્યા સામે પ્રનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.9.6.2025ના રોજ સાંજે મારૂ એકટીવા લઇને સાંઢીયા પુલ પાસે મારી ફ્રૂટની લારી છે ત્યા જતો હતો ત્યારે ઘરથી 200 મીટર દૂર સામેથી ફૈજલ ઉર્ફે કાલી તેનુ એકસેસ લઇને આવતો હતો હું મારૂ વાહન સાઈડમાં ચલાવતો હતો તેમ છતાં ફૈઝલ મારી નજીક આવી કેમ મારી માથે તારૂ એક્ટિવા નાખે છે કહી ગાળો આપવા લાગ્યો હતો અને મારા એક્ટિવાની ચાવી કાઢી લીધી હતી બાદમાં તને અહીં જ છરીના ઘા ઝીંકી મારી નાખીશ, તારે જે કરવું હોય તે કરી લેજે કહી ધમકી આપી હતી.
આ દરમિયાન મારો ભાઈ વિજય આવી જતા અમે બંને જણા વિજયભાઇના વાહનમાં અમારા કારખાને જતા રહ્યા હતા અને મારા ભાઇએ 100 નંબરમા ફોન કર્યો હતો. જેથી પોલીસની ગાડી આવતા અમે કારખાના પાસે ઉભા હતા ઘરમેળે સમાધાનની વાત ચાલતી હતી માટે મે એ સમયે ફરિયાદ કરી ન હતી ત્યારબાદ સમાધાન કરવા માટે ગઈકાલે સવારના 11 વાગ્યે અમારા કારખાને આવવાની વાત થઈ હતી પણ આખા દિવસ દરમિયાન સમાધાન માટે કોઈ આવ્યું ન હતું.
- Advertisement -
રાત્રીના 2 વાગ્યા આસપાસ હુ મારા કાકાના દીકરા કમલેશભાઈના દીકરાની તબિયત સારી ન હોવાથી તેના ઘરે ગયો હતો. ત્યારે મારા ભાઇ વિજય અને કમલેશે મને જણાવ્યું હતું કે, હમણા અબ્દુલ દાઉદભાઈ લંજા સાથે ફોનમાં વાત થઇ અને મે તેને સમાધાન માટે કેમ ન આવ્યા તેમ પૂછતા મારી સાથે ફોનમાં અબ્દુલ બોલાચાલી કરવા લાગ્યો હતો.બાદમાં અમે કમલેશભાઈના ઘરે હતા ત્યારે રાત્રીના 3.30 વાગ્યે કમલેશભાઇના ઘરે ડેલીમા કોઇએ કોઈપણ વસ્તુનો ઘા કર્યો હોય એવો અવાજ આવ્યો હતો. અમે બધા ઉપરના રૂમમાં હતા ત્યારે સોડા બાટલીના ઘા આવતા મારો ભાઈ વિજય કમલેશભાઈનો દીકરો નાર્વીન જે બાલકનીમાં ઉભો હતો, તેને લેવા જતા એક સોડા બોટલ મારા ભાઇ વિજયને છાતીમાં વાગી હતી. બાદમાં મે બારીમાંથી બહાર જોતા ફૈઝલ, ઈરફાન, અબ્દુલ, હસન તથા બીજા ચાર અજાણ્યા શખસો ચાર મોટરસાયકલ લઈને આવ્યાનું દેખાયું હતું. આ શખસોના હાથમાં પાઇપ-ધોકા હતા. તમામ શખસો ધોકા-પાઇપ વડે અમે શેરીમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી રહ્યા હતા. જે પૈકી અમુક શખસો સોડા બોટલના ઘા કરતા હતા, જેથી કમલેશભાઈના ઘરના રેલીંગના કાચ તૂટી ગયા હતા.દરવાજામાં પણ ધોકા-પાઈપ મારી નુકશાન કરેલ હતુ જયારે અમારા વાહનમાં પણ તોડફોડ કરી હતી. બાદમાં પોલીસને ફોન કરતા પીસીઆર વાન દોડી આવી હતી. જે બાદ અમે ઘરે જવા પરત ફરતા અમારા ઘર નજીક આવેલ બહેનના ઘર પાસે પાર્ક કરેલ સ્વીફટ કારમાં પણ તોડફોડ થયાંની જાણ થઇ હતી. આમ કુલ રૂ.4 લાખની નુકસાની સર્જનાર ફૈઝલ, ઈરફાન, અબ્દુલ અને હસન ઉપરાંત ચાર અજાણ્યા શખસો વિરુદ્ધ વેપારીની ફરિયાદ પરથી રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પ્રદ્યુમનનગર પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.