ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત: ઢોર પકડવાની ઝુંબેશ વેગવંતી કરવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રખડતા ઢોરને ડબ્બે પૂરવાની કામગીરી બંધ થઈ જતાં વધુ એક વ્યક્તિનો ભોગ લેવાયો છે શહેરની ભાગોળે નવાગામમાં મજૂરીકામ કરતાં આધેડ ઝાડ નીચે બેઠા હતા ત્યારે રસ્તામાં બાખડતા બે ખૂંટિયાઓ તેની પાસે ધસી આવી જઇ ઢીંકે ચડાવતાં ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.બનાવને પગલે તેના પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
- Advertisement -
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવાગામમાં મામાવાડીમાં રહેતા ઇસ્માઇલભાઇ ઇદ્રિશભાઇ શેખ ઉ.48 તેના ઘર પાસે ઝાડ નીચે બેઠા હતા તે દરમિયાન નજીકમાં બાખડતા બે ખૂંટિયાઓ તેની પાસે ધસી આવતા ખૂંટિયાથી બચવા આધેડ ઊભા થાય તે પહેલાં જ ખૂંટિયાઓએ તેને ઢીંકે ચડાવ્યા હતા અને બન્ને ખૂંટિયાએ ખૂંદી નાખતા ગંભીર રીતે ઇજા થઇ હતી દેકારો થતા લોકો એકઠા થઇ ગયા હતા અને કોઈએ 108માં જાણ કરતાં 108ની ટીમે પહોંચી જોઈ તપાસી મૃત જાહેર કરતાં કુવાડવા પોલીસ મથકના જમાદાર પ્રશાંતભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી ઇસ્માઇલભાઇ છૂટક મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે.
નવાગામ પાસે હાઇવે ઉપર પણ રખડતા ઢોરનો ભારે ત્રાસ હોય અન્ય કોઈનો રખડતાં ઢોર ભોગ લ્યે તે પૂર્વે તંત્ર દ્વારા પકડીને ઢોર ડબ્બે પૂર્વમાં આવે તેવી માંગ કરવામાં આવી છે.