કૂર્ગનાં મદીકેરી ટાઉનમાં આવેલાં ઓમકારેશ્ર્વર મંદિરનાં દર્શને આવે તેનાં પાપ ધોવાઈ જાય છે
કૂર્ગને કારણે જ કર્ણાટક કોફીનાં ઉત્પાદનમાં દેશભરમાં અવ્વલ છે. દેશનાં કુલ કોફી ઉત્પાદનમાંથી 92 ટકા તો કર્ણાટક એકલું જ કરે છે. કૂર્ગ અને તેની આસપાસ કોફીનું આખું કલ્ચર વિકસ્યું છે. અમારો ઉતારો કોફી એસ્ટેટમાં હતો તેથી સ્વાભાવિક રીતે જ અમે ત્યાંના કેરટેકર દંપતીને કોફી વિશે ઘણું પૂછયું, ઘણું જાણ્યું.
દુનિયાભરમાં કોફીની કુલ ચાર જાત છે. જેમાંથી ભારતમાં કોફીની બે જાતનું પ્લાન્ટેશન થાય છે, કહો કે બે જાત જ છે: રોબસ્ટા અને અરેબિકા. કૂર્ગમાં પણ બેઉ પ્રકારની કોફીનું પ્લાન્ટેશન થાય છે. બેય કોફી વચ્ચે તફાવત શો?: રોબસ્ટા સ્ટ્રોંગ હોય, તેમાં કેફિનનું પ્રમાણ વધુ હોય જ્યારે અરેબિકા માઈલ્ડ અને કેફિનનું પ્રમાણ ઓછું.
કોફી લવર્સને ખ્યાલ જ છે કે, અરેબિકામાં ચોકલેટ અને સ્યુગરની થોડી હિન્ટ પણ હોય. બેયનાં સ્વભાવ, ચરિત્ર અને ચારિત્ર્ય જ ભિન્ન. રોબસ્ટા સમુદ્ર સપાટી જેટલી ઊંચાઈ પર પણ થઈ શકે. જ્યારે અરેબિકાનું પ્લાન્ટેશન કમસેકમ 600 મીટર ઊંચાઈવાળા પ્રદેશમાં જ થાય. રોબસ્ટાનાં પ્રમાણમાં અરેબિકાનું ઉત્પાદન ઓછું મળે. એટલે જ અરેબિકાની કિંમત રોબસ્ટા કરતાં વધુ હોય. અરેબિકા સ્વાદમાં લાજવાબ અને પ્રીમિયમ ગણાય છે. ઈવન, સ્ટારબક્સ જેવી જગવિખ્યાત કોફી બ્રાન્ડ પણ અરેબિકાનો જ ઉપયોગ કરે છે.
જેવી રીતે કેસર કેરીમાં અને હાફુસ કેરીમાં પણ અનેક પેટા જાતો હોય છે, તેવું જ અરેબિકા અને રોબસ્ટામાં પણ ખરૂં. જો કે, આપણે અહીં કોફી પુરાણ માંડવું નથી. વાત કૂર્ગની કરવાની છે.
કૂર્ગ એક જિલ્લો છે. જેનું બીજું નામ કોડાગુ પણ છે. કોડાગુ નવું નામ છે, કૂર્ગ જૂનું. અગાઉ કૂર્ગ એક સ્ટેટ હતું, આઝાદી પછી એ મૈસુર સ્ટેટમાં વિલીન થઈ ગયું અને મૈસુર પછી કર્ણાટક રાજ્યમાં. કૂર્ગનું હેડકવાર્ટર છે, મદીકેરી. એક નાનકડું ટાઉન અને પર્યટકો માટે મુખ્ય આકર્ષણ છે. બજારો વગેરે અહીં જ છે. અહીં એક સુંદર ગાર્ડન છે- જ્યાં ‘રાજા’સ સીટ’ તરીકે ઓળખાતું એક સિંહાસન છે. જે-તે સમયનાં રાજા અહીં બેસતાં અને કૂર્ગનાં શ્ર્વાસ થંભાવી નાંખતા દૃશ્યોનો આનંદ ઉઠાવતાં. અહીં સ્ટેપ ગાર્ડન છે અને આખો બગીચો તમારે ફરવો હોય તો કમસેકમ ત્રણેક કલાક લાગે. ગાર્ડનમાં અનેક વ્યૂ પોઈન્ટ્સ છે. આ દરેક વ્યૂ પોઈન્ટ પરથી યાદગાર ફોટોઝ ખેંચી શકાય છે. ખાસ કરીને સાંજનાં પાંચ વાગ્યા પછી અહીં રીતસર જમાવટ હોય. પાંચથી સાત-આઠ સુધી અહીં રહીએ તો જલ્સો પડી જાય.
મદીકેરી આસપાસ, મદીકેરીમાં અને કૂર્ગમાં અનેક જોવાલાયક સ્થળો છે. જિલ્લામાં વિરાજપેટ નામનું ઝીણકું એવું શાંત-સુંદર ગામડું છે. આ ગામ તેનાં મધ માટે આખા ભારતમાં વિખ્યાત છે. મધ ઉત્પાદનનાં મામલે એ આખા એશિયામાં પ્રથમ સ્થાન ધરાવે છે. મદીકેરી ટાઉનમાં જ ઓમકારેશ્ર્વર મંદિર છે. કહેવાય છે કે, આ મંદિરનાં દર્શને આવે તેનાં પાપ ધોવાઈ જાય છે. દંતકથા છે કે, અહીંના રાજા રાજેન્દ્ર દ્વિતિયએ રાજકીય લાભ માટે એક બ્રાહ્મણની હત્યા કરી હતી. કહેવાય છે કે, મૃત્યુ બાદ એ બ્રાહ્મણ મૃત્યુ પછી બ્રહ્મરાક્ષસ બન્યો અને રાજાને પરેશાન કરવા લાગ્યો. તેનાં કોપથી મુક્ત થવા માટે રાજાએ કાશીથી શિવલિંગ લાવીને અહીં સ્થાપિત કર્યું અને બ્રહ્મહત્યાનાં પાપમાંથી રાજાએ મુક્તિ મેળવી. ત્યારથી આ મંદિર પાપમુક્તિ માટે આદર્શ તીર્થ ગણાય છે.
(ક્રમશ:)